ભારતમાં સૌથી મોટું ઓપનિંગ વીક-એન્ડ કલેક્શન કરનારી હૉલીવુડ ફિલ્મ બની; પહેલા ૩ દિવસની કમાણીમાં પઠાન, ટાઇગર ૩ અને ધુરંધરને પણ પછાડી
ભારતમાં સ્પાઇડરમૅન: બ્રૅન્ડ ન્યુ ડેનો સપાટો
હૉલીવુડની સુપરહીરો ફિલ્મ ‘સ્પાઇડર-મેન: બ્રૅન્ડ ન્યુ ડે’એ ભારતીય બૉક્સ-ઑફિસ પર ઇતિહાસ રચ્યો છે. ફિલ્મે માત્ર ૪ દિવસના એક્સટેન્ડેડ ઓપનિંગ વીક-એન્ડમાં જ અત્યાર સુધીની કોઈ પણ હૉલીવુડ ફિલ્મ કરતાં સૌથી વધુ કમાણી કરીને નવો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.
ભારતમાં ફિલ્મે ગુરુવારે એટલે કે રિલીઝના પહેલા દિવસે જ ૬૧ કરોડ રૂપિયાની નેટ કમાણી કરીને ઐતિહાસિક શરૂઆત કરી હતી. બીજા દિવસે ફિલ્મે ૪૮.૩૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ત્યાર બાદ શનિવારે કમાણીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને ફિલ્મે ૭૦.૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી. રવિવારે તો ફિલ્મે વધુ તેજી પકડીને ૭૭.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ રીતે ફિલ્મનું ૪ દિવસનું ભારતીય બૉક્સ-ઑફિસનું કુલ નેટ કલેક્શન ૨૫૭.૬૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે જે ભારતના ઇતિહાસમાં કોઈ પણ હૉલીવુડ ફિલ્મ માટેનું સૌથી મોટું ઓપનિંગ વીક-એન્ડ કલેક્શન છે.
ભારતમાં ફિલ્મના તમામ ભાષાઓનાં વર્ઝનને મળેલા જબરદસ્ત પ્રતિસાદે સ્પષ્ટ કરી દીધું છે કે ‘સ્પાઇડર-મેન: બ્રૅન્ડ ન્યુ ડે’ માત્ર હૉલીવુડ નહીં, ભારતીય બૉક્સ-ઑફિસ પર પણ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સ્થાન બનાવી રહી છે.
‘સ્પાઇડર-મેન: બ્રૅન્ડ ન્યુ ડે’ની પહેલા ત્રણ દિવસની કમાણીના આંકડા જોઈએ તો આ ફિલ્મની કુલ નેટ કમાણી ૧૮૦.૧૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આ આંકડો શાહરુખ ખાનની ‘પઠાન’ના અંદાજે ૧૬૧ કરોડ રૂપિયા, સલમાન ખાનની ‘ટાઇગર 3’ના લગભગ ૧૪૪ કરોડ રૂપિયા અને ‘ધુરંધર’ના અંદાજે ૧૦૨ કરોડ રૂપિયાના પ્રથમ ત્રણ દિવસના કલેક્શન કરતાં પણ વધુ છે.
