Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આઇટીના નેજા હેઠળ બજારનું માનસ ખરડાયું, નિફ્ટીએ ૨૫૨૦૦નું લેવલ તોડ્યું

આઇટીના નેજા હેઠળ બજારનું માનસ ખરડાયું, નિફ્ટીએ ૨૫૨૦૦નું લેવલ તોડ્યું

Published : 12 July, 2025 08:41 AM | IST | Mumbai
Anil Patel

બિટકૉઇનમાં નવાં શિખર, રૂપિયામાં ભાવ એક કરોડને પાર, ૯ વર્ષ પહેલાં રેટ ૪૫૯૦૦ રૂપિયા હતો : પાકિસ્તાની શૅરબજાર નવા ટૉપ સાથે ૧૩૫૦૦૦ ભણી : હિન્દુસ્તાન યુનિલીવરનું સુકાન પ્રથમ વાર મહિલા હસ્તક, શૅરમાં તગડા ઉછાળાથી રોકાણકારોને ૨૬૦૯૨ કરોડ રૂપિયાનો ફાયદો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. TCS વૉલ્યુમ સાથે ગગડતાં રોકાણકારોને ૪૨૨૯૫ કરોડનો માર પડ્યો
  2. નબળા પરિણામનો આંચકો પચાવી તાતા ઍલેક્સી સવા ટકો નરમ, એન્યમ બાયોનો ૩૩૯૫ કરોડનો ઇશ્યુ સોમવારે
  3. ટ્રાવેલ ફૂડનું લિસ્ટિંગ સોમવારે, ગ્રેમાર્કેટમાં ઝીરો થયેલું, પ્રીમિયમ વધીને ૧૫ રૂપિયે

ટ્રમ્પે કૅનેડા પર ૩૫ ટકાની ટૅરિફ લગાવી છે. કૅનેડિયન શૅરબજારે ૦.૪ ટકાના સુધારા સાથે એને ઠંડો પ્રતિસાદ આપ્યો છે. બ્રાઝિલે વળતા પ્રહારમાં અમેરિકન આયાત પર ૫૦ ટકા ડ્યુટી નાખવાની ધમકી આપી છે. બ્રાઝિલના શૅરબજારનો બોવેસ્પા ઇન્ડેક્સ અડધો ટકો ઘટીને બંધ થયો છે. એશિયન બજાર શુક્રવારે બહુધા સુધારામાં રહ્યા છે. થાઇલૅન્ડ એક ટકો, ઇન્ડોનેશિયા અને હૉન્ગકૉન્ગ અડધો ટકો, સિંગાપોર અને તાઇવાન સાધારણ સુધર્યા છે. જપાન અને સાઉથ કોરિયા નહીંવત્ નરમ હતા. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ડાઉન હતું. પાકિસ્તાની શૅરબજાર ૧૩૩૭૮૨ના આગલા બંધ સામે ૧૩૪૮૬૩ની નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૫૯૮ પૉઇન્ટ વધીને ૧૩૪૩૮૦ ચાલતું હતું. બ્રેન્ટક્રૂડ ૬૯ ડૉલરની અંદર આવ્યું છે. તેજીની નવી ઑર્બિટમાં પ્રવેશી ચૂકેલો બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૧૮૬૬૮ ડૉલરની નવી સર્વોચ્ચ સપાટી બતાવી ૧.૮ ટકા કે ૨૧૧૮ ડૉલરના ઉછાળે રનિંગમાં ૧૧૮૧૩૬ ડૉલર દેખાયો છે. ભારતીય ચલણમાં બિટકૉઇન એક કરોડ રૂપિયાની પાર થઈ ચૂક્યો છે. અત્યારે બિટકૉઇન ૧.૦૨ કરોડ નજીકના બેસ્ટ લેવલે જઈ સવાબે ટકા કે સવાબે લાખ રૂપિયા વધીને ૧.૦૧ કરોડ રૂપિયા પર ક્વોટ થઈ રહ્યો હતો. ભાવ વર્ષ પૂર્વે ૪૭.૫૫ લાખ રૂપિયા, પાંચ વર્ષ પહેલાં ૬.૯૪ લાખ રૂપિયા અને ૨૦૧૬ની ૧ જુલાઈએ ૪૫૯૦૦ રૂપિયા હતો. કોવિડ વખતે ૨૦૨૦ની ૨૦ માર્ચે બિટકૉઇન ગગડીને ૩.૯૧ લાખ રૂપિયા બોલાયો હતો. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ ૧.૮ ટકા વધી ૩.૭૪ લાખ કરોડ ડૉલર વટાવી ગયું છે.


ઘરઆંગણે બજાર વધુ મૂડલેસ બન્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૭૦ પૉઇન્ટ જેવી નરમાઈમાં ૮૨૮૨૧ ખૂલી છેવટે ૬૯૦ પૉઇન્ટ બગડી ૮૨૫૦૦ તથા નિફ્ટી ૨૦૫ પૉઇન્ટ ખરડાઈ ૨૫૧૫૦ નજીક બંધ થયો છે. FMCG, નિફ્ટી ફાર્માના અડધા ટકા જેવા સુધારાને બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. આરંભથી અંત સુધી માઇનસ રહેલા બજારમાં શૅરઆંક ઉપરમાં ૮૩૦૪૦ અને નીચામાં ૮૨૪૪૨ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીની પોણા ટકા પ્લસની નરમાઈ સામે ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ ૧.૯ ટકા, ઑટો બેન્ચમાર્ક પોણાબે ટકા, આઇટી ૧.૭ ટકા, રિયલ્ટી-કૅપિટલ ગુડ્સ ટેલિકૉમ, એનર્જી ઇન્ડેક્સ સવા ટકા આસપાસ, નિફ્ટી મીડિયા દોઢ ટકો, નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક દોઢ ટકાથી વધુ સાફ થયા હતા. બૅન્ક નિફ્ટી ૨૦૧ પૉઇન્ટ જેવો સાધારણ ઢીલો થયો છે, પરંતુ બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી માત્ર ૯ શૅર પ્લસ હતા. જેમાંથી એકમાત્ર RBL બૅન્ક નોંધપાત્ર ૩.૪ ટકા મજબૂત હતી. બાકીના ૮ શૅર નહીંવતથી પોણા ટકાની અંદર સુધર્યા હતા. સામે ૧૬ શૅર એક ટકાથી માંડી સાડાત્રણ ટકા સુધી બગડ્યા છે. વધુ ખરાબ બનેલી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૩૦ શૅરની સામે ૧૮૯૧ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ૩.૫૭ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૫૬.૬૨ લાખ કરોડ નજીક ગયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સક્સ ૧.૧ ટકા કે ૯૩૨ પૉઇન્ટ અને નિફ્ટી સવા ટકા કે ૩૧૧ પૉઇન્ટ ડાઉન થયો છે.



કૉર્પોરેટ પરિણામની મોસમ શરૂ થઈ ગઈ છે. આગામી સપ્તાહે HCL ટેક્નૉલૉજીઝ, તાતા ટેક્નૉલૉજીઝ, લાર્સન ટેક્નૉલૉજીઝ, વિપ્રો, ઍક્સિસ બૅન્ક, HDFC લાઇફ, એન્જલ વન, જસ્ટ ડાયલ, નેટવર્ક૧૮, તેજસનેટ, સીએટ, HDFC ઍસેટ મૅનેજમેન્ટ, લાટિમ, તાતા કમ્યુનિકેશન, બંધન બૅન્ક, માસ્ટેક, MRPL, JSW સ્ટીલ, જિયો ફાઇનૅન્સ, ટેક મહિન્દ્ર, આઇટીસી હોટેલ્સ, ICICI લૉમ્બાર્ડ, ICICI પ્રુડેન્શિયલ, નેલ્કો, રાલીઝ ઇન્ડિયા સહિત અનેક જાણીતી કંપનીઓનાં પરિણામ આવવાનાં બાકી છે. HDFC બૅન્ક, ICICI બૅન્ક, એયુ બૅન્ક, જેકે સિમેન્ટ્સ આવતા શનિવારે ૧૯મીએ પરિણામ આપશે.


ખરાબ બજારમાં BSE લિમિટેડનો શૅર નીચામાં ૨૩૬૫ થઈ પોણાચાર ટકા કે ૯૫ રૂપિયા લથડીને ૨૩૭૧ બંધ થયો છે. MCX પણ સવાત્રણ ટકા કે ૨૭૪ રૂપિયાની ખરાબીમાં ૮૦૫૪ નીચે ગઈ  છે. પીસી જ્વેલર્સ સાડાસાત ટકા તૂટી ૧૭.૩૫ના બંધમાં એ-ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની છે. મેટ્રોપોલિસ વધુ સાડાચાર ટકા ધોવાઈને ૧૮૮૩ હતી. જિન્દલ વર્લ્ડવાઇડ મંદીની ચાલ આગળ ધપાવતાં આઠ ટકાના કડાકામાં ૪૩ નીચે નવા વર્સ્ટ લેવલે બંધ રહી છે. ઍલેન્ટાસ બૅક પાંચ ગણા કામકાજે ૧૧.૪ ટકા કે ૧૪૧૦ રૂપિયાના ઉછાળે ૧૩૭૯૧ વટાવી ગઈ છે. રૅલિગેર એન્ટરપ્રાઇઝિસ સુધારાની હૅટટ્રિકમાં છ ગણા કામકાજે સવાઆઠ ટકાની આગેકૂચમાં ૨૭૦ થઈ છે.

ડિમાન્ડ ગ્રોથના વસવસામાં TCS ૧૧૭ રૂપિયા ગગડી ટૉપ લૂઝર


FMCG જાયન્ટ હિન્દુસ્તાન લીવરે કંપનીનાં નવાં મૅનેજર, ડિરેક્ટર તથા CEO તરીકે પ્રિયાનાયરની વરણી કરી છે. કંપનીના ઇતિહાસમાં પ્રથમ મહિલા સુકાનીને વધામણાંના મૂડમાં શૅર છ ગણા કામકાજે ઉપરમાં ૨૫૩૦ બતાવી ૪.૬ ટકા કે ૧૧૧ રૂપિયાની તેજીમાં ૨૫૨૦ બંધ રહી બન્ને બજારમાં ઝળક્યો છે. એને લીધે સેન્સેક્સને ૮૪ પૉઇન્ટ અને રોકાણકારોને ૨૬૦૯૨ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. FMCG ઇન્ડેક્સ ૮૧ શૅરમાંથી બાવન શૅર ઘટવા છતાં અડધો ટકો વધીને બંધ થયો એ કેવળ હિન્દુસ્તાન લીવરની તેજીને આભારી છે.

TCSનો નફો એકંદર ધારણા કરતાં સારો આવ્યો છે, રેવન્યુ નીચી રહી છે. મતલબ કે ડિમાન્ડ ગ્રોથનો પ્રૉબ્લેમ છે. આના વસવસામાં ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૩૨૬૧ બતાવી ૩.૫ ટકા કે ૧૧૭ રૂપિયા ખરડાઈ ૩૨૬૫ બંધ રહીને બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. માર્કેટને ૧૦૧ પૉઇન્ટની તથા ઇન્વેસ્ટર્સને ૪૨૨૯૫ કરોડ રૂપિયાની હાનિ થઈ છે. TCS પાછળ રિઝલ્ટની ફિકરમાં ઇન્ફોસિસ ૧.૪ ટકા ઘટી ૧૫૯૫ હતો. HCL ટેક્નૉ દોઢ ટકો ઘટ્યો છે. આ ત્રણ શૅર સેન્સેક્સને કુલ ૧૯૧ પૉઇન્ટ નડ્યા છે. HDFC બૅન્ક ૧.૧ ટકા ખરડાઈને ૧૯૮૩ બંધ થતાં બજારને ૧૪૮ પૉઇન્ટનો તથા રિલાયન્સ દોઢ ટકા બગડીને ૧૪૯૫ બંધ થયા અને ૧૨૯ પૉઇન્ટનો માર પડ્યો હતો. વિપ્રો ૨.૭ ટકા ગગડી ૨૫૮ રહી છે. આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૪૪ શૅરની નબળાઈમાં ૧.૭ ટકા ડૂલ થયો છે. નેટવેબ ૭.૫ ટકા તથા ડેટામેટિક્સ ૭.૯ ટકાની મજબૂતીમાં સામા પ્રવાહે હતી.

ઇન્ડેક્સ-બેઝ્‍ડ જાતોમાં મહિન્દ્ર ૨.૮ ટકા, ભારતી ઍરટેલ ૨.૨ ટકા, ટાઇટન ૧.૭ ટકા, તાતા મોટર્સ બે ટકા, બજાજ ફાઇનૅન્સ દોઢ ટકો, બજાજ ઑટો ૨.૬ ટકા કે ૨૧૮ રૂપિયા, અપોલો હૉસ્પિટલ્સ ૨.૩ ટકા, હીરો મોટોકૉર્પ ૨.૪ ટકા, જિયો ફાઇનૅન્સ ૧.૮ ટકા, HDFC લાઇફ દોઢ ટકો, બજાજ ફિનસર્વ ૧.૧ ટકા અને ટ્રેન્ટ ૧.૪ ટકા કપાઈ છે. SBI લાઇફ ૧.૪ ટકા, ઍક્સિસ બૅન્ક પોણો ટકો, સનફાર્મા અડધો ટકો, ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૭ ટકા પ્લસ હતી.

મુંબઈની મેટા ઇન્ફોટેકમાં ૪૬.૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો

અંધેરી-ઈસ્ટની SME કંપની મેટા ઇન્ફોટેક ૧૦ના શૅરદીઠ ૧૬૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૫૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે મજેદાર લિસ્ટિંગમાં ૨૨૫ ખૂલી ઉપલી સર્કિટમાં ૨૩૬ વટાવી ત્યાં જ બંધ થતાં ૪૬.૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. સોમવારે મેઇન બોર્ડમાં ટ્રાવેલ ફૂડ સર્વિસિસ તથા SME કંપની સ્માર્ટન પાવર અને કેમકાર્ટ ઇન્ડિયાનું લિસ્ટિંગ થવાનું છે. હાલ ગ્રેમાર્કેટમાં ટ્રાવેલ ફૂડમાં ૧૫ રૂપિયા તથા સ્માર્ટન પાવરમાં ૩ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.

એસ્ટન ફાર્માનો ૧૦ના શૅરદીઠ ૧૨૩ની અપરબૅન્ડ સાથે ૨૭૫૬ લાખનો SME ઇશ્યુ ગઈ કાલે કુલ ૧૮૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૩૦નું ચાલે છે. મેઇન બોર્ડની સ્માર્ટવર્ક્સ કોવર્કિંગનો ૧૦ના શૅરદીઠ ૪૦૭ની અપરબૅન્ડવાળો ૫૮૨ કરોડ પ્લસનો ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ સવા ગણો ભરાયો છે. ભરણું સોમવારે બંધ થશે. પ્રીમિયમ ઘટીને ૨૫ થયું છે. સોમવારે મેઇન બોર્ડમાં કર્ણાટકની એન્થમ બાયોન્સિસ બેના શૅરદીઠ ૫૭૦ની અપરબૅન્ડમાં કુલ ૩૩૯૫ કરોડનો IPO કરવાની છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે. કંપની આવકના નફામાં સતત સારા વૃદ્ધિદરનો ટ્રૅક રેકૉર્ડ ધરાવે છે. ગયા વર્ષે ૧૯૩૦ કરોડની આવક પર ૪૫૧ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ૨૨૯૮ કરોડની રિઝર્વ સામે દેવું ૧૦૯ કરોડનું છે. કંપની કૉન્ટ્રૅક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ તથા મૅન્યુફૅક્ચરિંગ બિઝનેસમાં પ્રવૃત્ત છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૭૧ નજીકનો આક્રમક પીઈ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૬૬થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૧૦૭ થયા બાદ હાલમાં ૮૫ બોલાય છે. જાણકારો કહે છે કે પ્રીમિયમ ઘટશે. SME સેગમેન્ટમાં સોમવારે ગુજરાતના વાંકાનેર ખાતેની સ્પનવેબ વૉનવુવન લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવે કુલ ૬૦૯૮ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. ગયા વર્ષે નોંધપાત્ર ઉછાળા સામે કંપનીએ ૨૨૭ કરોડની આવક પર ૧૦૭૯ લાખ નેટ પ્રૉફિટ બતાવી દીધો છે એ વધુ પડતો લાગે છે. દેવું ૯૧૧૬ લાખ જેટલું ઊંચું છે. પ્રમોટર્સ કાગધરા ફૅમિલી પૉલિટિક્સ કનેક્શનવાળું કહેવાય છે. ઇન્યુમાં ફૅન્સી જમાવવા ગ્રેમાર્કેટમાં ૬ રૂપિયાથી શરૂ થયેલું પ્રીમિયમ ખેંચીને હાલમાં ૧૬ રૂપિયે લઈ જવાયું છે.

ગ્લેનમાર્ક જંગી વૉલ્યુમે ૨૭૬ રૂપિયા ઊછળી ઑલટાઇમ હાઈ

ગ્લેનમાર્ક દ્વારા એની સબસિડિયરી મારફત એબવી સાથે કૅન્સરના ઇલાજ માટેની ડ્રગના સંદર્ભમાં લાઇસન્સિંગ ડીલ કરવામાં આવ્યું છે. એને પગલે ગ્લેનમાર્કને ૭૦ કરોડ ડૉલર અપફ્રન્ટ પેમેન્ટ તરીકે મળશે, જે વધીને પછીથી ૧૨૨૫ કરોડ ડૉલર થઈ શકે છે. આ ઉપરાંત નેટ સેલ પર ડબલ ડિજિટમાં રૉયલ્ટી મળશે એ અલગ. આ અહેવાલ પાછળ ગ્લેનમાર્ક ૩૦ ગણા વૉલ્યુમે ૨૨૮૬ની ઑલટાઇમ હાઈ બતાવી ૧૪.૫ ટકા કે ૨૭૬ રૂપિયાની તેજીમાં ૨૧૮૧ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. ઝી એન્ટરટેઇનમેન્ટમાં પ્રમોટર્સ ગ્રુપની તરફેણમાં ફુલ્લી કન્વર્ટિબલ વૉરન્ય્સ પ્રેફરન્સ ધોરણે ઇશ્યુ કરી ૨૨૩૭ કરોડ ઊભા કરવાનો ઠરાવ શૅરધારકોએ ફગાવી દેતાં શૅર ૩ ગણા વૉલ્યુમે નીચામાં ૧૩૩ થઈ સવાત્રણ ટકા ગગડી ૧૩૭ બંધ થયો છે. આ ઠરાવ મંજૂર થયો હોત તો કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ હાલ માંડ ચાર ટકા છે એ વધીને ૧૮.૪ ટકા થઈ શક્યું હોત, જે હવે શક્ય નહીં બને.

બે મહિના પહેલાં મહિન્દ્ર તરફથી SML ઇસુઝુ લિમિટેડમાં શૅરદીઠ ૬૫૦ના ભાવે આશરે ૫૫૪ કરોડમાં ૫૯ ટકા જેવો હિસ્સો હસ્તગત કરી ટેકઓવર રૂલ્સ પ્રમાણે ૨૬ ટકા પબ્લિક હોલ્ડિંગ ખરીદવા શૅરદીઠ ૧૫૫૪ના ભાવે ઓપન ઑફર જાહેર કરવામાં આવી હતી. શૅર ત્યાર પછી સતત વધતો રહી ૯ જુલાઈએ ૩૨૫૦ના બેસ્ટ લેવલે ગયો હતો. ભાવ ગઈ કાલે અઢી ટકા ઘટીને ૩૦૦૯ રહ્યો છે. આ ભાવ જોતાં મહિન્દ્રની ઓપન ઑફર સાવ બેકાર જશે એ વાત નક્કી છે. આખા કિસ્સામાં સવાલ એ છે કે SML ઇસુઝુના પ્રમોટરોએ શૅરદીઠ ૬૫૦ના ભાવે મહિન્દ્રને ૫૯ માલ વેચ્યો કેવી રીતે? ટૂરિઝમ ફાઇનૅન્સ કૉર્પોરેશનને ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન નક્કી કર્યું છે. શૅર ૨૯૩ના શિખરે જઈ નહીંવત્ ઘટાડામાં ૨૮૫ હતો. ઇરડાનો ત્રિમાસિક નફો ૩૬ ટકા ગગડી ૨૪૭ કરોડ થયો છે. શૅર ૭ ગણા વૉલ્યુમે નીચામાં ૧૫૯ થઈ ૫.૭ ટકા લથડી ૧૬૦ બંધ હતો. તાતા ઍલેક્સીએ ૨૨ ટકાના ઘટાડામાં ૧૪૪ કરોડના નફા સાથે નબળાં પરિણામ આપતાં ભાવ નીચામાં ૫૬૭૯ થઈને સવા ટકો ઘટી ૬૦૬૭ બંધ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2025 08:41 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK