મહિસાગર જિલ્લાની સરકારી સ્કૂલની ઘટના : ઘાયલ સ્ટુડન્ટ હૉસ્પિટલમાં દાખલ
આઠમા ધોરણના વિદ્યાર્થીએ છરીથી પોતાના જ ક્લાસમેટના પીઠ, પેટ અને ખભા પર ઘા માર્યા હતા
ગુજરાતના મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક સરકારી સ્કૂલની બહાર ચોંકાવનારી ઘટના બની હતી. એક વિદ્યાર્થીએ તેની સાથે ભણતા બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કરી દીધો હતો. બન્ને વિદ્યાર્થીઓ આઠમા ધોરણમાં ભણતા હોવાની જાણકારી મળી હતી. અમદાવાદમાં એક પ્રાઇવેટ સ્કૂલમાં આવા જ હુમલામાં દસમા ધોરણના સ્ટુડન્ટનું મૃત્યુ થયાના થોડા દિવસ બાદ આવી બીજી ઘટના બની છે.
બાલાસિનોરમાં સરકારી પ્રાથમિક સ્કૂલના ગેટ પાસે ગુરુવારે આ ઘટના બની હતી. ઘાયલ સ્ટુડન્ટના પિતાએ જણાવ્યું હતું કે ‘નજીવી બાબતમાં મારા દીકરા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારા પુત્રના ક્લાસમેટે કોઈ નાની વાત પર ગુસ્સે થઈને તેના પર નાની છરીથી હુમલો કર્યો હતો. મારા પુત્રને પીઠ, પેટ અને ખભા પાસે છરીના ઘા થયા હતા.’
ADVERTISEMENT
આ સંદર્ભમાં પોલીસે જણાવ્યું હતું કે ‘ઘાયલ સ્ટુડન્ટના પિતાએ કરેલી ફરિયાદના આધારે અમે આરોપી કિશોર વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. ઘાયલ સ્ટુડન્ટ હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર છે. બાલાસિનોર પોલીસે ગઈ કાલે આરોપી કિશોર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.’
વડોદરાના પાદરામાં પણ વિદ્યાર્થી પર હુમલો
વડોદરાના પાદરામાં વિદ્યાર્થી પર હુમલો થયો હોવાની ઘટના બહાર આવી છે. પાદરાની સ્કૂલમાં સાતમા ધોરણના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. બેન્ચ પરથી બેસવા-ઊભા થવાની બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો કે હુમલો કરનાર વિદ્યાર્થી પાસે ચાકુ હતું.

