ભવ્ય ગાંધીએ ૨૦૦૮થી ૨૦૧૭ સુધી શોનું આ લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું
ભવ્ય ગાંધી
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ૨૦૦૮થી ૨૦૧૭ સુધીના સમયગાળામાં ‘ટપુ’નું પાત્ર ભજવીને ભવ્ય ગાંધીએ ભારે લોકપ્રિયતા મેળવી હતી. જોકે ૨૦૧૭માં તેણે આ શો છોડી દીધો હતો અને ત્યારથી તે ગુજરાતી સિનેમાનો હિસ્સો રહ્યો છે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં ભવ્ય ગાંધીએ ‘તારક મેહતા કા ઉલ્ટા શો’ છોડવાનાં કારણો તેમ જ શોમાં કમબૅક કરવાની પોતાની ઇચ્છા વિશે વાત કરી છે. ભવ્ય ગાંધીએ જ્યારે આ શો છોડ્યો ત્યારે ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે આ શોના એક એપિસોડ માટે ૧૦,૦૦૦ રૂપિયા લેતો હતો અને તેણે વધારે પૈસાની ડિમાન્ડ કરીને આ શો છોડ્યો હતો. જોકે હવે ભવ્યએ એક ઇન્ટરવ્યુમાં આ વાતની સ્પષ્ટતા કરી છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં ભવ્યએ કહ્યું હતું કે ‘મેં ક્યારેય પૈસા માટે કામ કર્યું નથી કે ન તો મેં પૈસા માટે શો છોડ્યો હતો. મને ખબર નથી કે શો માટે મને કેટલા પૈસા મળતા હતા, કારણ કે હું નાનો હતો અને તમામ લેવડ-દેવડ મમ્મી-પપ્પા જોતાં હતાં. મેં આજ સુધી તેમને એ પણ નથી પૂછ્યું કે શો માટે મને કેટલી ફી મળતી હતી.’
ADVERTISEMENT
ઇન્ટરવ્યુમાં જ્યારે ભવ્યને સવાલ કરવામાં આવ્યો કે શું એ શોમાં ફરી કામ કરવાનું પસંદ કરીશ? એના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘હા, કેમ નહીં. હું ચોક્કસ શોમાં જવા ઇચ્છીશ. મને મારી લાઇફનું ક્લોઝર મળી જશે. મારી પ્રતિભાને સૌથી પહેલાં અસિત મોદીએ ઓળખી હતી.’


