શાહરુખ ખાનની ‘કિંગ’ અને નાગાર્જુનની ‘કિંગ 100’ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે એક જ દિવસે રિલીઝ થશે. બન્ને ફિલ્મોનું ટાઇટલ અને ઍક્શન જોનર સરખું હોવા છતાં ભાષા અને ઑડિયન્સ અલગ હોવાથી બૉક્સ-ઑફિસ ક્લૅશની શક્યતા ઓછી છે.
૨૪ ડિસેમ્બરે પડદા પર ટકરાશે બે કિંગ, એકમાં શાહરુખ ખાન તો બીજીમાં નાગાર્જુન કામ કરી રહ્યો છે
શાહરુખ ખાનના ફૅન્સ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘કિંગ’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરુખની દીકરી સુહાના ખાન, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, રાની મુખરજી, દીપિકા પાદુકોણ, અભય વર્મા તેમ જ જયદીપ અહલાવત જેવા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. આ ફિલ્મની રિલીઝની તારીખ પહેલાંથી જ નક્કી છે ત્યારે હવે રિપોર્ટ છે કે આ જ દિવસે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનની પણ એક ફિલ્મ આવી રહી છે. ખાસ વાત તો એ છે કે તેની ફિલ્મનું ટાઇટલ પણ શાહરુખની ફિલ્મ જેવું જ છે.
એક તરફ શાહરુખ ખાનની ફિલ્મનું નામ ‘કિંગ’ છે તો બીજી તરફ નાગાર્જુનની ફિલ્મનું નામ ‘કિંગ 100’ છે. શાહરુખની ફિલ્મ ઍક્શન થ્રિલર છે તો નાગાર્જુનની ફિલ્મમાં પણ જબરદસ્ત ઍક્શન જોવા મળવાની છે. ગઈ કાલે નાગાર્જુનની ૬૭મી વર્ષગાંઠના અવસર પર આ ફિલ્મનો ટીઝર-વિડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો જેમાં તેનો જબરદસ્ત ઍક્શન અવતાર જોવા મળ્યો હતો.
બન્ને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી હોવા છતાં બૉક્સ-ઑફિસ પર ક્લૅશ જેવી સ્થિતિ નથી, કારણ એ છે કે બન્ને ફિલ્મોનું ઑડિયન્સ એકદમ અલગ છે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ‘કિંગ’ માત્ર હિન્દી ભાષામાં રિલીઝ થઈ રહી છે, જ્યારે ‘કિંગ 100’ માત્ર તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં બૉક્સ-ઑફિસ પર બન્ને ફિલ્મોને એકબીજાથી કોઈ ખાસ ખતરો નથી.
