જો તમારે નવી જનરેશનને ઓટીટી અને ફિલ્મ તરફ વાળવી હશે તો કન્ટેન્ટમાં નવીનતા લાવવી પડશે. તમે એક ને એક જ વાત કરો અને નવી જનરેશન પ્લૅટફૉર્મ કે થિયેટર સુધી આવે એવી અપેક્ષા રાખો એ ન ચાલે
ફાઇલ તસવીર
નેટફ્લિક્સ પર નેક્સ્ટ વીકમાં એક વેબસિરીઝ રજૂ થાય છે. ટાઇટલ છે એનું ‘સ્કૂપ’. મુંબઈમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત આ વેબસિરીઝમાં કરિશ્મા તન્નાએ ક્રાઇમ રિપોર્ટરનું કૅરૅક્ટર કર્યું છે તો આપણા જ ગુજરાતી એવા હંસલ મહેતા આ વેબસિરીઝના ક્રીએટિવ હેડ અને ડિરેક્ટર છે, જ્યારે દેવેન ભોજાણી સહિત અનેક ગુજરાતી ઍક્ટરો છે. ‘સ્કૂપ’ મુંબઈના અન્ડરવર્લ્ડ અને ક્રાઇમ રિપોર્ટરની લાઇફ સાથે જોડાયેલી છે. એનું ટ્રેલર ઑલરેડી આવી ગયું છે જે જોઈને થાય છે કે વાહ, ક્યા બાત હૈ! આવું કામ કરવું જોઈએ.
અહીં આપણે વધારે વાત ‘સ્કૂપ’ની નથી કરવી, પણ આપણે વધારે વાત આવનારા સમયના ઓટીટી અને ફિલ્મના પ્રેફરન્સની કરવી છે. જો તમે ઇચ્છતા હો કે તમારે આ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું છે કે પછી આ ઇન્ડસ્ટ્રીમાં રહીને તમારે કશું નવું કરવું છે તો હું કહીશ કે તમારે એક વાત યાદ રાખવી પડશે. તમારે નવી જનરેશનને અટ્રૅક્ટ કરવી પડશે. જો તમે નવી જનરેશનને તમારા સુધી ખેંચી લાવશો તો અને તો જ તે તમારી કન્ટેન્ટ સાથે કનેક્ટ રહેશે અને એ જનરેશનને તમારે ખેંચી લાવવી હોય તો તમારે એ પ્રકારની કન્ટેન્ટ આપવી પડશે જે તેમને જોવાની આદત છે કે પછી તેમને જોવાની ઇચ્છા છે. વાત આગળ વધારતાં પહેલાં એક ક્લૅરિફેકશન આપી દઉં.
ADVERTISEMENT
નવી જનરેશનને વલ્ગર કે ખરાબ લૅન્ગ્વેજ સાથેની કોઈ વેબસિરીઝ જોવામાં ઇન્ટરેસ્ટ નથી. જેન્યુઇનલી, એવી કોઈ તેમની ડિમાન્ડ હોતી જ નથી. તેમને વર્લ્ડ લેવલની કન્ટેન્ટ જોવાની આદત પડી છે ત્યારે તેમની ડિમાન્ડ એટલી જ છે કે તેમની સામે એવી કન્ટેન્ટ આવે જે જોઈને તેમને મજા આવે, તે એનરિચ થાય અને તેમને એવું લાગે કે હા, તેમણે ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની કન્ટેન્ટ જોઈ.
ઓટીટીને કારણે એક મોટો ચેન્જ જે આવ્યો તે એ કે હવે કન્ટેન્ટની બાબતમાં ઑડિયન્સ અલર્ટ થયું છે. તમે જુઓ કે હવે ઇન્ટરનૅશનલ સબ્જેક્ટ પણ તમને તમારી લૅન્ગ્વેજમાં મળતા થયા તો ઑલમોસ્ટ બધેબધા શો અંગ્રેજીમાં તો આવતા થઈ જ ગયા. તમે એવી તે કેવી અપેક્ષા રાખી શકો કે આજનો યંગસ્ટર કોરિયન, મેક્સિકન કે જૅપનીઝ, સ્વીડિશ શો નિયમિત જુએ અને એ જોયા પછી જ્યારે ગુજરાતી ફિલ્મ આવે ત્યારે એ પણ જોવા જાય. ત્યારે જ્યારે તેને ખબર હોય કે જે જોવા મળવાનું છે એ ટિપિકલ છે અને એ તેણે અગાઉ અનેક વખત જોઈ લીધું છે. નવું લાવવું પડશે, નવું કરવું પડશે. જો એ નહીં કરીએ તો યુથ આ દિશામાં આવશે નહીં.
આગળ જેમ ક્લૅરિફિકેશન આપ્યું કે એ ભૂલી જાઓ કે યંગસ્ટર્સને વલ્ગર કે પછી ગાળાગાળીથી ભરેલું કે અતિશય અગ્રેશન સાથેનું હોય એવું કંઈ જોવું છે. ના, કહ્યું એમ તેમને સારી કન્ટેન્ટ જોવી છે. એવી કન્ટેન્ટ જોવી છે જે દુનિયા, જે કૅરૅક્ટર, જે વાત તેમના માટે નવી છે અને એ જો હોય તો લૅન્ગ્વેજ કોઈ પણ હોય, યંગસ્ટર્સને ફરક નથી પડતો. હા, તે સબ-ટાઇટલ વાંચતાં-વાંચતાં જૅપનીઝ શો પણ જુએ છે અને સબ-ટાઇટલની સાથે કોરિયન શો પણ જોઈ લે છે. કહ્યું એમ તેને સ્ક્રીન પર પકડી રાખવાની જવાબદારી જો પૂરેપૂરી રીતે નિભાવી લેવામાં આવી હોય એટલે બસ, તે એ કન્ટેન્ટ જોવા માટે રાજી છે. ગુજરાતી પણ તે જુએ જ છે. ગયા વીકમાં આપણે વાત થઈ હતી એ ફિલ્મ ‘રાડો’ આજની યંગ જનરેશન જુએ જ છે અને તેમણે ‘નસબંધી’ પણ જોઈ જ હતી. આ બન્ને ફિલ્મોમાં થિયેટર રીતસર યંગસ્ટર્સથી છલકાતું હતું. ‘છેલ્લો દિવસ’ પણ એવી જ ફિલ્મ હતી અને ‘કેવી રીતે જઈશ?’, ‘બે યાર’ પણ એવી જ ફિલ્મ હતી. વાત નવી હતી અને નવી વાતની વ્યાખ્યા અહીં બધા સમજી લેજો.
એમાં યંગસ્ટર્સની જ વાત હોય એ જરૂરી નથી. આજે મોટા ભાગની ફિલ્મોમાં બાપ-દીકરા, મા-દીકરા કે બાપ-દીકરી, મા-દીકરીને ઊભાં કરી દેવામાં આવે છે અને એવી અપેક્ષા રાખે છે કે યંગસ્ટર્સ એ જોવા આવશે. અરે ભાઈ, આ રિલેશનશિપવાળું અમે બહુબધું જોઈ લીધું અને હવે અમે એનાથી થાકી ગયા છીએ. પૅકેજિંગ તમે નવું કરો છો, પણ એમાં વાત તો એ જ હોય છે. પેલી જૂનીપૂરાણી અને ચવાઈ ગયેલી. નવી વાત લાવો. નવી વાત કોઈની પણ હશે તો ચાલશે. એમાં ઘરડા લોકો હશે તો પણ અમને વાંધો નથી અને એમાં બાળકોની વાત હશે તો પણ અમને વાંધો નથી. વાત ઇન્ટરેસ્ટિંગ હોવી જોઈએ, વાત સ્ટાન્ડર્ડ સાથેની હોવી જોઈએ, વાતમાં નવીનતા હોવી જોઈએ અને એ વાત અગાઉ ક્યારેય અમે જોઈ-સાંભળી ન હોય એવી હોવી જોઈએ.
સિમ્પલ.
વેબસિરીઝ ‘સ્કૂપ’માં વાત મુંબઈની છે; પણ વાત ગુજરાતી ફૅમિલી, ગુજરાતી પ્રોટોગોનિસ્ટની છે અને એ કહેવા માટે ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ તૈયાર થયું છે જે પુરવાર કરે છે કે વાતમાં દમ હોય તો લૅન્ગ્વેજ અને કમ્યુનિટીનું બંધન કોઈને નડતું નથી.

