ઇન્ટરનેટને કારણે યુવાનોમાં ઉચાટ વધ્યો છે. જયા બચ્ચન સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જાણીતાં છે. તેમણે દોહિત્રી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટ ‘વૉટ ધ હેલ નવ્યા’ના એક એપિસોડમાં કહ્યું હતું કે યુવાનોમાં વધતી ચિંતા અને ઍન્ગ્ઝાયટી-અટૅક માટે ઇન્ટરનેટ જવાબદાર છે.
જયા બચ્ચન અને નવ્યા નવેલી નંદા
જયા બચ્ચન સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જાણીતાં છે. તેમણે દોહિત્રી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટ ‘વૉટ ધ હેલ નવ્યા’ના એક એપિસોડમાં કહ્યું હતું કે યુવાનોમાં વધતી ચિંતા અને ઍન્ગ્ઝાયટી-અટૅક માટે ઇન્ટરનેટ જવાબદાર છે. તેમણે પોતાની વાતના સપોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે અમારા સમયમાં ઍન્ગ્ઝાયટી-અટૅક વિશે સાંભળ્યું પણ નહોતું. જોકે એ વાતચીત દરમ્યાન દીકરી શ્વેતા બચ્ચને મમ્મી જયાની દલીલથી વિરુદ્ધ પોતાનો તર્ક રજૂ કર્યો હતો.
નવ્યા સાથે વાતચીત દરમ્યાન એક તબક્કે જયાએ કહ્યું હતું કે ‘નવ્યા, તમારી પેઢીમાં ‘કૉલનો જવાબ જલદી આપો, મેસેજનો જવાબ જલદી આપો’ એવું પ્રેશર સતત રહે છે. યુવાન પેઢીને સતત એવા પ્રશ્નો થાય છે કે શું સોશ્યલ મીડિયામાં આપણે સારા દેખાઈએ છીએ? શું આપણે યોગ્ય વિચારીએ છીએ? આ બધી વાત જ તેમનો ઉચાટ વધારે છે. જ્યારે અમે બાળકો હતાં ત્યારે અમે ઍન્ગ્ઝાયટી-અટૅક વિશે સાંભળ્યું નહોતું. બાળપણની તો વાત જ રહેવા દો, અમે મોટાં થયા પછી પણ એના વિશે ક્યારેય સાંભળ્યું નહોતું. દેખાવ, બ્યુટી-રૂટીન અને સામાજિક સરખામણી આજની પેઢીમાં ઍન્ગ્ઝાયટી વધારે છે.’
જોકે આ વાતચીત દરમ્યાન જયા અને અમિતાભની દીકરી તથા નવ્યાની મમ્મી શ્વેતાએ જયાની દલીલ કરતાં વિરુદ્ધ તર્ક આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘પહેલાં પણ યુવાનોને ઍન્ગ્ઝાયટી સતાવતી હતી, પણ કોઈ એના વિશે વાત નહોતું કરતું. હવે એને વધુ સારી રીતે ઓળખી શકાય છે, કારણ કે એના વિશે વધુ વાત થાય છે.’

