Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માઁ બહનમાં ચમકેલી ધરના દુર્ગાની ફૅન છે પ્રિયંકા ચોપડા

માઁ બહનમાં ચમકેલી ધરના દુર્ગાની ફૅન છે પ્રિયંકા ચોપડા

Published : 02 July, 2026 01:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીની આ ગર્લ કઈ રીતે અનાયાસ કન્ટેન્ટ-ક્રીએટર બની અને હવે ઍક્ટ્રેસ બની એ જાણવા જેવું છે

ધરના દુર્ગા

ધરના દુર્ગા


નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ ‘માઁ બહન’માં સુષમાના પાત્રમાં ધરના દુર્ગાએ પોતાની આગવી ઓળખ બનાવી છે. માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી જેવાં અનુભવી કલાકારોની વચ્ચે પણ તેણે પોતાની હાજરી મજબૂત રીતે નોંધાવી છે. તેનું કૉમેડી-ટાઇમિંગ અને સ્વાભાવિક અભિનય દર્શકોને બહુ પસંદ પડ્યાં છે. દિલ્હીની એક સામાન્ય યુવતી દેશના સૌથી લોકપ્રિય ડિજિટલ સ્ટાર્સમાં સ્થાન પામી અને ત્યાર બાદ નેટફ્લિક્સની મોટી ફિલ્મ સુધી પહોંચી એ સફર એ વાતનો પુરાવો છે કે પ્રતિભા, મહેનત અને સંઘર્ષની શક્તિ કોઈ પણ સપનાને સાકાર કરી શકે છે. 

પ્રેરણાદાયી સફર
સોશ્યલ મીડિયા પર પોતાની આગવી ઓળખ બનાવનાર અને આજે નેટફ્લિક્સ સ્ટાર તરીકે ઊભરી આવેલી અભિનેત્રી તથા કન્ટેન્ટ-ક્રીએટર ધરના દુર્ગાની સફર ખરેખર પ્રેરણાદાયી છે. દિલ્હીના એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં ઊછરેલી ધરના દુર્ગાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કૉલેજકાળથી જ તેને અભિનય, ડાન્સ અને થિયેટરનો ભારે શોખ હતો અને તે કૉલેજની ડ્રામા સોસાયટી સાથે સક્રિય રીતે જોડાયેલી હતી. જોકે તેની જિંદગીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ૨૦૨૦ના કોવિડ લૉકડાઉન દરમ્યાન મિત્રોના પ્રોત્સાહનથી તેણે પોતાનો પહેલો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો. ભારતીય મધ્યમવર્ગીય પરિવારો, 



સગાં-સંબંધીઓ અને રોજિંદા જીવનની રમૂજી પરિસ્થિતિઓ પર આધારિત તેની રીલ્સ ખૂબ ઝડપથી વાઇરલ થઈ ગઈ અને થોડા જ સમયમાં તેનો સમાવેશ દેશના સૌથી લોકપ્રિય ડિજિટલ કન્ટેન્ટ-ક્રીએટર્સમાં થઈ ગયો. 


દુઃખદ સંઘર્ષ
ધરના દુર્ગાની સફળતાની પાછળ એક દુઃખદ સંઘર્ષ પણ જોડાયેલો છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન તેણે પોતાના પપ્પાને ગુમાવ્યા હતા, જેના કારણે પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું હતું. અનેક લોકોએ પરિવારના ભવિષ્ય વિશે સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ ધરના અને તેની મમ્મીએ હિંમત હાર્યા વગર પરિવારનો વ્યવસાય સંભાળ્યો અને સાથે-સાથે કન્ટેન્ટ-ક્રીએશનની સફર પણ ચાલુ રાખી. આ મુશ્કેલ સમયગાળામાં પણ લોકોને હસાવવાની તેની ક્ષમતાએ તેને વધુ મજબૂત બનાવી અને ધીમે-ધીમે તેની લોકપ્રિયતા દેશભરમાં ફેલાઈ ગઈ.

ધરનાની મહેનત અને પ્રતિભાને કારણે ૨૦૨૩માં ફૉર્બ્સ ઇન્ડિયાએ તેને ભારતના ટોચના ૧૦૦ ડિજિટલ સ્ટાર્સની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું હતું. ત્યાર બાદ પણ તે સતત લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ રહી છે. તેણે વિકી કૌશલ અને રાજકુમાર રાવ જેવા જાણીતા કલાકારો સાથે વિવિધ કન્ટેન્ટ કૉલેબરેશન કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે.


ફિલ્મી દુનિયામાં એન્ટ્રી
સોશ્યલ મીડિયા પર સફળતા મળ્યા પછી ધરનાએ અભિનય ક્ષેત્રમાં પણ પગ મૂક્યો. ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ દ્વારા તેણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, ત્યાર બાદ ‘ધ ગર્લફ્રેન્ડ’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જોકે તેની કારકિર્દીનો સૌથી મોટો પ્રોજેક્ટ નેટફ્લિક્સની ડાર્ક કૉમેડી ફિલ્મ ‘માઁ બહન’ સાબિત થયો, જેમાં તેણે માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી જેવાં મોટાં કલાકારો સાથે મુખ્ય ભૂમિકા ભજવી છે.

ઑડિશન આપીને મેળવ્યો માઁ બહનમાં કામ કરવાનો ચાન્સ
ધરના દુર્ગા એક સફળ ઇન્ફ્લુઅન્સર છે પણ તેણે અનેક વખત સ્પષ્ટ કર્યું છે કે તેને ‘માઁ બહન’ માત્ર ઇન્ફ્લુઅન્સર હોવાના કારણે નથી મળી અને તેણે ઑડિશનની પ્રક્રિયામાં સફળતા મેળવી હોવાના કારણે તેને આ ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ મળ્યો હતો. ધરનાએ કહ્યું હતું કે તેણે આ ફિલ્મ માટે સંપૂર્ણ ઑડિશન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. સૌથી પહેલાં દિલ્હીમાં તેનું ઑડિશન લેવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેને મુંબઈ બોલાવવામાં આવી હતી જ્યાં દિગ્દર્શક સુરેશ ત્રિવેણીએ તેની સાથે દૃશ્યો પર કામ કર્યું હતું. પોતાની અભિનય-ક્ષમતા સાબિત કર્યા બાદ જ ધરનાને ફિલ્મમાં સ્થાન મળ્યું હતું. 

પ્રિયંકા ચોપડાનો વિશેષ સંદેશ
પ્રિયંકા ચોપડા લાંબા સમયથી ધરનાની ફૅન છે. પ્રિયંકાએ ‘માઁ બહન’ જોયા બાદ ખુલ્લેઆમ ધરનાનાં વખાણ કર્યાં હતાં. તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે તે લાંબા સમયથી ધરનાની મોટી પ્રશંસક રહી છે અને ભવિષ્યમાં તે શું નવું લઈને આવે છે એની આતુરતાથી રાહ જોઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK