કાશી વિદ્વત પરિષદનો અંતિમ નિર્ણય
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આ વર્ષે દિવાળી ૩૧ ઑક્ટોબરે છે કે ૧ નવેમ્બરે એના કન્ફ્યુઝન વચ્ચે હવે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ, કાશી વિદ્વત પરિષદ અને પંચાંગના નિષ્ણાતોએ દિવાળી ક્યારે મનાવવામાં આવશે એની સ્પષ્ટતા કરી દીધી છે. ૩૧ ઑક્ટોબરે બપોર બાદ ૩.૫૨ વાગ્યે અમાસની શરૂઆત છે, જે ૧ નવેમ્બરે સાંજના ૫.૧૩ વાગ્યા સુધી રહેશે. આ દિવસે પ્રદોષ કાળ દરમ્યાન રાત્રે અમાસનો યોગ બને છે, જે દીપોત્સવ માટે સૌથી શુભ મુરત માનવામાં આવે છે. આથી દિવાળી ૩૧ ઑક્ટોબરે મનાવવામાં આવશે.
શાસ્ત્ર મુજબ દિવાળી હંમેશાં પ્રદોષ કાળમાં મનાવવામાં આવે છે. ૩૧ ઑક્ટોબરે ૨.૨૪ કલાકનો પ્રદોષ કાળ છે જે સાંજથી રાત સુધી રહેશે, જ્યારે ૧ નવેમ્બરે કેટલાક ભાગમાં પ્રદોષ કાળ ૧૦ મિનિટથી લઈને ૬૦ મિનિટ સુધી રહેશે જે શાસ્ત્ર મુજબ ઓછો સમય હોવાનું માનવામાં આવે છે. રાજસ્થાન, ગુજરાત અને કેરલાના પંચાંગમાં બે દિવસ અમાસનો ઉલ્લેખ છે. એનું કારણ એ છે કે આ રાજ્યોમાં ભારતના બીજા ભાગોની તુલનાએ સૂર્યાસ્ત થોડો મોડો થાય છે. જોકે ૩૧ ઑક્ટોબરે આખા દેશમાં અમાસ પ્રદોષ કાળમાં આવશે જે દિવાળી મનાવવા માટે સૌથી ઉત્તમ સમય છે.