રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝન ગેમ કરતાં વધારે સ્પર્ધકોનાં વિવાદાસ્પદ નિવેદનો અને હરકતોને કારણે ચર્ચામાં છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝન ગેમ કરતાં વધારે સ્પર્ધકોનાં વિવાદાસ્પદ નિવેદનો અને હરકતોને કારણે ચર્ચામાં છે. શોમાં રામ કપૂરે લગ્નજીવનમાં ચીટિંગને સામાન્ય ગણાવ્યા બાદ હવે ઇન્ફ્લુઅન્સર વરુણ યાદવ ઉર્ફે લૈલાને લિપકિસ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ ઘટનાના વાઇરલ વિડિયોમાં રામ કપૂર પોતાનાથી પચીસ વર્ષ નાના ઇન્ફ્લુઅન્સર વરુણ યાદવને બધાની સામે કિસ કરતો જોવા મળે છે. રામ કપૂરનો આ અંદાજ જોઈને સુનીતા આહુજા પણ ચોંકી ગઈ હતી. વિડિયોમાં જોવા મળે છે કે તમામ સ્પર્ધકો ગાર્ડન એરિયામાં વાતચીત કરી રહ્યા હતા. એ દરમ્યાન રામ કપૂર પોતાની બાજુમાં બેઠેલા વરુણ યાદવને પહેલાં ભેટી પડ્યો અને પછી પહેલાં તેના ગાલ પર કિસ કરી અને પછી લિપલૉક કર્યું. જોકે વિડિયોના ઍન્ગલને કારણે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી કે રામ કપૂરે ખરેખર લિપલૉક કર્યું હતું કે પછી લિપલૉકની ઍક્ટિંગ કરી હતી. જોકે પોતાની આ હરકતને કારણે રામ કપૂરને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
બાંદરાનો લક્ઝરી ફ્લૅટ ભાડે આપીને એક વર્ષમાં કમાશે ૬૬.૧૨ લાખ રૂપિયા કરિશ્મા કપૂર
ADVERTISEMENT
કરિશ્મા કપૂરે બાંદરામાં હિલ રોડ પર આવેલો પોતાનો એક લક્ઝરી ફ્લૅટ ભાડે આપ્યો હોવાના રિપોર્ટ છે. આ ડીલ સત્તાવાર રીતે ગયા વર્ષે નવેમ્બરમાં નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે આ ડીલ હેઠળ તેને દર મહિને ૫.૫૧ લાખ રૂપિયા ભાડું મળશે, જ્યારે એક વર્ષમાં તે ૬૬.૧૨ લાખ રૂપિયાની આવક કરશે.પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનના દસ્તાવેજો મુજબ આ રહેણાક યુનિટનો કાર્પેટ એરિયા આશરે ૨૨૦૦ સ્ક્વેર ફુટ છે. આ ડીલમાં ૩ કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે.
તેલુગુ ફિલ્મ જયા જાનકી નાયકાની હિન્દી આવૃત્તિ ખૂંખાર બની વિશ્વની સૌથી વધારે વ્યુઝ ધરાવનારી ફિલ્મ
રોમૅન્ટિક-ઍક્શન તેલુગુ ફિલ્મ ‘જયા જાનકી નાયકા’ના હિન્દીમાં ડબ કરેલા વર્ઝન ‘ખૂંખાર’ને યુટ્યુબ પર ૧૦૦ કરોડ વ્યુઝ મળ્યા છે. આ ફિલ્મ આટલા બધા વ્યુઝ મેળવનાર વિશ્વની પ્રથમ ફિલ્મ બની છે અને આ રીતે એક ભારતીય ફિલ્મે નવો રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ ૯ વર્ષ પહેલાં બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી પણ હવે એણે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ ફિલ્મ પેન મૂવીઝ દ્વારા અપલોડ કરવામાં આવી હતી. મૂળ ફિલ્મ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી અને એનું હિન્દી ડબ વર્ઝન ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં એટલે કે લગભગ ૭ વર્ષ પહેલાં ઑનલાઇન અપલોડ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની હિરોઇન રકુલ પ્રીત સિંહ છે.
સમન્થા રુથ પ્રભુએ બેબી-બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીર શૅર કરી

સમન્થા રુથ પ્રભુ હાલમાં પોતાની પ્રેગ્નન્સીનો સુંદર સમય માણી રહી છે. થોડા દિવસ પહેલાં જ તેણે કન્ફર્મ કર્યું છે કે તે ૩૯ વર્ષની ઉંમરે મમ્મી બનવા જઈ રહી છે. હવે સમન્થાએ સોશ્યલ મીડિયા પર બેબી-બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીર શૅર કરી છે અને લખ્યું છે કે ‘મારા સિક્સ પૅક... જ્યારે ફરી મળવાનો મોકો મળશે ત્યારે મળીશું.’ હાલમાં સમન્થાએ કહ્યું હતું કે હવે તે થોડા સમય માટે નાનો બ્રેક લેશે. જોકે તેણે હજુ સુધી જાહેર કર્યું નથી કે તે ક્યારથી મૅટરનિટી લીવ પર જશે અથવા તેની ડિલિવરી ક્યારે થશે.
જે લોકો મારી પોસ્ટને લાઇક કરે છે તે વધુ ખુશ, બુદ્ધિશાળી અને સુંદર હોય છે
કાજોલ પોતાની શાનદાર અભિનયક્ષમતા ઉપરાંત પોતાના ચુલબુલા અંદાજ માટે પણ જાણીતી છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર પોતાની નવી તસવીરો શૅર કરી છે, પણ આ તસવીરો કરતાં વધુ ચર્ચા તેની સાથે લખાયેલી મજેદાર કૅપ્શનની થઈ રહી છે. કાજોલે સોશ્યલ મીડિયા પર કારની અંદર ક્લિક કરાયેલો સેલ્ફી શૅર કર્યો છે. આ સેલ્ફીમાં તે ગુલાબી રંગની સાડીમાં ડાયમંડ અને રૂબીની જ્વેલરી સાથે જોવા મળે છે. આ સમયે હળવા મેકઅપને કારણે તેનો લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. કાજોલે આ સેલ્ફી સાથે લખ્યું છે કે ‘મારા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, જે લોકો મારી પોસ્ટને લાઇક કરે છે તેઓ મારી પોસ્ટને લાઇક ન કરનારા લોકોની સરખામણીએ વધુ ખુશ, વધુ બુદ્ધિશાળી અને વધુ સુંદર દેખાતા હોય છે.’
ટ્રાફિકથી બચવા રણદીપ હૂડાએ કરી મેટ્રોમાં મુસાફરી
રણદીપ હૂડાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે મુંબઈના ભારે ટ્રાફિકથી બચવા માટે મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળે છે. રણદીપે સામાન્ય મુસાફરની જેમ મેટ્રોમાં મુસાફરી કરી હતી અને એ સમયે ચહેરા પર માસ્ક પહેરી રાખ્યો હતો. ખાસ વાત તો એ છે કે આખી મુસાફરી દરમ્યાન તે એક સામાન્ય મુસાફરની જેમ જ રહ્યો અને કોઈએ તેને ઓળખ્યો નહોતો.
