૧૯ વર્ષના લગ્નજીવનના અંત વિશે સંજીવ સેઠે કહ્યું કે હું આગળના જીવન પર ધ્યાન આપવા માગું છું
સંજીવ સેઠ અને લતા સભરવાલ
લોકપ્રિય ટીવી-યુગલ સંજીવ સેઠ અને લતા સભરવાલે તાજેતરમાં ૧૬ વર્ષના લગ્નજીવન પછી અલગ થવાની જાહેરાત કરી હતી. તેમના આ નિર્ણયથી તેમના ફૅન્સને મોટો આઘાત લાગ્યો હતો. લતા સભરવાલે ૨૨ જૂને સોશ્યલ મીડિયા પોસ્ટમાં અલગ થવાના સમાચાર આપ્યા અને પછી પ્રાઇવસી આપવાની વિનંતી કરી હતી. જોકે આમ છતાં ફૅન્સ જાણવા માગતા હતા કે આખરે તેમની વચ્ચે એવું તે શું થયું કે લગ્નનાં ૧૬ વર્ષ પછી ડિવૉર્સ લેવાની સ્થિતિ સર્જાઈ ગઈ?
સંજીવ સેઠનાં લતા સભરવાલ સાથેનાં આ બીજાં લગ્ન હતાં. બન્નેએ ૨૦૧૦માં લગ્ન કર્યાં હતાં, પરંતુ તાજેતરમાં અલગ થવાની જાહેરાત કરી. આ પહેલાં સંજીવ સેઠે ઍક્ટ્રેસ રેશમ ટિપણીસ સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ૨૦૦૪માં તેમના છૂટાછેડા થયા હતા. સંજીવ સેઠ અને લતા સભરવાલનો એક દીકરો છે, જ્યારે રેશમ ટિપણીસથી સંજીવને બે બાળકો છે.
ADVERTISEMENT
હવે ડિવૉર્સની જાહેરાતના આટલા દિવસ પછી સંજીવ સેઠે પોતાના અને લતા સભરવાલના ડિવૉર્સ વિશે પ્રતિક્રિયા આપી છે. સંજીવ સેઠે આ વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘અમારાં લગ્નને ૧૬ વર્ષ થયાં છે અને જે કંઈ થયું એ ખૂબ જ દુખદ છે, પરંતુ એને કારણે હું રડીને ઘરમાં બેસીને સમય બગાડી શકું નહીં. જિંદગી ચાલતી રહે છે અને આપણે આગળ વધવું જ પડે છે. હાલમાં હું મારા કામ પર ધ્યાન આપી રહ્યો છું. હમણાં હું મારાં બાળકો સાથે સમય વિતાવવા માગું છું અને મારી આગળની જિંદગી પર ધ્યાન આપવા માગું છું.’

