ગોકુલ ડેરીએ શનિવાર ૨૧ ફેબ્રુઆરીથી ભેંસના દૂધ (ફુલ ક્રીમ)ના ભાવમાં લીટરદીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ગોકુલ ડેરીએ શનિવાર ૨૧ ફેબ્રુઆરીથી ભેંસના દૂધ (ફુલ ક્રીમ)ના ભાવમાં લીટરદીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે. જોકે ગાયના દૂધ અને અન્ય દૂધમાં હાલમાં કોઈ વધારો નથી કર્યો, પણ આગળ જતાં કદાચ એમાં વધારો થઈ શકે.
ગોકુલ ડેરીના મૅનેજિંગ ડિરેક્ટર યોગેશ ગોડબોલેએ કહ્યું હતું કે ‘આ ભાવવધારો કરવો એટલા માટે જરૂરી હતો કે રાજ્યમાં લીલા ચારાની અછત છે. છેલ્લા એક મહિનામાં લીલો ચારો મળવામાં ૧૦ ટકા ઘટાડો થયો છે. વળી અમે દૂધ આપનાર પશુપાલકોને અને ખેડૂતોને ભેંસના દૂધ પર લીટરદીઠ ૩ રૂપિયા અને ગાયના દૂધ પર લીટરદીઠ બે રૂપિયા વધારી આપ્યા છે છતાં હાલમાં ગાયના દૂધમાં કોઈ વધારો કર્યો નથી. અમે છેલ્લા પાંચ મહિનાથી લૉસ કરી રહ્યા છીએ. જોકે એની પણ એક લિમિટ હોય છે, હવે વધુ લૉસ પરવડી શકે એમ નથી. અમે આ મહિને ભાવવધારો કરવા નહોતા માગતા, પણ ચારો ન મળતાં એના ભાવ વધી જવાથી અમારે આ ભાવવધારો કરવો પડ્યો છે. ક્લાઇમેટ-ચેન્જને કારણે ગયા વર્ષે મે મહિનામાં વરસાદ શરૂ થઈ ગયો હતો એને કારણે ચારાની સીઝનનો પાક ધોવાઈ ગયો હતો.’
