ટ્વિન્કલ ખન્નાએ પોતાનાં સંતાનોના સ્વભાવ અને લાક્ષણિકતા વિશે વાત કરી
ટ્વિન્કલ ખન્ના અને અક્ષય કુમારની દીકરી નિતારા ૧૩ વર્ષની અને દીકરો આરવ ૨૩ વર્ષનો છે
ટ્વિન્કલ ખન્ના અને અક્ષય કુમારનો દીકરો આરવ ૨૩ વર્ષનો અને દીકરી નિતારા ૧૩ વર્ષની છે. ટ્વિન્કલ અને અક્ષયનાં સંતાનો ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. હવે ટ્વિન્કલે એક ઇન્ટરવ્યુમાં પોતાનાં બન્ને સંતાનોના સ્વભાવ અને લાક્ષણિકતા વિશે વાત કરી છે. ટ્વિન્કલે દીકરા આરવને સૉફ્ટ-હાર્ટેડ ગણાવીને કહ્યું હતું કે ‘આરવ બાળપણથી જ ખૂબ દયાળુ અને સૉફ્ટ-હાર્ટેડ છે. આને કારણે મારે તેને અન્ય લોકો સાથેના સંબંધમાં પણ પોતાની એક મર્યાદા નક્કી કરવાનું કહેવું પડે છે, કારણ કે તે એટલો ઉદાર છે કે ક્યારેક લોકો એનો ગેરલાભ ઉઠાવી લે છે. મારે આરવને સમજાવવું પડે છે કે આવા સ્વભાવને કારણે ક્યારેક મુશ્કેલી આવી શકે છે.’
વાતચીત દરમ્યાન દીકરી નિતારા વિશે વાત કરતાં ટ્વિન્કલ કહે છે, ‘નિતારા હાલ ૧૩ વર્ષની છે અને મને લાગે છે કે તે થોડી વધારે પઝેસિવ અને અગ્રેસિવ છે. મારે તેને થોડું ઉદાર બનવા માટે કહેવું પડે છે. મારાં બન્ને બાળકો વહેવારુ નથી. મારે તેમને પ્રૅક્ટિકલ બનવાનું કહેવું પડે છે. મારે એક બાળકને થોડું ઓછું ઉદારદિલ થવાની અને બીજાને થોડું વધારે ઉદારદિલ બનવા માટે સમજાવવું પડે છે.’


