આ મામલે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ આપત્તિ દર્શાવી છે અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયના સચિવને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે
ફિલ્મનો સીન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં એક દૃશ્યમાં રણબીર કપૂરને ઇલેક્ટ્રૉનિક સિગારેટ પીતો દર્શાવવામાં આવ્યો છે અને આ સીનને કારણે હવે વિવાદ થઈ રહ્યો છે. આ મામલે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ આપત્તિ દર્શાવી છે અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયના સચિવને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.
NHRCના સભ્ય પ્રિયાંક કાનુનગોએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘અમને એક સંસ્થાએ એક ફરિયાદ મોકલી હતી. ફરિયાદીએ જણાવ્યું છે કે નેટફ્લિક્સ પર ‘The Ba***ds of Bollywood’ નામની એક સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝના એક દૃશ્યમાં રણબીર કપૂરને ઈ-સિગારેટ પીતો દર્શાવાયો છે. ફરિયાદીનો આરોપ છે કે એના દ્વારા તે યુવાનો, ખાસ કરીને નવી પેઢીને ઈ-સિગારેટ પીવા પ્રોત્સાહિત કરી રહ્યો છે.’
ADVERTISEMENT
પ્રિયાંક કાનુનગોએ વધારે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મેં આ ફરિયાદની તપાસ કરી અને જાણવા મળ્યું કે ભારતમાં ઈ-સિગારેટ નિષેધ અધિનિયમ હેઠળ કોઈ વ્યક્તિ એનો પ્રચાર નથી કરી શકતી. ભારતમાં ઈ-સિગારેટનું ઉત્પાદન, આયાત, વેચાણ કે સંગ્રહ કરવો એ ગુનો છે. અમે મુંબઈના પોલીસ-કમિશનરને નોટિસ મોકલી છે અને તેમને ફરિયાદ નોંધવા અને અભિનેતા, પ્રોડક્શન-કંપની તેમ જ OTT પ્લૅટફૉર્મ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનું કહ્યું છે. અમે તેમને આ ઈ-સિગારેટના ઉત્પાદકો, આયાતકર્તાઓ અને વેચનારાઓ વિરુદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાનું કહ્યું છે. અમે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવને પણ નોટિસ મોકલી છે. માહિતી અને પ્રસારણ પ્રધાનને એને દૂર કરવાનો અને સંબંધિત પ્લૅટફૉર્મ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.’

