સિનેમામાં તેમના પ્રભાવ અને પ્રતિભાની ઝલક જોવા મળશે
‘ઍન્ગ્રી યંગ મેન’
સલીમ ખાન અને જાવેદ અખ્તરે એક જમાનામાં અનેક યાદગાર ફિલ્મોની સ્ટોરી લખી હતી. તેમની સ્ટોરી ફિલ્મોમાં જાદુ રેલાવતી હતી. તેમણે ‘શોલે’, ‘ઝંજીર’, ‘દીવાર’, ‘યાદોં કી બારાત’ અને ‘ડૉન’ જેવી અનેક ફિલ્મો પર કામ કર્યું હતું. તેમની જોડી સલીમ-જાવેદના નામે ઓળખાતી હતી. હવે તેમની લાઇફની અનેક જાણી-અજાણી બાબતો આપણને ડૉક્યુ-સિરીઝ ‘ઍન્ગ્રી યંગ મેન’માં જોવા મળશે. આ સિરીઝ ઍમૅઝૉન પ્રાઇમ પર ૨૦ ઑગસ્ટે રિલીઝ થશે. એનું પોસ્ટર સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું. પિતા સલીમ ખાન અને જાવેદ અખ્તર વિશે સલમાન ખાન કહે છે, ‘બે સમજદાર, હોશિયાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ, એકબીજાના કામની પ્રશંસા કરવાની સાથે તેમના કામમાં પણ શ્રેષ્ઠ રહ્યા હતા. આ છે ભારતીય સિનેમાના ‘ઍન્ગ્રી યંગ મેન.’ મારા પિતા અને જાવેદસાહેબને ફિલ્મોમાં સાથે કામ કરતા જોવા એ કોઈ જાદુથી કમ નહોતું. તેમણે ક્લાસિક ફિલ્મોનો વારસો આપ્યો છે. સમય હોય, મંજિલ હોય કે પ્રોફેશનની તેમની પસંદગી હોય, તેમની પાર્ટનરશિપ હંમેશાં બેસ્ટ લઈને આવી છે. ‘ઍન્ગ્રી યંગ મેન’ દ્વારા તેમની રચનાત્મક પ્રતિભા અને ભારતીય સિનેમામાં તેમનો વિશાળ પ્રભાવ દેખાડવામાં આવશે.’
આ સિરીઝ બન્ને પરિવાર માટે ઘણી ક્લોઝ છે. આશા છે કે તેમને માટે નવો અધ્યાય શરૂ થશે. આ ઍન્ગ્રી યંગ મેન હવે મોટી ઉંમરના છે. હવે તેમની લાઇફમાં અતિશય આનંદ આવે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે. સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સના કિંગ્સને લાંબું આયુષ્ય મળે. -સલમાન ખાન