Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જુલાઈ મહિનો શરૂ થતાં જ મુંબઈ પાણી-પાણી, હજુ ચાર દિવસ ભારે વરસાદ માટે તૈયાર રહેજો

જુલાઈ મહિનો શરૂ થતાં જ મુંબઈ પાણી-પાણી, હજુ ચાર દિવસ ભારે વરસાદ માટે તૈયાર રહેજો

Published : 02 July, 2026 11:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકલ ટ્રેનને અસર, અનેક વૃક્ષો ધરાશાયી, સવારથી શરૂ થયેલા વરસાદે તંત્રની મૉન્સૂનની તૈયારીની પોલ ખુલ્લી પાડી

ભારે વરસાદને કારણે રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થતી એક બસ બંધ પડી ગઈ હતી, જેને મુસાફરોએ ધક્કો મારવો પડ્યો હતો. તસવીર : અતુલ કાંબળે

ભારે વરસાદને કારણે રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થતી એક બસ બંધ પડી ગઈ હતી, જેને મુસાફરોએ ધક્કો મારવો પડ્યો હતો. તસવીર : અતુલ કાંબળે


છેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદ બાદ બુધવારે વરસાદે પોતાનો આક્રમક મિજાજ દાખવતાં જ મુંબઈમાં BMC દ્વારા કરાયેલી મૉન્સૂનની તૈયારી ખુલ્લી પડી હતી. ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જૅમ થયો હતો, અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યાં હતાં, લોકલ ટ્રેન સર્વિસ ખોરવાઈ હતી અને વરસાદના કારણે બિલ્ડિંગની બાલ્કની તૂટી પડવાની ઘટના બની હતી. સાઉથ મુંબઈ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરોમાં વરસાદે માઝા મૂકી હતી. પરેલ, દાદર, સાયન, કોલાબા, મરીન લાઇન્સમાં અતિશય વરસાદ પડ્યો હતો; જ્યારે પશ્ચિમ અને પૂર્વનાં ઉપનગરોમાં પ્રમાણમાં સહેજ ઓછો વરસાદ નોંધાયો હતો. આખો દિવસ સતત વરસાદ પડ્યા બાદ હવામાન ખાતાઓ સાંજે ચારથી ૭ વાગ્યા સુધી મુંબઈમાં રેડ અલર્ટ જાહેર કરી હતી. એ દરમ્યાન મુંબઈ, પુણે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

વરસાદને કારણે જનજીવનને ભારે અસર થઈ હતી. હાર્બર લાઇન પર ઓવરહેડ વાયરના કારણે ટ્રેનો મોડી પડી હતી તો વેસ્ટર્ન લાઇન ભારે વરસાદના કારણે ટ્રેનો ૧૫ મિનિટ મોડી ચાલી રહી હતી. સેન્ટ્રલ લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કલ્યાણ વચ્ચે ટ્રેન-સર્વિસ ૨૦ મિનિટ મોડી ચાલી રહી હતી. 




ભારે વરસાદના બીજા રાઉન્ડમાં BMCની ચોમાસા માટેની તૈયારીઓમાં થયેલા છબરડા ખુલ્લા પડી ગયા હતા. ગટર સાફ ન હોવાને કારણે રસ્તા પર પાણી ભરાયાં હતાં, જેને ઉલેચવા માટે પમ્પની મદદ લેવી પડી હતી. તસવીર : અતુલ કાંબળે

નીચાણવાળા વિસ્તારો જેમ કે અંધેરી, કુર્લા, બાંદરા-કુર્લા-કૉમ્પ્લેક્સ (BKC), મુલુંડ જેવા વિસ્તારોમાં અનેક જગ્યાએ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વસઈ-વિરાર, મીરા-ભાઈંદર, થાણે, ભિવંડી જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં. 


ઈસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે પર અમુક ઠેકાણે તથા વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે પર અમુક જગ્યાએ પાણી ભરાયાં હતાં. મુંબઈ-નાશિક હાઇવે પર વરસાદના પાણી ભરાવાને કારણે ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થયો હતો.

જોગેશ્વરી-વેસ્ટમાં શંકર રોડ પર આવેલા પૅરમાઉન્ટ બિલ્ડિંગ પાસે વિશાળકાય વૃક્ષ ધસી પડ્યું હતું, જેને કારણે રસ્તા પર ઊભેલી બે કાર અને ૪ બાઇકને ભારે નુકસાન થયું હતું. ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.

BMCએ આપેલી માહિતી મુજબ સૌથી વધુ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં મુલુંડમાં ૧૬૬ મિલીમીટર પડ્યો હતો. ત્યાર બાદ ટ્રૉમ્બે અને માનખુર્દમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હોવાની માહિતી BMCએ આપી હતી. 

હવામાન ખાતાની આગાહી મુજબ હજુ પાંચ દિવસ મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે.

નવી મુંબઈના રબાળે રેલવે-સ્ટેશનના સબવેમાં પાણી ભરાઈ જતાં મુસાફરોને હાલાકી થઈ હતી.

સાતેય જળાશયોમાં પાણીપુરવઠો નજીવો ૧.૦૮ ટકા વધ્યો

મુંબઈને પાણીપુર‍વઠો પૂરો પાડતાં જળાશયોમાં આટલા વરસાદ છતાં પાણીના સ્તરમાં નજીવો વધારો થયો હતો. બુધવારે પડેલા વરસાદ પહેલાં સાતેય જળાશયોમાં કુલ પાણીપુરવઠો ૬.૭૫ ટકા હતો, જે હવે વધીને ૭.૮૩ થયો છે. એટલે કે પાણીપુરવઠામાં કુલ ૧.૦૮ ટકાનો વધારો થયો છે. સાતેય જળાશયોમાં કુલ પાણીપુરવઠો હાલ ૭.૮૩ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ભાતસા કૅચમેન્ટ એરિયામાં ૨૧૬ મિલીમીટર પડ્યો હતો, જ્યારે ત્યાર બાદ મોડકસાગરમાં ૧૯૩ મિલીમીટર અને પછી તાનસા કૅચમેન્ટ એરિયામાં ૧૮૦ મિલીમીટર વરસાદ સૌથી વધુ નોંધાયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK