વડોદરાની મંગળ બજારમાં આવેલું જિતેન્દ્ર ખમણ હાઉસ. બે જ પ્રકારનાં ખમણ મળે અને એ પણ એકદમ ગરમાગરમ. ખાવામાં જરા પણ હેવી નહીં ને ખાવાનું એક વાર ચાલુ કરો એટલે હાથ અટકવાનું નામ ન લે.
સંજય ગોરડિયા જિતેન્દ્ર ખમણ હાઉસમાં
કૅનેડા ટૂર પૂરી કરીને પાછા આવ્યા પછી તરત જ અમારા નાટકના શોની ટૂર અમદાવાદ-વડોદરાની હતી એટલે અમે નીકળી ગયા. અમારા નાટકના શો વડોદરામાં હતા ત્યારની વાત છે. વડોદરામાં એક બહુ જાણીતી ખમણની દુકાન છે. બહુ બધી એની બ્રાન્ચ છે. મને થયું કે આવ્યા છીએ તો ત્યાં જઈને ખમણ ખાઈએ. મેં મારા સાથી કલાકાર નીલેશ પંડ્યાને વાત કરી અને નીલેશ તૈયાર થયો, પણ બીજા દિવસે સવારે આવીને મને તેણે કહ્યું કે વડોદરામાં મારા એક સગા રહે છે, તેણે મને કહ્યું છે કે ખમણ ખાવાં હોય તો જિતેન્દ્ર ખમણમાં જજો; પેલી, જેનું નામ બહુ મોટું થઈ ગયું છે એનાં ખમણમાં હવે દમ નથી રહ્યો. મેં તરત હામી ભરી અને અમે પહોંચ્યા જિતેન્દ્ર ખમણ હાઉસમાં.
આ જિતેન્દ્ર ખમણ હાઉસ વડોદરાની મંગળ બજારમાં આવેલું છે. મંગળ બજાર વડોદરાનો બહુ જાણીતો એરિયા. ન્યાય મંદિર, પ્રતાપ ટૉકીઝ, સૂરસાગર તળાવ આ મંગળ બજારની આજુબાજુમાં આવ્યાં છે. જો સાંજના સમયે તમે ત્યાં જાઓ એટલે સાઇકલ તો ઠીક, તમને ચાલવાની પણ જગ્યા ન મળે. થૅન્ક ગૉડ કે અમે બપોરે જવા માટે નીકળ્યા હતા અને એ પછી પણ અમને રિક્ષાવાળાએ કહ્યું કે બહાર ઊતરી જશો તો તમારો સમય બચશે.
અમે ચાલતાં જિતેન્દ્ર ખમણ હાઉસ પહોંચ્યા અને ગિરદી કહે મારું કામ. દુકાનની બહાર ગ્રાહકોની જબરદસ્ત ભીડ હતી. આ જે જિતેન્દ્ર ખમણ હાઉસ છે એ હાર્ડ્લી સવાસોથી દોઢસો ફીટની દુકાન હશે. ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક દુકાન ચાલુ રહે. સવારે છ વાગ્યાથી ત્યાં નાસ્તો મળવા માંડે. જિતેન્દ્ર ખમણ હાઉસની બીજી ખાસિયત કહું, ત્યાં ગરમાગરમ ખમણ ઊતરતાં જાય અને વેચાતાં જાય.
અમે ગયા ત્યારે એના માલિક મને ઓળખી ગયા એટલે મને એ કિચનમાં લઈ ગયા. આઠ બાય આઠનું નાનકડું કિચન, પણ એમાં ખમણ એકધારાં બનતાં જતાં હોય અને ડિલિવરી થતી જતી હોય. જિતેન્દ્ર ખમણ હાઉસના માલિકે મને દેખાડ્યું કે ‘સંજયભાઈ, જુઓ તમે. અમે અમારી દુકાનમાં ફ્રિજ રાખતા જ નથી. ફ્રિજ હોય તો કોઈ વસ્તુ સાચવવાનું મન થાય. ચટણીથી માંડીને બધેબધું તાજું જ બનાવવાનું અને પીરસવાનું.’
આપણે જે પ્રકારે આ પીત્ઝા-બર્ગર જેવી વરાઇટી પાછળ પાગલ થયા છીએ એ જોતાં મને કહેવાનું મન થાય છે કે આવતાં વર્ષોમાં હેલ્થની બાબતમાં આપણી નવી પેઢી બહુ દુખી થઈ શકે છે. હું તો દુનિયાના મોટા ભાગના દેશોમાં ફર્યો છું. મેં જોયું છે કે જે પીત્ઝા-બર્ગરની ફેમસ બ્રૅન્ડની હજારો ને લાખો ફ્રૅન્ચાઇઝી હોય છે એવી જગ્યાએ પણ બધેબધું વાસી જ મળતું હોય છે. આપણને એ ભાવે છે એમાં નાખવામાં આવતા પ્રિઝર્વેટિવ્સના કારણે. એ જે કેમિકલ છે એની એક ખાસિયત, એ લાંબો સમય સુધી ફૂડનો સ્વાદ અકબંધ રાખે ને બીજી ખાસિયત, એ લત લગાડવાનું કામ કરે.
તમે જુઓ, અત્યારે નકલી પનીરનું કઈ હદે ચાલ્યું છે? મેં તો પનીર ખાવાનું જ બંધ કરી દીધું. આપણે હેલ્થને ધ્યાનમાં રાખીને પનીર ખાઈએ ને પછી ખબર પડે કે આપણે તો સિન્થેટિક પનીર ઠૂસતા હતા. ગમે ત્યાં ખાવા કરતાં બહેતર છે કે તમારી વિશ્વાસુ જગ્યા હોય ત્યાં ખાઓ, જેની ક્વૉલિટી માટે તમને ભરોસો હોય ત્યાં ખાઓ અને કાં તો એ બધું ઘરે બનાવીને ખાઓ.
ફરી વાત કરીએ જિતેન્દ્ર ખમણ હાઉસની.
અહીં બે પ્રકારનાં ખમણ મળે. એક કાચા વઘારવાળાં ખમણ અને બીજાં તીખાં ટમટમ ખમણ. બસો રૂપિયા ભાવ અને સાથે મળે તમને ખમણના ભૂકામાંથી બનેલી ચટણી. ગરમાગરમ વાટીદાળનાં ખમણ ઉપર જો તમારે સેવ નાખવી હોય તો એ તમારે અલગથી ખરીદવાની. સેવનો ભાવ અઢીસો રૂપિયા. આ જે સેવ છે એ સેવખમણીવાળી ઝીણી સેવ નથી પણ સહેજ જાડી સેવ હોય છે. ખમણની સૉફ્ટનેસ સાથે સેવની ક્રન્ચીનેસની મજા જુદી જ લાગે. મેં તો બન્ને રીતે ખમણ ટ્રાય કર્યાં અને બન્ને રીતમાં મને બહુ મજા આવી, જેનું કારણ તાજાં ખમણ.
અમે લંચમાં માત્ર ખમણ ખાધાં. જરા વિચારો કેટલાં ખમણ ખાધાં હશે! ખમણ પ્રમાણમાં હેવી પણ એમ છતાં એની કોઈ આડઅસર અમને જોવા મળી નહીં અને એટલે જ મેં નક્કી કર્યું કે હું આ ખમણને તમારા સુધી પહોંચાડું. જો તમારા વડોદરામાં કોઈ સગા રહેતા હોય તો તેમને સજેસ્ટ કરજો કે જિતેન્દ્રનાં ખમણ એક વાર ટ્રાય કરે અને જો તમે વડોદરા જવાના હો તો જિતેન્દ્ર ખમણ હાઉસમાં એક વાર અચૂક જજો. ધક્કો અને પૈસા બન્ને વસૂલ થશે.

