ઍક્ટર સાથે કસમ સેમાં કામ કરી ચૂકેલા નમન શૉએ કર્યો ચોંકાવનારો ખુલાસો
નમન શો
રામ કપૂર હાલમાં રિયલિટી શો ‘લૉકઅપ’ની બીજી સીઝનમાં જોવા મળી રહ્યો છે. શોમાં તેના વર્તનને લઈને સતત ચર્ચા ચાલી રહી છે અને સહ-સ્પર્ધકોને વારંવાર કિસ કરવાની આદતને કારણે રામ કપૂરનું ટ્રોલિંગ થઈ રહ્યું છે. આ દરમ્યાન રામ કપૂર સાથે ‘કસમ સે’માં કામ કરી ચૂકેલા ઍક્ટર નમન શૉએ એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે તે પણ રામના આવા વર્તનનો ભોગ બની ચૂક્યો છે અને એના કારણે વર્ષો સુધી તેની સેક્સ્યુઅલિટી વિવાદનો મુદ્દો બની ગઈ હતી.
પોતાની સાથે બનેલા ઘટનાક્રમ વિશે વાત કરતાં નમન શૉએ કહ્યું હતું કે ‘લોકોને કિસ કરવાની રામ કપૂરની આદત નવી નથી. તેમને પાત્ર પુરુષ હોય કે મહિલા એનાથી કોઈ ફરક પડતો નથી. મને યાદ છે કે એકતા કપૂરની સિરિયલ ‘કસમ સે’ના સેટ પર એક પત્રકાર રામ કપૂરનો ઇન્ટરવ્યુ લેવા આવ્યો હતો. શો એ સમયે ખૂબ લોકપ્રિય બની રહ્યો હતો. ઇન્ટરવ્યુ દરમ્યાન પત્રકારે રામ કપૂરને પૂછ્યું કે સહ-કલાકાર તરીકે નમન વિશે તમારો શું અભિપ્રાય છે. એના જવાબમાં રામ કપૂરે મને પોતાના તરફ ખેંચીને મારા ગાલ પર કિસ કરીને કહ્યું હતું કે મને નમન ખૂબ ગમે છે અને તે ખૂબ જ સારો અભિનેતા છે. બીજા જ દિવસે આ ઘટનાને મીડિયામાં જરૂર કરતાં વધુ ચગાવી દેવામાં આવી હતી. અખબારોમાં એવાં શીર્ષકો છપાયા કે ‘શું રામ કપૂર અને નમન શૉ વચ્ચે નિકટતા વધી રહી છે?’ આ સમાચારથી ચૅનલ અને શો સાથે જોડાયેલા તમામ લોકો પરેશાન થઈ ગયા હતા, કારણ કે સિરિયલ સારી ચાલી રહી હતી. લોકો મને પૂછવા લાગ્યા કે શું હું ગે છું? એ સમયે હું ઇન્ડસ્ટ્રીમાં નવો હતો અને આવી પરિસ્થિતિનો સામનો કરવો મારા માટે ખૂબ મુશ્કેલ હતો. મારી સાથે આ ઘટના બહુ લાંબા સમય સુધી રહી હતી.’
