આવા આરોપ મૂકીને ગોવિંદા પાસેથી ડિવૉર્સ માગ્યા પત્ની સુનીતા આહુજાએ
ગોવિંદા અને સુનિતાના ૩૮ વર્ષના લગ્નજીવનનો અંત આવશે?
લાંબા સમયથી બૉલીવુડના ઍક્ટર ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમુક વાર એને માત્ર અફવા ગણાવીને સુનીતા અને ગોવિંદાએ સબ સલામતના દાવા પણ કર્યા હતા. જોકે તાજેતરમાં જ બાંદરાની ફૅમિલી કોર્ટમાં સુનીતાએ છૂટાછેડાનો કેસ ફાઇલ કરીને આ અફવાઓ હકીકત હોવાનું સાબિત કર્યું છે.
અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનીતાએ ગોવિંદા પર લગ્નેતર સંબંધો, ક્રૂરતા અને છેતરપિંડીના આરોપો લગાવીને ૩૮ વર્ષના લગ્નજીવનનો અંત આણવાની માગણી કરી છે. અરજીના અનુસંધાનમાં અદાલતે ૨૫ મેએ ગોવિંદાને કોર્ટમાં હાજર રહેવાના સમન્સ મોકલ્યા હતા, પરંતુ ગોવિંદાએ હાજરી આપી નહોતી. ત્યાર બાદ તેને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. બીજી બાજુ સુનીતા જૂન મહિનાથી તમામ સુનાવણીઓમાં હાજર રહી હતી.
ADVERTISEMENT
અનેક વાર સુનીતા ગોવિંદાથી જુદી રહેતી હોવાનું અને ૧૨ વર્ષથી પોતાનો બર્થ-ડે પણ એકલી મનાવતી હોવાનું કહ્યું છે. થોડા સમય અગાઉ સુનીતાએ પોતાની યુટ્યુબ ચૅનલ શરૂ કરી છે જેમાં તેણે પતિ-પત્નીના સંબંધો તોડાવનારને મા મહાકાળી માફ નહીં કરે એવું કહ્યું હતું.
આ દંપતીના જુદા થવા પાછળ ૩૦ વર્ષની મરાઠી ઍક્ટ્રેસ સાથે ગોવિંદાની નજદીકી વધવાનું કારણ પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે હજી પણ ગોવિંદા અને સુનીતાની નજીકની વ્યક્તિઓ આ દંપતી વચ્ચે સંબંધો મજબૂત હોવાની વાતો જ કરી રહી છે.

