Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મળો તમારી મમ્મીના ફેવરિટ ટીવી-સ્ટારને

મળો તમારી મમ્મીના ફેવરિટ ટીવી-સ્ટારને

Published : 08 November, 2025 10:32 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

અબ્રૉડ ભણવાનું ઍડ્‌મિશન લેવાઈ ગયું હતું એ સમયે ઍક્ટર નકુલ મહેતાએ નેવીમાં કમાન્ડર રહી ચૂકેલા પિતા સામે પોતાના મનની વાત કહી અને પિતાજીએ નકુલના ઍક્ટર બનવાના સપનાને પ્રાધાન્ય આપ્યું.

મળો તમારી મમ્મીના ફેવરિટ ટીવી-સ્ટારને

જાણી

મળો તમારી મમ્મીના ફેવરિટ ટીવી-સ્ટારને


અબ્રૉડ ભણવાનું ઍડ્‌મિશન લેવાઈ ગયું હતું એ સમયે ઍક્ટર નકુલ મહેતાએ નેવીમાં કમાન્ડર રહી ચૂકેલા પિતા સામે પોતાના મનની વાત કહી અને પિતાજીએ નકુલના ઍક્ટર બનવાના સપનાને પ્રાધાન્ય આપ્યું.  ટીવીના મોસ્ટ ડિઝાયરેબલ મૅનનો ખિતાબ મેળવી ચૂકેલા ઍક્ટરની લાઇફ રસપ્રદ ઘટનાઓથી ભરપૂર છે

૨૦૦૦ની આસપાસનો સમય. ૧૭ વર્ષનો નકુલ મહેતા બિઝનેસ-સ્ટડીઝ માટે અબ્રૉડ જવાની તૈયારીમાં હતો. યુનિવર્સિટીમાં ઍડ્‍મિશન મળી ગયું હતું. વીઝા મળી ગયા હતા. ૧૦ દિવસ પછીની ટિકિટ હતી. શૉપિંગ પતી ગયેલું. કપડાં ખરીદી લીધેલાં. અબ્રૉડ લઈ જઈ શકાય એવી મોટી અને મજબૂત સૂટકેસો તે ખુદ ખરીદીને લઈ આવેલો. બધી જ તૈયારી કરી રહેલા પોતાના દીકરા પર હંમેશાં હોય છે એ ચાર્મ મિસિંગ દેખાયો એટલે ઇન્ડિયન નેવીમાં કામ કરનારા પિતા પ્રતાપ મહેતા જેને ઘરની પરંપરા અનુસાર નકુલ કાકા કહીને બોલાવતો તેમણે નકુલને બોલાવ્યો અને પાસે બેસાડ્યો. તેને પૂછ્યું કે શું થયું છે? એ સમયે નકુલે ગ્રૅજ્યુએશન પતાવ્યું હતું અને આગળ ભણવા માટે તે અબ્રૉડ જઈ રહ્યો હતો. જોકે એ સમયે તેણે મુંબઈમાં થિયેટર જૉઇન કરી લીધું હતું. ભણવું જરૂરી છે, ડિગ્રી હોવી જોઈએ, લાયકાત હોવી જોઈએ એ વિચાર સાથે જ તે અબ્રૉડ જઈ રહ્યો હતો. જોકે કશુંક હતું જે ખટકતું હતું જે તેના પિતાને ચહેરા પર દેખાઈ રહ્યું હતું. એટલે જ્યારે પિતાએ પૂછ્યું કે શું થયું છે ત્યારે મનની ગડમથલને શબ્દો મળ્યા. તેણે કહ્યું, ‘કાકા, મારે બનવું તો ઍક્ટર જ છે, પણ ભણવું જરૂરી છે. આપણા ઘરમાં હંમેશાં ભણતરનું મહત્ત્વ રહ્યું જ છે, પરંતુ હું ૪ વર્ષ માટે જઈ રહ્યો છું અને અબ્રૉડ-સ્ટડી માટે જે લોન લીધી છે એ ચૂકવવા માટે પણ બીજાં ચાર વર્ષ કામ કરવું પડશે. ૮ વર્ષ જો હું બહાર રહ્યો તો ઍક્ટિંગથી ખાસ્સો દૂર થઈ જઈશ એમ લાગે છે. મને એ ૮ વર્ષ મનમાં ખટકી રહ્યાં છે.’



પિતાએ નકુલને પૂરો સાંભળ્યો અને પછી બોલ્યા, ‘હું નથી ઇચ્છતો કે તું તારા સપનાથી દૂર જાય. તારે જે કરવું છે એ તું ચોક્કસ કર. જે કોર્સ માટે તું બહાર જઈ રહ્યો છે એ કોર્સ અહીં પણ આવી જ ગયો છે એટલે અહીં ભણી લે. સાથે-સાથે ઍક્ટિંગ પણ કરી શકશે.’ 


ત્યારે નકુલે કહ્યું, ‘મને નથી ખબર કે મને આ ફીલ્ડમાં કેટલું કામ મળશે. સિક્યૉરિટી, પૈસા, કરીઅર...’

નકુલને અધવચ્ચેથી કાપતાં પિતા બોલ્યા, ‘એ બધું ધીમે-ધીમે આવી જશે. તું મહેનતુ છે. તારી ખંત મેં જોઈ છે. હું નથી ઇચ્છતો કે મારું સંતાન તેનાં સપનાંઓને સિક્યૉરિટીના નામે શહીદ કરી દે. તું એ કર જે તારે કરવું છે.’ 


આ વાતને યાદ કરતાં મેવાડનો નકુલ મહેતા કહે છે, ‘તેમના એ શબ્દોએ મને ખૂબ બળ આપ્યું. દરેક બાળક સપનાં જુએ છે, પણ જ્યારે તેનાં માતા-પિતાનો વિશ્વાસ એમાં ભળે છે ત્યારે એ સાકાર થઈ જાય છે.’ 

કરીઅર 
આ નિર્ણય લેતી વખતે નકુલને કોઈ અંદાજ નહોતો કે એક દિવસ તે ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા-પ્યારા’ સિરિયલનો આદિત્ય બનીને ટીવીના માધ્યમથી ઘરે-ઘરે પહોંચી જશે. તેણે નહોતું ધાર્યું કે ‘ઇશ્કબાઝ’ અને ‘દિલ બોલે ઑબેરૉય’નો શિવાય સિંહ ઑબેરૉય બનીને તે એક યુથ આઇકન બની જશે કે પછી ‘બડે અચ્છે લગતે હૈં’ નો રામ કપૂર બનીને દરેક છોકરી માટે એક આદર્શ પતિનું તાદૃશ ઉદાહરણ બની જશે. આ કિરદારો માટે તેને અઢળક અવૉર્ડ પણ મળ્યા છે. અઢળક ફીમેલ ફૅન્સનું અટેન્શન મેળવીને મોસ્ટ ડિઝાયરેબલ મૅન ઑન ટીવીનો ખિતાબ પણ તે મેળવી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ની સીઝન ૬ હોસ્ટ પણ કરી હતી. તેણે એક પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી જેના બૅનર હેઠળ આ ‘આઇ ડોન્ટ વૉચ ટીવી’ અને ‘ગૅન્ગસ્ટર ન્યુટન’ નામની સિરીઝ બનાવી. આ સિવાય બાળકો માટે એક ઍનિમેટેડ પ્રોજેક્ટ પર તે કામ કરી રહ્યો છે જેનું નામ છે ‘સૂફી ઍન્ડ જોકર ભૈયા’. આ ઉપરાંત ‘નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ’, ‘ઝિંદગી ઇન શૉર્ટ’, ‘સ્ટાર વર્સસ ફૂડ સર્વાઇવલ’, ‘બડા શહર છોટી ફૅમિલી’, ‘ડૂ યુ વૉના પાર્ટનર’ જેવી વેબ-સિરીઝ પણ તેણે કરી છે. હાલમાં તે પત્ની જાનકી સાથે મળીને ‘ધ ઇન્ડિયન પેરન્ટ પૉડ’ નામનું એક પૉડકાસ્ટ ચલાવે છે જેમાં પતિ-પત્ની બન્ને પેરન્ટિંગ પર પોતાના અનુભવો અને વિચારોની ચર્ચા કરે છે જે આજકાલ ઘણું પૉપ્યુલર થઈ રહ્યું છે. 

નાનપણ 
નકુલના પિતા નેવીમાં હતા. તેઓ ૧૯૭૧ના યુદ્ધમાં નેવીના કમાન્ડર હતા. તેના દાદા-પરદાદાઓ મેવાડ રાજ્યનો વહીવટ સંભાળતા હતા. નકુલના પિતા નેવીમાં હોવાને કારણે તેમની બદલી થતી રહેતી હતી અને એને કારણે નકુલ જન્મ્યો મુંબઈમાં જ; પણ વિશાખાપટ્ટનમ, કોચી, આંદામાન-નિકોબાર જેવી જગ્યાઓએ તેનું ભણતર થયું. આઠમા ધોરણમાં તે ફરી મુંબઈ આવ્યો અને જુહુની જમનાબાઈ નરસી સ્કૂલમાં ભણ્યો. આગળનું ભણતર એન. એમ. કૉલેજમાંથી કર્યું. પોતાના વિશે વાત કરતાં નકુલ કહે છે, ‘હું સારો સ્ટુડન્ટ હતો. ભણવું મને ગમતું પણ હતું. એક્સ્ટ્રાકરિક્યુલર ઍક્ટિવિટીમાં પણ હું ખૂબ ભાગ લેતો. સ્ટેજનો ચસકો મને એ ઉંમરથી જ હતો. ડિબેટ, સ્પીચ, ડ્રામા બધામાં ખૂબ ભાગ લેતો. જોકે ઍક્ટિંગ કરવી છે એવું મનમાં જરાય નહોતું. નાનપણમાં આંદામાન-નિકોબારમાં ફિલ્મોની કૅસેટ લઈને અમે ઘરે ફિલ્મો જોતા એ યાદ મને એકદમ તાજી છે. મને ફિલ્મો જોવી ખૂબ ગમતી. અનિલ કપૂર, માધુરી દીક્ષિત, શાહરુખ ખાનની ફિલ્મો હું ખૂબ જોતો. આ ઉપરાંત હું સ્પોર્ટ્સ પણ ખૂબ રમતો, હજી પણ રમું છું. મને હંમેશાં લોકોને હસાવવાનો અને તેમને મજા કરાવવાનો ચસકો નાનપણથી હતો. એક બાળક તરીકે મને યાદ છે કે હું પાર્ટી કે લગ્ન હોય ત્યારે બધાને ખૂબ જોક્સ કહેતો. બધાને મારી વાતોમાં મજા પડતી એ જ મારી મજા બની જતી. આમ લોકોને એન્ટરટેઇન કરવાની વૃત્તિ મારી અંદર પહેલેથી જ હતી. એટલે જ કદાચ સ્કૂલ અને કૉલેજની ડ્રામા-કમિટીમાં હું હતો.’

ટીવી 
નકુલને થિયેટર કરવાનો મોકો ખૂબ મળ્યો. મુંબઈમાં જેટલાં મુખ્ય ઑડિટોરિયમ છે ત્યાં બધે તેણે એક વાર તો પર્ફોર્મ કર્યું જ હશે એવું તેનું કહેવું છે. નાટકોમાં તેનું ઘડતર થયું. કૉલેજમાં હતો ત્યારે સુંદર દેખાવને કારણે તેને સામેથી મૉડલિંગનું કામ મળવા લાગ્યું. ઍડ-જગતમાં એક સમયે મૉડલ તરીકે તેનું નામ થઈ ગયું હતું. કામ કરવાના અને મેળવવાના પ્રયાસો ચાલુ હતા જેમાં તેને પહેલી ફિલ્મ મળી ‘હાલ-એ-દિલ’ જે કમર્શિયલી ફ્લૉપ સાબિત થઈ. એ વિશે વાત કરતાં નકુલ કહે છે, ‘સપનાં જોવા તમારા હાથમાં છે, એના માટે મહેનત કરવી તમારા હાથમાં છે; પણ એ મહેનતનું ફળ તમારા હાથમાં નથી. હજી કામ શરૂ કરો અને ફેલ્યર સામે આવે એ સરળ તો નથી. આશા ખૂબ હતી કે ફિલ્મ ચાલશે તો સપનાં પૂરાં થશે, પણ એવું થયું નહીં. ૨૦૦૦ની સાલની આસપાસ મેં નક્કી કર્યું કે હું ઍક્ટિંગ કરવા માગું છું. મને મારા જીવનનો જાણીતો બ્રેક કહી શકાય એ રાજશ્રી પ્રોડક્શન્સની સિરિયલ ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ દ્વારા ૨૦૧૨માં મળી. આ ૧૨ વર્ષનો ગાળો સરળ નહોતો. હું માનું છું કે પૈસા કમાવા એ મારી પ્રાથમિકતા નહોતી. એ ખૂબ મોટો ઍડ્વાન્ટેજ હતો. કદાચ એટલે જ હું કામ એ કરી શક્યો જે મારે કરવું હતું. મારી સ્ટ્રગલ સારું કામ કરવાની હતી, નહીં કે કામ કરવાની.’ 

૬ મહિનાની અંદર નકુલ ઘર-ઘરમાં જાણીતું નામ અને માનીતો ચહેરો બની ગયો હતો. તેની ઓળખ તે દુનિયાને પ્રેમથી ‘હું તમારી મમ્મીનો ફેવરિટ ટીવી-સ્ટાર છું’ એમ કહીને આપે છે. તેને એ બાબતની ઘણી ખુશી છે કે એક આદર્શ પુરુષ કેવો હોવો જોઈએ એના ઉદાહરણરૂપ કિરદારો તેણે નિભાવ્યાં છે જેના દ્વારા તેને અઢળક સ્ત્રીઓનો પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે. 

પ્રેમ અને લગ્ન 
નકુલ મહેતાને ૧૮ વર્ષની ઉંમરે ૧૬ વર્ષની જાનકી પારેખ સાથે પ્રેમ થયો હતો. શામક દાવરના ડાન્સ-ક્લાસમાં બન્ને સાથે હતાં. નકુલ જૅઝ, સાલ્સા, હિપ-હૉપ અને બૉલરૂમ ડાન્સ શીખેલો છે. એ સમયને યાદ કરતાં નકુલ કહે છે, ‘પહેલી નજરનો પ્રેમ હતો એ, પણ મહત્ત્વનું એ છે કે ૧૮ વર્ષે મને તેને જોઈને એવું નહોતું થયું કે હું આને મારી ગર્લફ્રેન્ડ બનાવું. તેને જોઈને મને વિચાર આવેલો કે જો આ છોકરી મારી પત્ની બનશે તો મારી લાઇફ સેટ થઈ જશે. અમે મિત્રો બન્યાં અને પ્રેમમાં પડ્યાં. અત્યારે જાનકી સિંગર છે. અમે મળ્યાં ત્યારે અમારે જીવનમાં શું બનવું છે, કઈ રીતે આગળ વધવું છે કશું જ નક્કી નહોતું. સાચું કહું તો અમે સાથે ગ્રો થયાં છીએ. સમજ, પ્રેમ અને એકબીજા માટેનું સમર્પણ પણ સમય સાથે આવ્યું. એક સમયે એવું પણ હતું કે મારી પાસે બિલકુલ કામ નહોતું અને તે ત્યારે ખાસ્સું કામ કરતી અને કમાતી, પણ અમારી વચ્ચે આ બાબતે ક્યારેય ઇશ્યુ નથી આવ્યા. કશે બહાર જઈએ તો જેની પાસે પૈસા હોય તે આપી દે. હું છોકરો છું એટલે મારે જ આપવાના એવો આગ્રહ જાનકીએ ક્યારેય રાખ્યો નથી. અમારી વચ્ચે પ્રેમ અને માન એકસરખાં છે.’

૨૦૧૨માં તેઓ ૯ વર્ષની રિલેશનશિપ પછી પરણ્યાં. એક સ્ટ્રગલર ઍક્ટર માટે એક પૈસાદાર ગુજરાતી ઘરની દીકરીને પરણવું અઘરું હતું. એ વિશે વાત કરતાં નકુલ કહે છે, ‘એ સમયે મારી ફિલ્મ આવી ગઈ હતી, પણ ફ્લૉપ થઈ હતી. બાકી કામની તલાશ ચાલુ હતી. સહજ છે કે કોઈ પણ પૂછે કે છોકરો શું કરે છે? કેટલું કમાય છે? પણ આ બાબતે જાનકીએ ક્યારેય મારા પર પ્રેશર આપ્યું નહોતું. એક ઍક્ટરનું જીવન ઘણું જુદું હોય છે. હું ભણેલો હતો, મહેનત કરવા માટે તૈયાર હતો. જો ઍક્ટિંગ ન કરી હોત તો પણ મારા પરિવારનું હું ધ્યાન રાખી શકું એમ હતો એ જાનકી જાણતી હતી. તેને મારા પર વિશ્વાસ હતો અને એ જ વિશ્વાસ તેણે તેના ઘરના લોકોમાં રોપ્યો. આમ લગ્ન સહેલાં તો નહોતાં, પરંતુ એ શકય બન્યાં અને જોગાનુજોગ હું જેવો પરણ્યો કે મને મારી પહેલી સિરિયલ મળી ગઈ.’ 

પિતા 
નકુલ અને જાનકીને બે સંતાનો છે. મોટો દીકરો સૂફી ૨૦૨૧માં જન્મ્યો અને નાની દીકરી રૂમી આ વર્ષે ઑગસ્ટમાં જન્મી હતી. નકુલ એક મૉડર્ન પિતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે જે તેનાં પૉડકાસ્ટ સાંભળીને કોઈ પણ વ્યક્તિ સમજી શકે. પોતાના બાળકના ઉછેરમાં તે પૂરી રીતે સહભાગી બને છે. આ મૉડર્ન પિતા બનવાની ઇચ્છા કઈ રીતે મનમાં પ્રગટી? એ પ્રશ્નનો જવાબ આપતાં નકુલ કહે છે, ‘હું ઇચ્છું છું કે હું મારાં બાળકોનું બાળપણ કોઈ પણ રીતે મિસ ન કરું. મને મારું બાળપણ યાદ છે જેમાં પપ્પાની મેમરી વેકેશન પૂરતી સીમિત છે. મમ્મી તો હંમેશાં અમારી સાથે જ હતી. સૂફી જ્યારે જાનકીને ગળે મળતો હોય ત્યારે જે પ્રેમ અને હૂંફ હોય છે એ જોઈને મને લાગે છે કે હું એવો બાપ બનું કે તે મને પણ એટલા જ પ્રેમ અને હૂંફ સાથે ગળે મળી શકે. દરરોજ સ્કૂલમાં હું તેને મૂકવા જાઉં છું, કારણ કે એ સમયે હું તેની સાથે રહેવા માગું છું. સૂફી અને રૂમીને ઉછેરવાં એ અમારા માટે જીવનનો એક આહ્‍લાદક અનુભવ છે જે હું પૂરી રીતે માણવા માગું છું. એટલે અત્યારે હું સિલેક્ટિવ કામ કરું છું. ગયા વર્ષે મેં OTT પર કામ કર્યું જેમાં ૧૨૦ દિવસ શૂટ કર્યું અને બાકીના ૨૪૫ દિવસ મારા પોતાના હતા જે હું મારાં બાળકો સાથે રહેવા માટે અને તેમનું બાળપણ તેમની સાથે જીવવા માટે આપી શકું એમ હતો.’

જલદી ફાઇવ
 શોખ - નાનપણથી સ્પોર્ટ્સમાં મને રસ છે. હું ક્રિકેટ અને ટેનિસ રમું છું. આજકાલ પૅડલ જે ટેનિસ અને સ્ક્વૉશ વચ્ચેની રમત ગણી શકાય એ રમવાની પણ મજા પડે છે.  
 પૅશન - મને ટ્રાવેલિંગ બહુ ગમે છે. અમે સપરિવાર તો ટ્રાવેલ કરીએ જ છીએ, પણ હું સોલો ટ્રાવેલ દર વર્ષે કરું છું. લદ્દાખ બાઇક પર એકલો જઉં છું. આ વર્ષે સિયાચીન ગયેલો. મને મારા માટે, મારા સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટે સોલો ટ્રિપ જરૂરી લાગે છે. 
 શું ગમે? - નવું-નવું કશું સતત શીખતા રહેવું. જેમ કે હાલમાં હું શોખથી પંજાબી શીખી રહ્યો છું. 
 અધૂરી ઇચ્છા - મારા જીવનમાં આમ તો કોઈ અધૂરપ નથી. હું ઘણો સંતોષી છું, પણ મને બેસ્ટ ફિલ્મમેકર્સ જોડે કામ કરવું છે, ખૂબ જ જુદી-જુદી વાર્તાઓનો ભાગ બનવું છે. આ ઇચ્છા એવી છે જે હું ઇચ્છું છું કે પૂરી થાય જ. 
 ફોબિયા - મને એક વાતનો ડર છે કે મારું જે પોટેન્શિયલ છે એટલું હું કામ ન કરી શક્યો તો? રીલ અને રિયલ લાઇફમાં સામે આવતા જુદા-જુદા રોલમાં બધી જગ્યાએ મારે મારા ૧૦૦ ટકા આપીને રહેવું છે. એમાં જો કોઈ જગ્યાએ કમી થઈ અને હું મારું પોટેન્શિયલ ઓળખી ન શક્યો તો? જીવનને પૂરી રીતે જીવી ન શક્યો તો? આ મારો સૌથી મોટો ડર છે.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2025 10:32 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK