આ અવૉર્ડ મને યાદ અપાવશે કે અભિનય માત્ર એક કામ નથી; એ એક જવાબદારી છે, સત્ય બતાવવાની જવાબદારી
શાહરુખ ખાન
શુક્રવારે ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી, જેમાં શાહરુખ ખાનને ‘જવાન’ માટે અને વિક્રાંત મેસીને ‘12th ફેલ’ માટે સંયુક્ત રીતે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો. પુરસ્કાર-વિજેતાઓની યાદી જાહેર થયા બાદ શાહરુખ ખાને સોશ્યલ મીડિયા પર આ વિશે ખુશી વ્યક્ત કરી. તેણે એક ઇમોશનલ વિડિયો પોસ્ટ કરીને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો આભાર માન્યો.
૩૩ વર્ષની કરીઅરમાં પહેલો અવૉર્ડ
શાહરુખ ખાનને તેની ૩૩ વર્ષની ફિલ્મી કરીઅરમાં પ્રથમ નૅશનલ અવૉર્ડ મળ્યો છે અને તેણે વિડિયોમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ‘નમસ્કાર, આદાબ. નૅશનલ અવૉર્ડથી સન્માનિત થવું એ મારા માટે એવી ક્ષણ છે જેને હું આખી જિંદગી મારી યાદમાં સાચવી રાખીશ. હું જ્યુરી, ચૅરમૅન અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયનો આ સન્માન માટે આભાર માનું છું. સાથે જ એ બધાનો પણ આભાર જેમણે મને આ સન્માનને લાયક સમજ્યો. મારી પત્ની અને બાળકોનો પણ આભાર માનું છે જેમણે ચાર વર્ષ સુધી મને ઘરના નાના બાળકની જેમ સાચવ્યો અને ઘણો પ્રેમ આપ્યો. મારો પરિવાર આ વાત સારી રીતે જાણે છે કે સિનેમા પ્રત્યેનો મારો જુસ્સો મને તેમનાથી દૂર લઈ જાય છે, પરંતુ તેઓ એને હસીને સહન કરે છે. હું એના માટે તેમનો દિલથી આભારી છું અને આભાર માનું છું. નૅશનલ અવૉર્ડ માત્ર એક સિદ્ધિ નથી, એ મને યાદ અપાવે છે કે મારું કામ મહત્ત્વ ધરાવે છે. એ મને સંદેશ આપે છે કે મારે મારું કામ ચાલુ રાખવું છે અને મહેનત કરવી છે. મારે સર્જનાત્મક રહેવું છે અને સિનેમાની સેવા કરતા રહેવું છે. આ મને યાદ અપાવશે કે અભિનય માત્ર એક કામ નથી, એ એક જવાબદારી છે, સત્ય બતાવવાની જવાબદારી.’
ADVERTISEMENT
હું ફરી આવીશ થિયેટરમાં
શાહરુખ ખાને આ વિડિયોમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે ‘બધાનો પ્રેમ અને ભારત સરકારનો હું ખૂબ આભારી છું. આ સન્માન માટે હું દિલથી આભાર કહેવા માગું છું. તમારા માટે મારું સિગ્નેચર-સ્ટેપ કરવા માગું છું, પરંતુ આ સ્થિતિમાં એ શક્ય નથી. પરંતુ કોઈ વાંધો નહીં, પૉપકૉર્ન તૈયાર રાખજો, તૈયાર રહેજો, હું જલદી થિયેટરમાં પાછો આવીશ.’
ઍટલીએ શાહરુખ માટે લખ્યો લવલેટર
શુક્રવારે નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ 2025ના વિજેતાઓની જાહેરાત થઈ જેમાં ‘જવાન’ને બે અવૉર્ડ મળ્યા. પ્રથમ અવૉર્ડ શાહરુખ ખાનને બેસ્ટ ઍક્ટર માટે અને બીજો અવૉર્ડ શિલ્પા રાવને ફિલ્મના ગીત ‘ચલેયા’ માટે બેસ્ટ મહિલા ગાયિકા તરીકે મળશે. આ જાહેરાત પછી ફિલ્મના ડિરેક્ટર ઍટલીએ સોશ્યલ મીડિયામાં શાહરુખ સાથેની તસવીરો પોસ્ટ કરીને હૃદયસ્પર્શી નોંધ લખી.
ઍટલીએ કૅપ્શનમાં લખ્યું, ‘હું ધન્યતા અનુભવું છું, શાહરુખ ખાન સર. મને ખૂબ જ આનંદ છે કે તમને આપણી ફિલ્મ ‘જવાન’ માટે નૅશનલ અવૉર્ડ મળ્યો. તમારી સફરનો ભાગ બનવું ખૂબ જ ભાવનાત્મક અને પ્રેરણાદાયી લાગે છે. મારા પર ભરોસો કરવા અને આ ફિલ્મ આપવા બદલ આભાર, સર. આ મારો તમારા માટેનો પ્રથમ લવલેટર છે. આગળ હજી ઘણુંબધું આવવાનું બાકી છે, સર. ઈશ્વર એટલા દયાળુ છે કે તેણે આપણને આપણા જીવનની સૌથી ખાસ ક્ષણ પાછી આપી. આનાથી વધુ હું કંઈ માગી શકું નહીં, સર. મારા માટે આ પૂરતું છે. હું તમારો સૌથી મોટો ફૅનબૉય છું, સર. હું તમને પ્રેમ કરું છું. હું તમને પ્રેમ કરું છું. હું તમને પ્રેમ કરું છું. ઢગલાબંધ પ્રેમ, સર.’
શાહરુખ ખાનના જમણા હાથમાં જોવા મળ્યું આર્મ-પાઉચ
શાહરુખ ખાને સોશ્યલ મીડિયામાં જે વિડિયો પોસ્ટ કર્યો છે એમાં તેના જમણા હાથમાં આર્મ-પાઉચ લાગેલું જોવા મળે છે, જેનાથી ખબર પડે છે કે તેના હાથને કોઈ ઈજા થઈ છે. થોડા દિવસ પહેલાં ખબર આવી હતી કે શાહરુખ ‘કિંગ’ના સેટ પર ઘાયલ થયો હતો. જોકે તેમની ટીમે પુષ્ટિ કરી હતી કે સુપરસ્ટારને આ ઈજા ‘કિંગ’ના સેટ પર નથી થઈ, પરંતુ તે પોતાની જૂની ઈજાના ઇલાજ માટે અમેરિકા ગયો છે.

