ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે, કલાકારોની પસંદગી થઈ ચૂકી છે અને આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે
આ ફિલ્મમાં શેખર કપૂર અને સુચિત્રા કૃષ્ણમૂર્તિની દીકરી કાવેરી કપૂરનો ખાસ રોલ હશે
શેખર કપૂરની ક્લાસિક ફિલ્મ ‘માસૂમ’ રિલીઝ થયાને ચાર દાયકાથી વધુ સમય વીતી ગયો છે. ગયા વર્ષે શેખર કપૂરે જાહેરાત કરી હતી કે તે ‘માસૂમ : ધ નેક્સ્ટ જનરેશન’ બનાવવાના પ્લાનિંગમાં છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં શેખર કપૂર અને સુચિત્રા કૃષ્ણમૂર્તિની દીકરી કાવેરી કપૂરનો ખાસ રોલ હશે તેમ જ આ ફિલ્મમાં સંગીતકાર એ.આર. રહમાન પણ સહનિર્માતા તરીકે જોડાયા છે.
પોતાના આગામી ફિલ્મ વિશે વાત કરતાં શેખર કપૂરે કહ્યું હતું કે ‘‘માસૂમ: ધ નેક્સ્ટ જનરેશન’નું કામ સંપૂર્ણ ઝડપે આગળ વધી રહ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે, કલાકારોની પસંદગી થઈ ચૂકી છે અને આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. એ. આર. રહમાન આ ફિલ્મમાં સંગીતકારની સાથે-સાથે સહનિર્માતા પણ છે. ફિલ્મના સંગીત પર કામ પણ શરૂ થઈ ગયું છે. એક ગીત તૈયાર થઈ ચૂક્યું છે અને ટીમ હાલમાં બીજા ગીત પર કામ કરી રહી છે. ‘માસૂમ: ધ નેક્સ્ટ જનરેશન’માં ઘર, પરિવાર અને જનરેશન-ગૅપ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવશે. ફિલ્મ આધુનિક સમયના પરિવારોમાં બદલાતા સંબંધો અને લાગણીઓની જટિલતાઓને રજૂ કરશે.’
ADVERTISEMENT
નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી ફરી સાથે

૧૯૮૩માં આવેલી ‘માસૂમ’માં નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં હતાં, જ્યારે ઊર્મિલા માતોન્ડકર અને જુગલ હંસરાજ બાળકલાકારો તરીકે જોવા મળ્યાં હતાં. ‘માસૂમ: ધ નેક્સ્ટ જનરેશન’માં નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી ફરી સાથે જોવા મળશે. તેમની સાથે મનોજ બાજપેયી, નિત્યા મેનન અને શેખર કપૂરની પુત્રી કાવેરી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.
