સાયનમાં આવેલા બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના અણિક બસ ડેપોમાં ગઈ કાલે ભીષણ આગ ફાટી નીકળી હતી
પહેલાં ધડાકો સંભળાયો હતો અને ત્યાર બાદ એક પછી એક એમ ૧૨ બસ આગમાં લપટાઈ ગઈ હતી.
સાયનમાં આવેલા બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના અણિક બસ ડેપોમાં ગઈ કાલે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૧૨ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. BESTના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સાંજે ૫.૪૫ વાગ્યે BESTના અણિક ડેપો યાર્ડમાં આ આગ લાગી હતી જેમાં બળી ગયેલી તમામ બસો ખાનગી ઑપરેટર ‘ડાગા ગ્રુપ’ પાસેથી
વેટ-લીઝ એટલે કે ભાડાંના કરાર પર લેવામાં આવેલી ઍર-કન્ડિશન્ડ મિડી કમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) બસો હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેમને ઘટનાસ્થળે વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો અને દૂરથી જ કાળા ધુમાડાના ગોટેગોટા
દેખાતા હતા. એ પછી આગ ફેલાતી ગઈ હતી અને એક પછી એક ૧૨ બસને એની લપેટમાં લઈ લીધી હતી. કેટલીક બસોને ત્યાંથી હટાવી લેવાઈ હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ઓછાંમાં ઓછાં ૪ ફાયર એન્જિન, પાંચ પાણીનાં ટૅન્કર અને અન્ય અગ્નિશામક વાહનો તાત્કાલિક મોકલવામાં આવ્યાં હતાં અને એક કલાકથી વધુ સમયની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
અણિક ડેપોમાં પાંચ મહિનામાં આ બીજી વાર આગ લાગી હતી. એથી પણ લોકો સવાલ કરી રહ્યા હતા કે પહેલી આગ લાગ્યા બાદ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં કે નહીં?
