દિલજિત દોસાંઝની ‘સતલુજ’ને OTT પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ કરવામાં આવ્યા પછી હટાવી લેવામાં આવી હતી
દિલજિત દોસાંઝની ‘સતલુજ’
દિલજિત દોસાંઝની ‘સતલુજ’ને OTT પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ કરવામાં આવ્યા પછી હટાવી લેવામાં આવી હતી. ભારતીય માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત આ બાયોપિકને OTT પ્લૅટફૉર્મ પરથી હટાવાયા બાદ ઘણા લોકોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. વધતા વિરોધ વચ્ચે માહિતી અને પ્રસારણ મંત્રાલયે દિલજિત દોસાંઝની ફિલ્મ ‘સતલુજ’ની તપાસ માટે ઉચ્ચસ્તરીય ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટી (IDC)ની રચના કરી છે.
રિપોર્ટ પ્રમાણે સરકારે IT ઍક્ટની કલમ 69A અને IT નિયમો, 2021ના ભાગ-3 હેઠળ આ આદેશ જારી કર્યો છે. IT કાયદાની કલમ 69A કેન્દ્ર સરકારને જાહેર વ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા જેવા આધારો પર ઑનલાઇન સામગ્રીને બ્લૉક કરવા અથવા દૂર કરવા માટે નિર્દેશો જારી કરવાની સત્તા આપે છે. IT નિયમો, 2021નો ભાગ-3, OTT પ્લૅટફૉર્મ અને ડિજિટલ સમાચાર પ્રકાશકોને આ દાયરામાં લાવે છે. આ નિયમો હેઠળ માહિતી અને પ્રસારણ મંત્રાલય આવા પ્લૅટફૉર્મને જરૂરી નિર્દેશો જારી કરી શકે છે. હવે IDC ‘સતલુજ’ના કન્ટેન્ટની તપાસ કરશે અને IT નિયમોના નિયમ 14 હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે.
