વિક્રમ સંવતનું આગમન એટલે ધંધાના હિસાબો તપાસવાનો, જૂનાં લેણાં-દેણાં સરભર કરવાનો અને નવી આશાઓ સાથે આગળ વધવાનો અવસર.
પ્રતીકાત્મક તસવીર
વિક્રમ સંવતનું આગમન એટલે ધંધાના હિસાબો તપાસવાનો, જૂનાં લેણાં-દેણાં સરભર કરવાનો અને નવી આશાઓ સાથે આગળ વધવાનો અવસર. આ વર્ષે એક નવી પરંપરા પણ અપનાવવા જેવી છે. જે રીતે આપણે ધંધાના હિસાબોનું મહત્ત્વ સમજીએ છીએ, એ જ રીતે વ્યક્તિગત અને પારિવારિક નાણાકીય વ્યવસ્થાનું પણ નિયમિત મૂલ્યાંકન કરીએ.
નવા વર્ષની શરૂઆત સાથે નાણાકીય આયોજનનો આ વિચાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. આજે ભારતીય પરિવારો નાણાકીય બજારમાં વધુ ને વધુ ભાગ લઈ રહ્યા છે અને બચત વધારવા માટે વિવિધ વિકલ્પો અપનાવી રહ્યા છે. આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઘરગથ્થુ નાણાકીય બચત જીડીપીના ૧૫.૨ ટકાથી વધુ રહી હતી. એ જ રીતે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના એપ્રિલથી નવેમ્બર દરમ્યાન મ્યુચ્યુઅલ ફંડમાં માસિક એસઆઇપીનું સરેરાશ રોકાણ રૂ. ૨૮,૦૦૦ કરોડથી વધુ રહ્યું હતું. આ આંકડા દર્શાવે છે કે લોકો લાંબા ગાળાની અને શિસ્તબદ્ધ રોકાણપદ્ધતિ તરફ વળી રહ્યા છે.
જોકે, રોકાણમાં વધતી ભાગીદારી સાથે નાણાકીય સમજણ પણ એટલી જ જરૂરી છે. માત્ર રોકાણ ખાતું ખોલાવવું, એસઆઇપી શરૂ કરવી કે કોઈ નાણાકીય પ્રોડક્ટ્સ ખરીદવી એ જ પ્રગતિ નથી. મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એ પ્રોડક્ટ્સ આપણાં નાણાં જીવનનાં લક્ષ્યોને સાકાર કરવામાં કેટલી મદદરૂપ થઈ રહી છે.
નવા સંવતની શરૂઆત ઘરખર્ચનું પ્રામાણિક મૂલ્યાંકન કરવાની તક પણ આપે છે. આવક વધે ત્યારે જીવનશૈલી પાછળનો ખર્ચ પણ વધે છે, પરંતુ બચત હંમેશાં એ જ પ્રમાણમાં વધતી નથી. માસિક ખર્ચની સમીક્ષા કરવાથી બિનજરૂરી ખર્ચ નિવારી શકાય છે.
દરેક નાણાકીય લક્ષ્ય માટે અલગ આયોજન જરૂરી છે. બાળકનું ઉચ્ચ શિક્ષણ, ઘર ખરીદવું, વૃદ્ધ માતા-પિતાની જવાબદારી, પરિવાર સાથે રજાઓ માણવી કે નિવૃત્તિ માટેની તૈયારી, દરેકની સમયમર્યાદા અને નાણાકીય જરૂરિયાત અલગ હોય છે. તેથી રોકાણની પસંદગી પણ લક્ષ્યના સમયગાળા અને જોખમને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ.
બચતને તમામ ખર્ચ પૂરા થયા પછી બાકી રહેતી રકમ તરીકે જોવાને બદલે એને ખર્ચ કરતાં પહેલાં અલાયદી કાઢી રખાયેલી રકમ બનાવવી જોઈએ. ભાડું, શાળાની ફી અને વીજળીના બિલની જેમ નિયમિત બચતને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. એસઆઇપી દ્વારા શિસ્તબદ્ધ રોકાણ શક્ય બને છે. આ ઉપરાંત, કટોકટીના સમય માટે પૂરતું ભંડોળ, યોગ્ય આરોગ્ય અને જીવન વીમો તથા નિયંત્રિત દેવું પરિવારને નાણાકીય સુરક્ષા આપે છે. દર વર્ષે બચત, રોકાણ, જવાબદારીઓ અને બદલાતી જરૂરિયાતોની સમીક્ષા કરવાની ટેવ પાડવી જોઈએ.
સમૃદ્ધિ માત્ર કેટલી આવક થાય છે એમાં નહીં, પરંતુ નાણાંનો કેટલો સમજદારીપૂર્વક ઉપયોગ અને સંચય કરીએ છીએ એમાં પણ રહેલી છે.
ડિસ્ક્લેમર : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારનાં જોખમોને આધીન છે. રોકાણ કરતાં પહેલાં યોજનાને લગતા તમામ દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.
