આ ફિલ્મની સ્ટોરી કોલમ્બિયામાં બાવન વર્ષ સુધી ચાલેલા ખૂની ગૃહયુદ્ધ અને એના ઐતિહાસિક અંતની સાચી વાર્તા છે
વિક્રાન્ત મેસી, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર
‘પઠાન’, ‘વૉર’ અને ‘ફાઇટર’ જેવી ફિલ્મો બનાવનાર ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદે ‘ઊંચાઈ’ અને ‘નાગઝિલા’ જેવી ફિલ્મોના નિર્માતા મહાવીર જૈન સાથે મળીને એક નવી ઇન્ટરનૅશનલ થ્રિલર ફિલ્મ ‘વાઇટ’ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં ઍક્ટર વિક્રાન્ત મેસી આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનો રોલ ભજવશે.
ફિલ્મ ‘વાઇટ’ એક ગ્લોબલ થ્રિલર હશે જેની વાર્તા કોલમ્બિયામાં બાવન વર્ષ સુધી ચાલેલા ખૂની ગૃહયુદ્ધ અને એના ઐતિહાસિક અંતની સાચી વાર્તા છે. હાલમાં કોલમ્બિયામાં આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે એનું શૂટિંગ જુલાઈમાં શરૂ થશે. આ ફિલ્મ માટે અનુભવી ઇન્ટરનૅશનલ ટીમ સાથે જોડાણ કરવામાં આવ્યું છે જેથી સશક્ત સ્ટોરીને સારી રીતે ન્યાય આપી શકાય.
છેલ્લા કેટલાક સમયથી વિક્રાન્ત મેસીનો બદલાયેલો લુક ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને એવી અટકળો થઈ રહી હતી કે તે કોઈ મજબૂત પાત્રની તૈયારી કરી રહ્યો છે. હવે આ ફિલ્મની જાહેરાત થતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. આ ફિલ્મ એવો પ્રોજેક્ટ છે જે દર્શાવશે કે ભારતીય પ્રાચીન જ્ઞાન અને ધ્યાનની પરંપરાએ વિશ્વના એક લાંબા સંઘર્ષને શાંત કરી દીધો છે.

