‘Vash Level 2’ Teaser: જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા અને હિતેન કુમાર સ્ટારર ગુજરાતી હોરર થ્રિલર ફિલ્મ ‘વશ – લેવલ ૨’નું ધમાકેદાર ટીઝર જોઈને રુંવાટા થઈ જશે ઉભા
‘વશ – લેવલ ૨’નું ધમાકેદાર ટીઝર આજે રિલીઝ થયું છે
ગુજરાતી હોરર હિટ ફિલ્મ `વશ` (Vash)ની ધમાકેદાર સિક્વલ ‘વશ – લેવલ ૨’ (Vash Level 2) ૨૭ ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. ત્યારે ઢોલિવૂડ (Dhollywood)માં ચોતરફ આ ફિલ્મની ચર્ચા થઈ રહી છે. ત્યારે આજે મેકર્સે ‘વશ – લેવલ ૨’નું ધમાકેદાર ટીઝર (Vash Level 2 Teaser) રિલીઝ કર્યું છે. ટીઝરે ફેન્સની ઉત્સુકતામાં વધારો કર્યો છે.
‘વશ – લેવલ ૨’માં જાનકી બોડીવાલા (Janki Bodiwala), હિતુ કનોડિયા (Hitu Kanodia), હિતેન કુમાર (Hiten Kumaar) અને મોનલ ગજ્જર (Monal Gajjar) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)નું છે.
ADVERTISEMENT
ફિલ્મ ‘વશ – લેવલ ૨’નું અનાઉન્સમેન્ટ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું ત્યારથી જ દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ ઓફિશ્યલ ટીઝર તેમજ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે મેકર્સે ‘વશ – લેવલ ૨’નું ઓફિશ્યલ ટીઝર (Vash Level 2 Teaser) રિલીઝ કર્યું છે. ૪૧ સેકન્ડનું આ ટીઝર રુંવાટા ઉભા કરી દે તેવું છે.
ટીઝરમાં જોઈ શકાય છે કે, એક સ્કૂલની છોકરીઓને ટાર્ગેટ બનાવી ભયાનક સ્થિતિ ઊભી કરાઈ છે. ટીઝરની શરુઆતમાં હિતેન કુમારનો દમદાર અવાજ સંભળાય છે. તેઓ સ્કૂલની છોકરીઓને ડરાવતા અને ધમકાવતા કહે છે કે, ‘અત્ર તત્ર સર્વત્ર હું છું. તમારી માટે સર્વેસવા હું છું. હું જેમ કહું એમ તમારે બધાએ કરવાનું છે હં!’ જાણે શાપ પાછો આવ્યો હોય તેવું દ્રશ્ય છે.
પછીના સીનમાં ટીવી એન્કર, જે પાત્રમાં મેહુલ બુચ (Mehul Buch) જોવા મળે છે તે ટીવીમાં ન્યુઝ બોલતા કહે છે કે, ‘જેએન ગર્લ્સ સ્કુલના આસપાસના વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે અને પોલીસે લોકોને પોતાના ઘરની અંદર રહેવાની સુચના આપી છે. આ વિદ્યાર્થીનીઓએ ધોળાદિવસે આ શહેરમાં એક ખૂંખાર અને ભયજનક વાતાવરણ ઉભું કર્યું છે.’ પછી એક છોકરી બહુ ક્રૂરતાથી રસ્તા પર લોકોનું ખુન કરતી દેખાડવામાં આવી છે.
‘વશ – લેવલ ૨’ના ઓફિશ્યલ ટીઝરના ક્લોઝિંગ સીનમાં હિતેન કુમાર શહેતાન ઉર્ફ પ્રતાપ (હિતુ કનોડિયા)નું ગળું પકડીને કહે છે કે, ‘એ પ્રતાપ તારા જેવા બીજા કેટલા છે?’ આ ટીઝરના સીનમાં હિતુ કનોડિયાનો ખૂંખાર લૂક જોવા મળી રહ્યો છે, જેમાં વધારેલી સફેદ દાઢી અને વિખરાયેલા સફેદ વાળ છે.
અહીં જુઓ ‘વશ – લેવલ ૨’નું ટીઝરઃ
‘વશ – લેવલ ૨’નું ટીઝર શૅર કરતી વખતે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘તે ચૂપ રહ્યો. હવે તે ફરીથી દહાડ કરવા તૈયાર છે.’ આ ફિલ્મનું ટીઝર નહીં પણ મેકર્સની ઓફિશ્યલ વૉર્નિંગ છે. પ્રાદેશિક સિનેમામાં એક નવો બેન્ચમાર્ક સેટ કરવા માટે ‘વશ – લેવલ ૨’ તૈયાર હોય તેવું આ ટીઝર જોઈને તો ચોક્કસ લાગે છે. બાકી, બીજું બધું તો સમય જણાવશે જ્યારે ફિલ્મ ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ થિયેટરમાં રિલીઝ થશે ત્યારે.
‘વશ – લેવલ ૨’ના મેકર્સ તબક્કાવાર ફિલ્મના ટીઝર અને પોસ્ટર લૉન્ચ કરી રહ્યાં છે. થોડાક દિવસ પહેલાં ફિલ્મની અનાઉન્સમેન્ટ કરતું ટીઝર પણ આવ્યું હતું. ૨૬ સેકન્ડના આ ટીઝરમાં જાનકી બોડીવાલાનો ચહેરો ધીમે ધીમે પ્રકાશમાં લાવવામાં આવ્યો હતો. જેમાં જાનકીના માથા પર એક પણ વાળ નથી અને તે બાલ્ડ લુકમાં જોવા મળી. જાનકી બોડીવાલાનો આ લૂક સતત ચર્ચામાં છે. જોકે, આજે રિલીઝ થયેલા ઓફિશ્યલ ટીઝરમાં જાનકી બોડીવાલાની ઝલક જોવા નથી મળી.
તમને જણાવી દઈએ કે, ‘વશ – લેવલ ૨’ વર્ષ ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘વશ’ની સિક્વલ છે. ‘વશ’ ગુજરાતી ફિલ્મોની સુપરહીટ ફિલ્મોમાંની એક છે. આ સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ કમાલ કરી હતી. જેમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા અને હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં હતા અને તેમના અભિનયે દર્શકોનું દિલ જીતી લીધું હતું. બાદમાં, વર્ષ ૨૦૨૪માં ગુજરાતી ફિલ્મ ‘વશ’ પરથી હિન્દી રીમેક ‘શૈતાન’ (Shaitaan Trailer) બનાવવામાં આવી હતી. હિન્દી રીમેકમાં અજય દેવગન (Ajay Devgn) અને આર માધવન (R. Madhavan)ની સાથે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા હતી. આ ફિલ્મથી જાનકીએ બોલિવૂડ (Bollywood)માં ડેબ્યૂ કર્યુઁ હતું. એટલું જ નહીં, આઇફા અવૉર્ડ્સ ૨૦૨૪માં ‘શૈતાન’ માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો હતો.

