સનીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે આ બીમારી હોવાને કારણે તેને વાંચવા અને લખવામાં ઘણી સમસ્યા થતી હતી
ડિસ્લેક્સિયા હોવાને કારણે લોકો મને મૂર્ખ માનતા હતા
પોતાની તાજેતરની ફિલ્મોની સફળતાને કારણે ૬૮ વર્ષની વયે સની દેઓલ બૉક્સ-ઑફિસ પર છવાયેલો છે. જોકે હાલમાં સનીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેને અત્યારે ભલે સફળતા મળી હોય, પણ પહેલાં તેને ડિસ્લેક્સિયા નામની બીમારી હોવાને કારણે વાંચવા અને લખવામાં ઘણી સમસ્યા થતી હતી જેને કારણે લોકો તેને મૂર્ખ માનતા હતા.
સનીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની આ બીમારીનો ખુલાસો કરીને કહ્યું છે, ‘હું નાનપણથી ડિસ્લેક્સિયા નામના લર્નિંગ ડિસઑર્ડરથી પીડાતો હતો. આ સમસ્યાને કારણે મને ફિલ્મના સેટ પર પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. મને ઘણાં વર્ષો સુધી આ સમસ્યા રહી. મને સ્કૂલના દિવસોથી જ સમસ્યા થઈ હતી જેની અસર મારી અભિનય-પ્રક્રિયા પર પણ પડતી હતી. એના ડાયલૉગ બોલવામાં અને એની યોગ્ય ડિલિવરીમાં મને મુશ્કેલી આવતી હતી. ડિસ્લેક્સિયાને કારણે હું ફિલ્મની સ્ક્રિપ્ટ સરળતાથી વાંચી શકતો નહોતો તેમ જ લખવામાં પણ અનેક પ્રકારની અડચણો આવતી હતી.’
ADVERTISEMENT
ડિસ્લેક્સિયાની તેની ઇમેજ પર પડેલી અસર વિશે વાત કરતાં સનીએ કહ્યું છે, ‘આ બીમારીને કારણે શૂટિંગ દરમ્યાન હું ઘણી વખત હિન્દીમાં ડાયલૉગ માગતો અને શબ્દોને વારંવાર વાંચતો. જોકે કેટલાક લોકો મારી સમસ્યાને સમજતા નહોતા. જ્યારે હું મારી પોતાની મુશ્કેલી સમજાવતો ત્યારે પણ કેટલાક લોકો મને ગંભીરતાથી લેતા નહોતા અને મને મૂર્ખ ગણતા હતા.’
