સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’
સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત અગાઉ ‘બૅટલ ઑફ ગલવાન’ના નામે કરવામાં આવી હતી, પણ આ વર્ષની શરૂઆતમાં એનું નામ બદલીને ‘માતૃભૂમિ’ કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા ટકરાવ પર આધારિત છે. જોકે હાલમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો હોવાથી સંરક્ષણ મંત્રાલયને ફિલ્મની સામગ્રી અને એમાં ચીનના ઉલ્લેખને લઈને કેટલાક વાંધા હતા, જેના કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો હતો. આ સંજોગોમાં હવે ફિલ્મની રિલીઝને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ નિર્માતાઓ દ્વારા જમા કરવામાં આવેલા ‘માતૃભૂમિ’ના નવા વર્ઝનથી હવે સંતુષ્ટ છે જેના પગલે તેમણે ગયા અઠવાડિયે આ ફિલ્મ માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેશન આપી દીધું છે. એટલે હવે આ ફિલ્મને દર્શકો માટે રિલીઝ કરી શકાય છે.
ADVERTISEMENT
ચર્ચા છે કે સલમાન આ ફિલ્મને ૧૩ નવેમ્બરે રિલીઝ કરવા ઇચ્છે છે કારણ કે તેનું માનવું છે કે દિવાળી પછીના સમયમાં જ્યારે લોકો ઉજવણીના મૂડમાં હશે ત્યારે રિલીઝ કરવાનું યોગ્ય રહેશે. જોકે ફિલ્મની સેન્સર-પ્રક્રિયા હજુ બાકી છે. નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સમક્ષ જમા કરશે. જો CBFC ફિલ્મને મંજૂરી આપી દે અને આ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો સલમાન અને તેની ટીમ કદાચ ૧૩ નવેમ્બરે ‘માતૃભૂમિ’ને થિયેટરમાં રિલીઝ કરી શકે છે.
