હાલમાં જ રાકેશ બેદીએ આ ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી અને ખુલાસો કર્યો હતો કે ફિલ્મમેકર આદિત્ય ધરે સ્ક્રિપ્ટ તૈયાર થવાનાં લગભગ ચાર વર્ષ પહેલાં જ તેને આ પ્રોજેક્ટ માટે સાઇન કરી લીધો હતો.
રાકેશ બેદી
રાકેશ બેદી ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની ફિલ્મો પછી છવાઈ ગયો છે. હાલમાં જ રાકેશ બેદીએ આ ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી અને ખુલાસો કર્યો હતો કે ફિલ્મમેકર આદિત્ય ધરે સ્ક્રિપ્ટ તૈયાર થવાનાં લગભગ ચાર વર્ષ પહેલાં જ તેને આ પ્રોજેક્ટ માટે સાઇન કરી લીધો હતો. ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની કાસ્ટિંગ પ્રક્રિયા વિશે વાત કરતાં રાકેશ બેદીએ કહ્યું હતું કે ‘મારું માનવું છે અને આદિત્ય ધરે પણ કહ્યું છે કે ‘ધુરંધર’માં કાસ્ટ થનાર હું પ્રથમ વ્યક્તિ હતો. ૩-૪ વર્ષ પહેલાં જ્યારે તે ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બનાવી રહ્યો હતો ત્યારે તેણે મને પસંદ કર્યો હતો. એ સમયે તેની પાસે કોઈ સ્ક્રિપ્ટ નહોતી, પરંતુ એક વિચાર હતો. એ વિચારના આધારે તેણે આ ફિલ્મના એક પાત્ર માટે મારા વિશે વિચાર્યું હતું. મારા માટે આ ખૂબ મોટું સન્માન છે કે આદિત્ય ધરે મારા વિશે આવું વિચાર્યું. તેણે મને આ ભૂમિકા માટે પસંદ કર્યો, કારણ કે તેણે મારું કામ જોયું હતું. મારા દરેક પાત્રમાં મેં હંમેશાં પાત્રને જ આગળ રાખવાનો પ્રયાસ કર્યો છે.’
