અત્યાર સુધી અપરિણીત રહેલા ૬૭ વર્ષના શક્તિમાન મુુકેશ ખન્નાને લગ્નસંસ્થા પર મજબૂત વિશ્વાસ છે
લગ્ન ન કર્યાં હોવા છતાં મુકેશ ખન્નાનો લગ્નસંસ્થા પર ખૂબ મજબૂત વિશ્વાસ છે
ટીવીના લોકપ્રિય શો ‘શક્તિમાન’માં સુપરહીરોનો રોલ કરીને ઓળખ બનાવનાર અભિનેતા મુકેશ ખન્ના લગ્ન વિશેના તેના વિચારોને કારણે ચર્ચામાં છે. મુકેશ ખન્ના લગભગ ૬૭ વર્ષની ઉંમરે પણ અપરિણીત છે અને હાલમાં તેણે લગ્ન ન કરવાનાં કારણોની ચર્ચા કરી છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંબંધો વિશે પ્રવર્તતી માન્યતા વિશે વાત કરતાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો હતો જ્યારે મર્દાનગીનો અર્થ ઘણી રિલેશનશિપ માનવામાં આવતો હતો, પણ હું એવું નથી માનતો. મને લાગે છે કે મર્દાનગી સાબિત કરવા માટે ૧૦ ગર્લફ્રેન્ડ હોવી જરૂરી નથી. સમાજમાં મહિલાઓ પાસેથી પતિવ્રતા બનવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ પુરુષો માટે આવું કેમ નથી કહેવાતું? જો તમે લગ્ન કર્યાં હોય તો એકબીજા પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહેવું જોઈએ. પત્ની સાથે પ્રેમનો દાવો કરીને બહાર સંબંધ રાખવો એક પ્રકારનો દગો છે.’
લગ્ન ન કર્યાં હોવા છતાં મુકેશ ખન્નાનો લગ્નસંસ્થા પર ખૂબ મજબૂત વિશ્વાસ છે અને તે પોતાનાં લગ્ન માટે પણ આશાવાદી છે. આ લાગણી વ્યક્ત કરતાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘હું માનું છું કે લગ્ન બે આત્માઓનું મિલન છે અને પત્ની પાછલા જન્મનાં કર્મો સાથે જોડાયેલી હોય છે. સાચો પ્રેમ જીવનમાં માત્ર એક જ વાર થાય છે, બાકી બધું માત્ર આકર્ષણ છે. લગ્ન સંપૂર્ણપણે ભાગ્ય પર આધારિત છે. જે સ્ત્રી સાથે મારાં લગ્ન થવાનાં હશે તે ક્યાંક તો હશે જ. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે નસીબ અમને મિલાવી દેશે.’
