ઓ રોમિયોના ટીઝરને જોઈને ફૅન્સને લાગ્યો આશ્ચર્યનો આંચકો
શાહિદ કપૂર
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીને લીડ રોલમાં ચમકાવતી ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની ‘ઓ રોમિયો’નું ટીઝર ગઈ કાલે રિલીઝ થયું હતું. આ ટીઝરમાં શાહિદના ખૂંખાર લુકે તેના ફૅન્સને ચોંકાવી દીધા છે. આ ફિલ્મમાં શાહિદ હાથમાં ગજરા, કાનમાં વાળી અને આખા શરીર પર ટૅટૂવાળા અજબ લુકમાં જોવા મળ્યો હતો. ફિલ્મના ટીઝરમાં શાહિદ ઉપરાંત નાના પાટેકર, દિશા પાટની, વિક્રાન્ત મેસી, તમન્ના ભાટિયા, ફરીદા જલાલ અને અવિનાશ તિવારી જેવાં કલાકારોની ઝલક પણ જોવા મળે છે. આ બધા સ્ટાર્સમાં પ્રેમાળ માતાની ઇમેજ ધરાવતી ફરીદા જલાલના ગાળ બોલતા બિન્દાસ પાત્રને જોઈને બધાને આશ્ચર્યનો આંચકો લાગ્યો છે.
ટીઝરમાં આવેલી માહિતી પ્રમાણે ‘ઓ રોમિયો’ સત્ય ઘટનાઓ પર આધારિત એક રોમાંચક પ્રેમકથા છે અને એ ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.


