આજે મોટા ભાગના બાવાઓ એકની એક જ વાત કરે છે કે જીવનનો એક જ હેતુ હોવો જોઈએ અને એ છે કોઈ ને કોઈ પ્રકારે સુખ પ્રત્યેનાં આકર્ષણ સમાપ્ત કરવાનો. બસ, તેમની વાતમાં ત્યાગની જ વાત હોય છે અને આ ત્યાગ માટેનો સૌથી મોટો હેતુ છે કે સંસારમાંથી સુખનો નાશ કરો.
ફાઈલ તસવીર
આજે મોટા ભાગના બાવાઓ એકની એક જ વાત કરે છે કે જીવનનો એક જ હેતુ હોવો જોઈએ અને એ છે કોઈ ને કોઈ પ્રકારે સુખ પ્રત્યેનાં આકર્ષણ સમાપ્ત કરવાનો. બસ, તેમની વાતમાં ત્યાગની જ વાત હોય છે અને આ ત્યાગ માટેનો સૌથી મોટો હેતુ છે કે સંસારમાંથી સુખનો નાશ કરો. આ તે કેવો હેતુ, કેવી એષણા? સંસારનાં અનેક સુખોમાંનું એક સુખ સ્વાદનું પણ છે. પરમેશ્વરે જીભની રચના એવી રીતે કરી છે કે એ બોલે પણ છે, સ્પર્શે પણ છે અને જાતજાતના રસ પણ ગ્રહણ કરે છે. રસ ગ્રહણ કરતી હોવાથી જીભનું નામ રસના પણ પડ્યું છે. રસના દ્વારા રસ-ગ્રહણ કરીને માણસ સ્વાદ પામતો હોય છે. સ્વાદિષ્ટ ભોજન સૌને ગમતું હોય છે પણ ઘણા લોકો જાણી કરીને સ્વાદહીન ભોજન ખાવાના નિયમ લઈ લેતા હોય છે. જે લોકો એક જ જગ્યાએ સ્થાયી થઈને રહેતા હોય અને આવા નિયમ લે તો હજી કદાચ ચાલી શકે પણ જે લોકો ભ્રમણશીલ હોય છતાં આવા જાતજાતના નિયમ ગ્રહણ કરે તો પોતે દુખી થાય અને બીજાને પણ દુખી કરે.
કોઈ રોગના કારણે ડૉક્ટર કે વૈદ્યના કહેવાથી તમે મીઠા કે ખાંડનો ત્યાગ કરો તો ઠીક છે. પથ્યનું પાલન કરવું જ જોઈએ પણ સ્વાદનો ત્યાગ કરવાથી તમને આધ્યાત્મિક જીવનનો લાભ થશે એવી અપેક્ષાએ જ્યારે તમે મીઠું, ગળપણ કે બીજા મસાલા વગેરેનો ત્યાગ કરો છો ત્યારે એ યોગ્ય નથી હોતો. માણસ સિવાયનાં બીજાં પ્રાણીઓ મીઠું-મસાલા નથી ખાતાં, એ તો રાંધતાં પણ નથી. તેઓ કાચા જ, કુદરતી હાલતમાં જ ખાદ્ય પદાર્થો ખાતાં હોય છે એમાં કોઈ શંકા નહીં પણ માણસ પશુ નથી, તે પશુતાથી ઘણો આગળ વધી ગયો છે. એટલે તેના ભોજનમાં કુદરતી અને માનવીય એમ બન્ને પ્રકારની પ્રક્રિયાઓ સામેલ થઈ છે.
ADVERTISEMENT
માણસ જેટલી વાનગીઓ બનાવે છે એટલી પશુઓ બનાવતાં નથી. ખરેખર તો પશુઓ કશી જ વાનગી બનાવતાં નથી. હિંસક પ્રાણીઓ સીધું જ કાચું માંસ ખાય છે અને ઘાસ ખાનારાં પશુઓ પણ સીધું જ ઘાસ ખાય છે. તેમના દેખાદેખી મારા પરિચિત બે ભાઈઓએ પણ સીધા જ ઘઉં વગેરે ખાવા માંડ્યા. જોકે તેમણે ઘાસ ન ખાધું એ સારું કર્યું, પણ બન્નેનાં શરીરો સુકલકડી અને નિસ્તેજ થઈ ગયાં. મારા પરિચિત એક વિદ્વાન સંન્યાસી કાશીમાં રહેતા. તેમણે મીઠું ખાવાનું બંધ કરી દીધું હતું. તેઓ બહુ બીમાર રહ્યા અને દુખી થયા. તેમના શરીર પર દુર્ગંધ મારતાં ચાઠાં પડી ગયાં, તેઓ મરતાં-મરતાં કહેતા ગયા કે મારા જેવું જીવન તમે ન જીવશો. મેં ભૂલ કરી હતી. તમે યથાયોગ્ય મીઠું અને મસાલા ખાજો અને આનંદથી રહેજો.
કહેવાનો ભાવાર્થ એ કે ત્યાગની જે ખોટી વાત ફેલાવવામાં આવી છે એમાંથી બહાર આવવું જરૂરી છે. ત્યાગ કરવો જ હોય તો સંઘરેલી લક્ષ્મીનો ત્યાગ કરાવો, જરૂરિયાતવાળાના ઉત્થાનમાં, દેશના વિકાસમાં એનો વપરાશ કરાવો.

