૧થી ૯ નંબરના અંક ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે અને સાથોસાથ સૂચવે છે કે તમારે આવનારા સમયમાં કેવી રીતે અને કઈ બાબતમાં સજ્જ થવાનું છે.
પ્રતીકાત્મક તસવીર
આપણા રોજિંદા જીવનમાં અંકોનું એક અનોખું અને રહસ્યમય વિશ્વ છે. ઘણી વાર એવું બનતું હોય છે કે ઘડિયાળમાં નજર પડે ત્યારે એક જ સરખો સમય દેખાય, રસ્તા પર પસાર થતી ગાડીઓની નંબર-પ્લેટમાં કોઈ એક ચોક્કસ અંક વારંવાર સામે આવે, મોબાઇલ નંબર, બિલની રકમ કે પછી ટિકિટ નંબરમાં કોઈ ખાસ આંકડો તમારો પીછો ન છોડતો હોય એવું લાગે. સામાન્ય માણસ આને માત્ર સંજોગ કે કો-ઇન્સિડન્ટ માનીને અવગણી દે, પરંતુ ન્યુમરોલૉજી અને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ દરેક સંજોગોમાં કોઈ સંકેત હોય છે અને બ્રહ્માંડ કારણ વિના કોઈ સંકેત આપતું નથી.
ભારતીય શાસ્ત્રો અનુસાર ૧થી ૯ સુધીના દરેક મૂળ અંક પર ૯ ગ્રહોમાંથી કોઈ એક ગ્રહનું આધિપત્ય છે. જ્યારે કોઈ ચોક્કસ અંક તમારા જીવનમાં વારંવાર આવવા લાગે ત્યારે સમજવું કે એ અંકનો સ્વામી ગ્રહ તમને કોઈ ચોક્કસ દિશા, ચેતવણી અથવા નવી તક તરફ ઇશારો કરી રહ્યો છે. ૧થી ૯ અંકોનું ગ્રહ-કનેક્શન અને એના સંકેતો જાણવા જેવા છે.
ADVERTISEMENT
૧ – સૂર્ય : નવી શરૂઆતનો સંકેત
અંક ૧ પર ગ્રહોના રાજા સૂર્યનું શાસન છે. જો તમને ૧, ૧૦, ૧૯ કે ૨૮ જેવા અંકો વારંવાર દેખાતા હોય, તો સૂર્ય તમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો સંકેત આપી રહ્યો છે. આ સમય કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવાનો, નેતૃત્વ લેવાનો અને પોતાના નિર્ણયો પર મક્કમ રહેવાનો છે. બીજા પર આધાર રાખવાને બદલે સ્વતંત્ર રીતે કામ કરવાથી મોટી સફળતા મળશે.
૨ – ચંદ્ર : ભાવનાત્મક સંતુલન
અંક ૨ મનના કારક ચંદ્ર સાથે જોડાયેલો છે. ૨, ૧૧ કે ૨૦ જેવા અંકોનું વારંવાર સામે આવવું દર્શાવે છે કે તમારે તમારી લાગણીઓ પર કાબૂ રાખવાની અને ધીરજ ધરવાની જરૂર છે. ચંદ્ર સંબંધો અને ભાગીદારીનો કારક છે. આ અંક સૂચવે છે કે ઉતાવળિયા નિર્ણયો ટાળીને અંતરાત્માનો અવાજ સાંભળો અને પરિવાર કે જીવનસાથી સાથે સુમેળ જાળવો.
૩ – ગુરુ : જ્ઞાન અને વિસ્તાર
અંક ૩ ગુરુનો પ્રભાવ ધરાવે છે. જો જીવનમાં ૩, ૧૨, ૨૧ કે ૩૦ અંક વારંવાર આવે, તો સમજવું કે ગુરુ ગ્રહ તમારા પર મહેરબાન છે. આ અંક સર્જનાત્મકતા, જ્ઞાનવૃદ્ધિ અને આર્થિક વિસ્તારનો સંકેત આપે છે. કોઈ અનુભવી વ્યક્તિ કે ગુરુની સલાહ માનીને આગળ વધવાથી અટકેલાં કાર્યો પૂર્ણ થશે.
૪ – રાહુ : સાવચેતીનો ઇશારો
અંક ૪ રહસ્યમય છાયાગ્રહ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. ૪, ૧૩, ૨૨ કે ૩૧ અંકો વારંવાર દેખાય ત્યારે વ્યક્તિએ થોડા સાવધ રહેવું. રાહુ અચાનક આવતા પરિવર્તન અને મહેનતનો કારક છે. આ અંક સૂચવે છે કે કોઈ શૉર્ટકટ અપનાવવાને બદલે વ્યવસ્થિત આયોજન અને સખત પરિશ્રમ કરો. ભ્રમ કે અફવાઓથી દૂર રહેવાની આ ચેતવણી છે.
૫ – બુધ : સંવાદ અને યાત્રાની તકો
અંક ૫ બુદ્ધિ અને વાણીના કારક બુધનો અંક છે. ૫, ૧૪ કે ૨૩ અંક વારંવાર સામે આવવા એ જીવનમાં આવનારા સકારાત્મક બદલાવ અને ગતિશીલતાની નિશાની છે. બુધ સૂચવે છે કે હવે તમારી વાતચીતની કલા, નેટવર્કિંગ અને બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. નવા વ્યાપારિક સોદા કે મુસાફરીથી મોટો લાભ થઈ શકે છે.
૬ – શુક્ર : સુખ-સમૃદ્ધિનો અવકાશ
અંક ૬ પર વૈભવ અને પ્રેમના કારક શુક્રનું આધિપત્ય છે. જો ૬, ૧૫ કે ૨૪ અંક વારંવાર તમારી નજરે ચડે, તો તે ભૌતિક સુખ-સુવિધાઓ વધવાનો અને ઘરમાં માંગલિક કાર્ય થવાનો સંકેત છે. શુક્ર તમને પોતાની જાત પર અને પરિવારની ખુશીઓ પર ધ્યાન આપવાનું કહે છે. કલા, સૌંદર્ય અને પ્રેમસંબંધોમાં આ સમય અત્યંત શુભ સાબિત થાય છે.
૭ – કેતુ : આત્મમંથન-આધ્યાત્મિક જાગૃતિ
અંક ૭ આધ્યાત્મિક ગ્રહ કેતુ સાથે સંકળાયેલો છે. ૭, ૧૬ કે ૨૫ અંકોનું પુનરાવર્તન સૂચવે છે કે તમારે બહારની દુનિયાની દોડધામમાંથી થોડો વિરામ લઈને ભીતર ડોકિયું કરવાની જરૂર છે. કેતુ ઊંડા સંશોધન, એકાંત અને સત્યની શોધનો કારક છે. કોઈ મોટો નિર્ણય લેતાં પહેલાં પૂરતું વિશ્લેષણ કરવું હિતાવહ છે.
૮ – શનિ : કર્મનું ફળ અને આર્થિક શિસ્ત
અંક ૮ ન્યાયના દેવતા શનિનું પ્રતિનિધિત્વ કરે છે. ૮, ૧૭ કે ૨૬ અંક વારંવાર દેખાય તો સમજવું કે શનિદેવ તમારાં કર્મોનો હિસાબ કરી રહ્યા છે. જો તમે પ્રામાણિકપણે મહેનત કરી હશે, તો મોટી સફળતા અને નાણાકીય સ્થિરતા મળવાનો સમય નજીક છે; પરંતુ જો બેદરકારી રાખી હશે, તો શિસ્તબદ્ધ થવાની આ ચેતવણી છે.
૯ – મંગળ : એક અધ્યાયની પૂર્ણાહુતિ
અંક ૯ પર પરાક્રમી ગ્રહ મંગળનું શાસન છે. ૯, ૧૮ કે ૨૭ અંકો વારંવાર દેખાવા એ કોઈ જૂના પ્રકરણ કે સંઘર્ષનો અંત આવી રહ્યો હોવાનો સંકેત છે. મંગળ તમને નિર્ભય બનીને અધૂરાં કાર્યો પૂરાં કરવાની પ્રેરણા આપે છે. જોકે, આ સમયે ગુસ્સા અને ઉતાવળ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી બને છે.
