યામી ગૌતમ કહે છે કે મને લાગે છે કે કલાકાર તરીકે હું પહેલાં કરતાં વધારે જવાબદારીની ભાવના અનુભવું છું
ફાઇલ તસવીર
યામી ગૌતમે તાજેતરમાં ‘આર્ટિકલ 370’માં પોતાના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો છે. યામીએ પોતાની આગામી ફિલ્મ ‘નયી નવેલી’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન આ સન્માન વિશે વાત કરતાં જણાવ્યું કે આ પુરસ્કાર મળ્યા બાદ એક કલાકાર તરીકે તેની અંદર જવાબદારીની ભાવના વધુ વધી છે.
રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા વિશે વાત કરતાં યામી ગૌતમે કહ્યું હતું કે ‘હું ખરેખર પહેલાં કરતાં વધારે જવાબદારીની ભાવના અનુભવું છું. મને લાગે છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ખરેખર મોટું સન્માન છે અને કોઈ પણ કલાકાર માટે આ ખૂબ જ સાચું પ્રમાણપત્ર છે. આ પુરસ્કાર મળ્યા બાદ કંઈ બદલાયું નથી એવું હું કહું તો એ ખોટું હશે. આના કારણે એક અભિનેત્રી તરીકે પોતાની જવાબદારીને લઈને હું વધુ સજાગ બની છું. હું આગળ પણ પોતાનું શ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખીશ અને દર્શકોનો પ્રેમ મેળવવા માટે મહેનત કરતી રહીશ.’
ADVERTISEMENT
પોતાની આ સિદ્ધિ વિશે વાત કરતાં યામીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે સારું કામ પોતે જ પોતાની વાત કહી દે છે અને કલાકારે પોતાની સિદ્ધિઓ વિશે સતત વાત કરવાની જરૂર નથી. મારા પગ બરાબર જમીન પર જ છે અને આપણે જેટલા જમીન સાથે જોડાયેલા રહીશું એટલું જ સારું રહેશે. સિનિયર કલાકારો પાસેથી મને પાઠ મળ્યો છે કે સફળતા આખરે મળે છે, પણ નમ્રતા એવી વસ્તુ છે જે વ્યક્તિના પોતાના હાથમાં રહે છે.’
