તેના નિકટના કોઈ સ્વજનનું અવસાન થઈ ગયું હોવાની ચર્ચા
નોરા ફતેહી
નોરા ફતેહી સામાન્ય રીતે ફૅન્સ અને ફોટોગ્રાફર્સ સાથે બહુ સારી રીતે હળતીમળતી હોય છે. જોકે રવિવારે તે મુંબઈ ઍરપોર્ટ પર આંખમાં આંસુ સાથે જોવા મળી હતી. નોરા ફતેહી ઍરપોર્ટ તરફ ઝડપથી જતી હતી ત્યારે તે રડતી અને અપસેટ દેખાતી હતી. તે ઑલ-બ્લૅક આઉટફિટમાં હતી. તેણે કાળાં ચશ્માં પહેરેલાં હતાં અને તેનાં આંસુઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી. નોરાએ ગૉગલ્સ પહેર્યાં હતાં, પણ આ ગૉગલ્સ તેની આંખનાં આંસુને છુપાવી નહોતાં શકતાં અને સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું કે તે રડી રહી છે. નોરાનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જે જોઈને તેના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે. આ સમયે એક ફૅને નોરા સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતાં તેના બૉડીગાર્ડે ફૅનને ધક્કો મારીને દૂર કરતાં નોરાના ફૅન્સ અપસેટ થયા છે.
નોરાના સ્વજનના નિધનની ચર્ચા
ADVERTISEMENT
ઍરપોર્ટ પર નોરાને અપસેટ જોઈને તેના ચાહકો અલગ-અલગ અટકળ કરી રહ્યા છે. એક ચર્ચા પ્રમાણે નોરાના એક સ્વજનનું અવસાન થઈ ગયું છે જેના કારણે તે અપસેટ છે. હકીકતમાં થોડા સમય પહેલાં નોરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક અરબી શબ્દસમૂહ શૅર કર્યો હતો જેનો મતલબ થાય છે કે નિશ્ચિતપણે અમે અલ્લાહના છીએ અને નિશ્ચિતપણે અમે તેની પાસે પાછાં ફરીશું. આ શબ્દસમૂહ મુસ્લિમો દ્વારા કોઈના નિધનના સમાચાર સાંભળતી વખતે ઉચ્ચારવામાં આવે છે. આ વાત નિર્દેશ કરે છે કે નોરાના દુઃખનું કારણ કોઈ નજીકની વ્યક્તિનું નિધન હોઈ શકે છે.

