વરુણે પીળા અને સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો અને ચહેરો માસ્કથી ઢાંકેલો હતો
પ્રતીકાત્મક તસવીર
હાલમાં વરુણ ધવન લાલબાગચા રાજાના પંડાલમાં આશીર્વાદ લેવા ગયો હતો. વરુણની આ મુલાકાતની અનેક તસવીરો અને વિડિયો સામે આવ્યાં છે. આવા એક વિડિયોમાં વરુણ એક ફોટોગ્રાફર સાથે સ્કૂટી પર પાછળ બેસીને જતો જોવા મળે છે. જોકે હવે આ વિડિયોમાં હેલ્મેટ ન પહેરવા બદલ વરુણને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
લાલબાગચા રાજાના પંડાલમાં ગણેશની પૂજા-અર્ચના કર્યા બાદ જ્યારે વરુણ પંડાલમાંથી બહાર નીકળ્યો ત્યારે ચાહકોએ તેને ઘેરી લીધો હતો. આવા સંજોગોમાં એક ફોટોગ્રાફર વરુણને પોતાની બાઇક પર પંડાલથી થોડે દૂર લઈ ગયો હતો. વરુણે પીળા અને સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો અને ચહેરો માસ્કથી ઢાંકેલો હતો. સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ થયા બાદ નેટિઝન્સે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફોટોગ્રાફર અને વરુણ બન્નેની ટીકા કરી હતી. ઘણા યુઝર્સે મુંબઈ પોલીસના અધિકૃત અકાઉન્ટને ટૅગ કરીને સવાલ કર્યો કે શું આ મામલે વરુણ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે?
ADVERTISEMENT
વરુણ આ પહેલાં પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે
વરુણ ધવન ભૂતકાળામાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન માટે ચર્ચામાં આવ્યો હતો. ૨૦૨૨માં કાનપુરમાં ફિલ્મ ‘બવાલ’ના શૂટિંગ દરમ્યાન વરુણને બાઇક પર હેલ્મેટ વગર રાઇડિંગ કરવા દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે પછીથી એ દંડ રદ કરવામાં આવ્યો હતો, કારણ કે એ ફિલ્મના શૂટિંગનો ભાગ હતો અને એને માટે પરવાનગી લેવામાં આવી હતી. એ ઉપરાંત ૨૦૧૭માં મુંબઈમાં ટ્રાફિક-સિગ્નલ પર એક ચાહક સાથે સેલ્ફી લેવા બદલ મુંબઈ પોલીસે તેને ઈ-ચલાન મોકલ્યું હતું જેને માટે વરુણે માફી માગી હતી.

