નેટફ્લિક્સના રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝન સતત નવા ડ્રામા અને ચોંકાવનારા ખુલાસાઓને કારણે ચર્ચામાં છે
ગૌરવ ખન્ના અને આકાંક્ષા
નેટફ્લિક્સના રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝન સતત નવા ડ્રામા અને ચોંકાવનારા ખુલાસાઓને કારણે ચર્ચામાં છે. હવે શોની સ્પર્ધક અને ઇન્ફ્લુઅન્સર શ્રેયા કાલરાએ પોતાની સહસ્પર્ધક આકાંક્ષા ચમોલાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શ્રેયાએ કૅમેરા સામે કહ્યું કે આકાંક્ષા બાઇસેક્સ્યુઅલ છે.
આ શોમાં આકાંક્ષાએ શ્રેયા વિરુદ્ધ ‘ચાર્જશીટ’ દાખલ કરીને તેને ડેન્જર ઝોનમાં મોકલી દીધા પછી આ વિવાદ ચર્ચામાં આવ્યો છે. આકાંક્ષાના આ પગલા બાદ શ્રેયા અન્ય સ્પર્ધક સૂફી મોતીવાલા સાથે બેઠી હતી અને આકાંક્ષા વિશે વાત કરવા લાગી. વાતચીત દરમ્યાન શ્રેયા થોડું અચકાઈ અને સૂફીને પૂછ્યું, ‘જો હું આ વાત બધાની સામે કહી દઉં તો શું હું ખરાબ વ્યક્તિ બની જઈશ?’ એના જવાબમાં સૂફીએ કહ્યું, ‘ના, તું ખરાબ નહીં બને. આ તો રમતનો જ એક ભાગ છે.’ આ પછી શ્રેયાએ દાવો કર્યો કે આકાંક્ષા બાઇસેક્સ્યુઅલ છે. આ સાંભળીને સૂફી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. શરૂઆતમાં સૂફીએ આ વાતને ખાનગી રાખવાની સલાહ આપી હતી, પણ શ્રેયા પોતાના નિર્ણય પર અડગ રહી.
ADVERTISEMENT
આ જાહેરાત કરતાં શ્રેયાએ કહ્યું હતું કે ‘હવે આ વાત જાહેર થઈ ગઈ છે. આકાંક્ષાએ આ રહસ્ય મને જણાવ્યું હતું અને હવે મેં એને શોમાં કહી દીધું છે. આનો સીધો અર્થ એ છે કે આકાંક્ષાની બે લાઇફલાઇન સમાપ્ત થઈ ગઈ છે અને હવે તેની પાસે આગળની રમત માટે માત્ર એક જ લાઇફલાઇન બચી છે’
‘લૉક-અપ’ના ફૉર્મેટ અનુસાર જ્યારે કોઈ સ્પર્ધકનું વ્યક્તિગત રહસ્ય જાહેર થાય છે ત્યારે તેને રમતમાં મળતા કેટલાક લાભ અથવા લાઇફલાઇન ગુમાવવી પડે છે. જોકે શ્રેયાના આ નવા દાવા અંગે હજુ સુધી આકાંક્ષાના પરિવાર અથવા શોના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
ગૌરવને જ ખબર નહોતી કે પત્ની લગ્નજીવન વિશે જાહેરમાં વાત કરવાની છે
ટીવી-ઍક્ટર ગૌરવ ખન્ના હાલમાં પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં છે. તાજેતરમાં તેની પત્ની અને ઍક્ટ્રેસ આકાંક્ષા ચમોલાએ રિયલિટી શો ‘લૉક-અપ’માં ખુલાસો કર્યો હતો કે તે અને ગૌરવ ડિવૉર્સ લઈ રહ્યાં છે. હવે ગૌરવ અને આકાંક્ષાના છૂટાછેડા અને સંબંધોને લઈને ટીવી-ઍક્ટર તેમ જ ગૌરવના મિત્ર અનુજ સચદેવાએ મોટો ખુલાસો કર્યો છે. આકાંક્ષાએ કરેલી ડિવૉર્સની વાત વિશે અનુજ સચદેવાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે ગૌરવને જ ખબર નહોતી કે આકાંક્ષા શોમાં તેમના લગ્નજીવનની હાલની સ્થિતિ વિશે જાહેરમાં વાત કરવાની છે.
લૉક-અપની બીજી સીઝનમાં કંગના રનૌતની જનતા કી આવાઝ તરીકે સ્પેશ્યલ એન્ટ્રી
નેટફ્લિક્સના રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝનની હાલમાં જબરદસ્ત ચર્ચા છે. આ શોના સ્પર્ધકોએ પોતાના ચોંકાવનારા ખુલાસા અને મુશ્કેલ ટાસ્ક દ્વારા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે શોના પ્રથમ એલિમિનેશન દરમ્યાન કંગના રનૌત જોવા મળશે. વીકએન્ડ દરમ્યાન પ્રથમ એલિમિનેશન વખતે કંગના ‘જનતા કી આવાઝ’માં સ્પેશ્યલ જ્યુરી તરીકે એન્ટ્રી કરશે.
માત્ર થોડા જ એપિસોડમાં સ્પર્ધા વધુ કઠિન બની ગઈ છે. આ અઠવાડિયાના નૉમિનેશનમાં શ્રેયા કાલરા, શ્રેષ્ઠા ઐયર, સૂફી મોતીવાલા, રિયાઝ અલી અને માધુરી ગ્રોવર ડેન્જર ઝોનમાં પહોંચી ગયાં છે.
‘લૉક-અપઃ સચ યા સઝા’ની બીજી સીઝનના લૉન્ચ દરમ્યાન નિર્માતા એકતા કપૂરે ખુલાસો કર્યો હતો કે શોમાં સંપૂર્ણપણે ફેરફાર કરવામાં આવ્યો છે અને એના ફૉર્મેટ, વિઝન અને પ્રેઝન્ટેશનને નવા અંદાજમાં તૈયાર કરવામાં આવ્યાં છે. શોમાં આવેલા આ બદલાવને કારણે કંગના રનૌત આ વખતે ફુલ-ટાઇમ હોસ્ટ તરીકે પરત ફરી નથી. કંગના શોની કાયમી હોસ્ટ નથી પણ આમ છતાં પ્રથમ એલિમિનેશન એપિસોડમાં તેની સ્પેશ્યલ ગેસ્ટ તરીકે એન્ટ્રી વીકએન્ડના એપિસોડનું સૌથી મોટું આકર્ષણ બનવાની છે.
