‘બિગ બૉસ 20’નું પ્રીમિયર ૬ સપ્ટેમ્બરે થશે. સલમાન ખાન ફરી હોસ્ટ તરીકે જોવા મળશે અને અહેવાલ મુજબ તેને આખી સીઝન માટે ૧૨૦ કરોડ રૂપિયાની ફી ઑફર કરવામાં આવી છે.
સલમાન ખાન બિગ બોસ 20
સલમાન ખાનનો લોકપ્રિય રિયલિટી શો ‘બિગ બૉસ 20’ આ સપ્તાહે પ્રીમિયર થવા જઈ રહ્યો છે. શોનું પ્રીમિયર ૬ સપ્ટેમ્બરે થશે. શો રાત્રે નવ વાગ્યે જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે, જ્યારે સાડાદસ વાગ્યે એનું ટેલિવિઝન પ્રસારણ કલર્સ ટીવી પર કરવામાં આવશે.
શોની નવી સીઝનને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે, પણ સૌથી વધુ ચર્ચા સલમાન ખાનની હોસ્ટિંગ ફીને લઈને થઈ રહી છે. રિપોર્ટ મુજબ સલમાનને આ આખી સીઝન માટે ૧૨૦ કરોડ રૂપિયાની જંગી રકમ ઑફર કરવામાં આવી છે.
સલમાને ૨૦૧૦માં ‘બિગ બૉસ 4’થી હોસ્ટ તરીકે શરૂઆત કરી હતી. શરૂઆતની સીઝનમાં તે પ્રતિ એપિસોડ અંદાજે ૨.૫ કરોડ રૂપિયા લેતો હોવાના અહેવાલો હતા. ત્યાર બાદ દરેક સીઝન સાથે તેની ફીમાં સતત વધારો થયો છે. મળતી માહિતી પ્રમાણે ‘બિગ બૉસ 17’ માટે સલમાને અંદાજે ૨૦૦ કરોડ રૂપિયા, જ્યારે ‘બિગ બૉસ 18’ માટે લગભગ ૨૫૦ કરોડ રૂપિયા ફી લીધી હોવાનું કહેવાય છે. ‘બિગ બૉસ 19’ માટે પણ તેની ફી ૧૨૦થી ૧૫૦ કરોડ રૂપિયા વચ્ચે હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
