બૉલીવુડના ઘણા સ્ટાર્સ માનસિક શાંતિ માટે સોશ્યલ મીડિયાથી દૂર રહે છે, પણ સૈફ અલી ખાને એક અલગ જ માર્ગ અપનાવ્યો છે. તે સોશ્યલ મીડિયા પર છે તો ખરો, પણ તેનું અકાઉન્ટ સીક્રેટ છે જેને કારણે મોટા ભાગના લોકો ઓળખી શકતા નથી.
સૈફ અલી ખાન ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
બૉલીવુડના ઘણા સ્ટાર્સ માનસિક શાંતિ માટે સોશ્યલ મીડિયાથી દૂર રહે છે, પણ સૈફ અલી ખાને એક અલગ જ માર્ગ અપનાવ્યો છે. તે સોશ્યલ મીડિયા પર છે તો ખરો, પણ તેનું અકાઉન્ટ સીક્રેટ છે જેને કારણે મોટા ભાગના લોકો ઓળખી શકતા નથી. સૈફના આ અકાઉન્ટનો ખુલાસો નેહા ધુપિયાએ કર્યો છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં નેહા ધુપિયાએ સોશ્યલ મીડિયામાં વધતા જતા ટ્રોલિંગ અને હેટ-મેસેજ વિશે જણાવ્યું હતું કે ‘આ ઍક્ટિવિટી વધી રહી છે ત્યારે મને સૈફની વાત યાદ આવે છે. હું લગભગ પાંચ-છ વર્ષ પહેલાં એક શો માટે ઇન્ટરવ્યુ કરતી વખતે સૈફ સાથે ટ્રોલિંગ વિશે વાત કરી રહી હતી. એ સમયે સૈફે કહ્યું હતું કે હું સોશ્યલ મીડિયા પર નથી, પણ મારું એક સીક્રેટ પ્રાઇવેટ અકાઉન્ટ છે જેની મદદથી હું કેટલીક વખત વાંચું છું કે મારા વિશે કઈ વાતો લખાઈ છે. એ સમયે સૈફે મને કહ્યું હતું કે થોડા સમય પછી નિયમો એટલા કડક થઈ જશે કે સાઇબર ક્રાઇમ પોલીસ તરત જ ટ્રોલર્સ અને હેટ-મેસેજ કરનારને શોધીને સજા ફટકારશે.’


