રિયલિટી શોમાં આદિત્ય નારાયણની જગ્યા ઉદિત નારાયણ લેશે
ફાઇલ તસવીર
સિન્ગિંગ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની નવી સીઝન શનિવારથી સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર આવી રહી છે. ‘ઇન્ડિયન આઇડલ’ સીઝન 16 દર શનિવારે અને રવિવારે રાતે ૮.૦૦ વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લાઇવ ઍપ પર જોવા મળશે. આ વખતે શોમાં ઉદિત નારાયણ પણ જોવા મળશે. પોતાના આ શો વિશે વાત કરતાં ઉદિત નારાયણે જણાવ્યું હતું કે ‘આ સીઝનમાં હું કંઈક બિલકુલ અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. વર્ષો સુધી હું ‘ઇન્ડિયન આઇડલ’માં મહેમાન તરીકે આવ્યો અને મને હંમેશાં પ્રેમ મળ્યો. સામાન્ય રીતે દીકરો બાપના પેંગડામાં પગ મૂકતો હોય છે, પરંતુ આ વખતે હું મારા દીકરા આદિત્ય નારાયણની જવાબદારી નિભાવીશ. આદિત્ય પણ એના માટે ઉત્સાહિત છે અને આશા છે કે તમે બધા આ પરિવર્તનને પસંદ કરશો.’
‘ઇન્ડિયન આઇડલ’ની છેલ્લી સીઝન એવી સીઝન 15માં આદિત્ય નારાયણે શોના હોસ્ટ તરીકે જવાબદારી નિભાવી હતી.

