સોનુ સૂદે દેશવાસીઓને આવી અપીલ કરીને જણાવ્યું છે કે તેનું ફાઉન્ડેશન નિઃશુલ્ક સારવાર કરાવવામાં મદદ કરશે
સોનુ સૂદ
સોનુ સૂદ રિયલ લાઇફમાં મોટા પાયે સમાજસેવા સાથે સંકળાયેલો છે. હવે સોનુએ એક ખાસ હેતુ સાથે ચૅરિટી ફાઉન્ડેશનની શરૂઆત કરી છે. હાલમાં સોનુએ પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને ‘સોનુ સૂદ ચૅરિટી ફાઉન્ડેશન’ શરૂ કરવાનો હેતુ સમજાવ્યો. સોનુએ જણાવ્યું કે આ ફાઉન્ડેશનની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતની મહિલાઓને બ્રેસ્ટ-કૅન્સરથી મુક્ત કરાવવાનો છે. તેણે કહ્યું કે ‘ઘણી મહિલાઓ આર્થિક તંગી કે સામાજિક કારણોસર હૉસ્પિટલ જઈ શકતી નથી અથવા પોતાની તકલીફો કોઈને કહી શકતી નથી. અમારી આ પહેલ હેઠળ દેશના કોઈ પણ ખૂણે રહેતી બ્રેસ્ટ-કૅન્સરથી પીડિત મહિલાઓની સર્જરી સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવશે.’
સોનુ સૂદે જણાવ્યું કે તેમની ટીમ અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ સર્જરી સફળતાપૂર્વક કરાવી ચૂકી છે. એના કારણે એટલી જ જિંદગીઓ બચી છે અને ૫૦૦થી વધુ પરિવારોએ નવું જીવન મેળવ્યું છે. પોતાની ટીમનો આભાર માનતાં સોનુએ કહ્યું કે હું દિલથી મારી ટીમ અને એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે પીડિત મહિલાઓ વિશે માહિતી આપી અને તેમને ફાઉન્ડેશન સુધી પહોંચવામાં મદદ કરી.
ADVERTISEMENT
આ વિડિયોના અંતમાં સોનુએ જણાવ્યું હતું કે ‘તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે જો કોઈ બ્રેસ્ટ-કૅન્સરથી પીડિત મહિલા મળી આવે તો તેને અમારી પાસે લાવો. અમે તેની સારવાર સંપૂર્ણપણે મફતમાં કરાવીશું, તેને નવું જીવન આપીશું અને સાથે મળીને દેશ તથા મહિલાઓને બ્રેસ્ટ-કૅન્સરથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરીશું. આવો, મળીને એક નવો અધ્યાય લખીએ. જય હિન્દ.’


