તાપસી પન્નુએ ઍક્ટ્રેસ સાથે લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડા વિશે સ્પષ્ટતા કરી
તાપસી પન્નુ
તાપસી પન્નુ અને કંગના રનૌત બન્ને બૉલીવુડમાં આઉટસાઇડર છે પણ બન્ને પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે. જોકે તાપસી અને કંગના વચ્ચે સમસ્યા હોવાની લાંબા સમયથી ચર્ચા છે. હવે તાપસીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે તેના તરફથી કોઈ ઝઘડો કે મનદુ:ખ નથી.
હાલમાં એક પૉડકાસ્ટમાં તાપસીએ કહ્યું હતું કે તેણે ક્યારેય કોઈ લડાઈ શરૂ કરી નથી. પોતાની વાત કરતાં તાપસીએ કહ્યું, ‘લડાઈ ત્યારે થાય જ્યારે બે લોકો સામસામે આવે, પરંતુ મારા અને કંગના વચ્ચે ક્યારેય આવી સ્થિતિ નથી સર્જાઈ. મેં ક્યારેય કંગના વિશે કંઇ ખોટું કહ્યું હોય તો મને બતાવો, કારણ કે મારા તરફથી તો ક્યારેય કોઈ વિવાદ થયો જ નથી.’
ADVERTISEMENT
થોડા સમય પહેલાં કંગનાની બહેન રંગોલીએ તાપસીને ‘કંગનાની સસ્તી નકલ’ તેમ જ ‘બી-ગ્રેડ ઍક્ટ્રેસ’ જેવા શબ્દો કહ્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો. આ ટિપ્પણી અંગે વાત કરતાં તાપસીએ કહ્યું, ‘મને કંગનાની ‘સસ્તી નકલ’ તરીકે ઓળખાવા સામે કોઈ વાંધો નથી. કંગના પ્રતિભાશાળી ઍક્ટ્રેસ છે એટલે તેની સાથે સરખામણી થવી મારા માટે અપમાનજનક નથી. જોકે મેં ક્યારેય કંગના માટે કંઈ નકારાત્મક કહ્યું નથી.’
આ પૉડકાસ્ટમાં જ્યારે તાપસીને સવાલ કરવામાં આવ્યો કે શું તે કંગના સાથે કામ કરી શકશે ત્યારે તાપસીએ સકારાત્મક જવાબ આપ્યો હતો. તાપસીએ કંગનાને સિનિયર ગણાવીને કહ્યું, ‘આવું ચોક્કસ થઈ શકે છે પણ કદાચ કોઈ નથી ઇચ્છતું કે બે સારી અભિનેત્રીઓ સાથે આવે. હું કંગના સાથે કામ કરવા કે મિત્રતા કરવા માટે સંપૂર્ણ તૈયાર છું. જોકે કંગના તરફથી શું પ્રતિસાદ મળશે એની ખાતરી હું નથી આપી શકતી, પણ હું મારા તરફથી ખુલ્લા મનથી તૈયાર છું.’
