હે ભગવાન! ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ હોતું નથી એ ક્યારે સમજશે લોકો?-
પ્રતીકાત્મક તસવીર
સાઇબર ગઠિયાઓના દાવાઓથી ગભરાઈને ૨૯ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધીમાં ૭ બૅન્કમાં ગયા, કુલ ૧૦ ટ્રાન્ઝૅક્શનમાં ૨ કરોડ ૪ લાખ, ૪૭ હજાર ૪૭ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા એ પછી છેક ભાન થયું કે છેતરપિંડી થઈ ગઈ
સાઇબર સેલ, ED, ઇન્ટરપોલના નામે આવેલા ફોનથી; વિડિયો-કૉલમાં કોર્ટરૂમ જોઈને મુલુંડના ૭૧ વર્ષના સિનિયર સિટિઝન એટલા ગભરાઈ ગયા કે બધું લૂંટાવી બેઠા
ADVERTISEMENT
મુલુંડ-વેસ્ટના અમરનગરમાં રહેતા ૭૧ વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને સાઇબર ગઠિયાઓએ ૨,૦૪,૪૭,૦૪૭ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ઈસ્ટર્ન સાઇબર સેલે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાઇબર ગુનેગારોએ ૨૪ નવેમ્બરે પીડિતને ફોન કરીને પોતાની ઓળખ પોલીસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને ઇન્ટરપોલના અધિકારી તરીકે આપી હતી. ત્યાર બાદ નરેશ ગોયલ સાથેના સંબંધ હોવાની ખોટી માહિતી આપીને વૉટ્સઍપ પર સુપ્રીમ કોર્ટના નામે ધરપકડ વૉરન્ટ મોકલીને પીડિતની ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી. એ પછી તેમને ડિજિટલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યાં કોર્ટના જજે કહ્યા પ્રમાણે પીડિતે પોતાનાં ૭ બૅન્ક-અકાઉન્ટમાં રહેલા પૈસા ૨૯ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધીમાં કરવામાં આવેલા ૧૦ ટ્રાન્ઝૅક્શનમાં સાઇબર ગઠિયાને મોકલી આપ્યા હતા. ૨.૪ કરોડ રૂપિયા લીધા બાદ પણ વધુ પૈસાની માગણી કરવામાં આવતાં પીડિતને શંકા ઊપજી હતી એટલે તેઓ ૧૫ ડિસેમ્બરે દસમી વાર પૈસા ટ્રાન્સફર કર્યા પછી બપોરે સાડાબાર વાગ્યે બૅન્કમાંથી સીધા મુલુંડ પોલીસ-સ્ટેશને ગયા ત્યારે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.
શું હતો ઘટનાક્રમ?
મુલુંડમાં રહેતા અને તળોજાની એક પ્રાઇવેટ કેમિકલ કંપનીમાંથી નિવૃત્ત થયેલા સિનિયર સિટિઝનને ૨૪ નવેમ્બરે સાંજે એક અજાણી વ્યક્તિએ ફોન કરીને પોતાની ઓળખ મુંબઈ સાઇબર સેલના અધિકારી એસ. કે. જાયસવાલ તરીકે આપીને મોટા ગુનામાં તમારી સંડોવણી હોવાની માહિતી આપી હતી.
એક કલાક બાદ કરણ શર્મા નામના યુવકે ફોન કરીને પોતાની ઓળખ EDના અધિકારી તરીકે આપીને દાવો કર્યો હતો કે તિલકનગર વિસ્તારમાં મની-લૉન્ડરિંગ કેસમાં સંડોવાયેલા નરેશ ગોયલના નિવાસસ્થાને દરોડા દરમ્યાન તમારા આધાર કાર્ડની વિગતો અને નાણાકીય વ્યવહારના રેકૉર્ડ ધરાવતી ડાયરી મળી છે.
ત્યાર બાદ પીડિતને વૉટ્સઍપ પર બનાવટી દસ્તાવેજ મોકલવામાં આવ્યા હતા જેમાં ઇન્ટરપોલની રેડ કૉર્નર નોટિસ, ફન્ડ ફ્રીઝ કરવાના આદેશ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ હતા.
પછીથી પીડિતને વૉટ્સઍપ પર ડિજિટલ અરેસ્ટ કરીને ડિજિટલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ વિડિયો-કૉલમાં સામે કોર્ટરૂમ દેખાતાં પીડિતને ખરેખર એવો ભાસ થયો હતો કે તેમને આરોપી તરીકે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે.
આ કોર્ટમાં હાજર જજે પીડિત સાથે વિડિયો-કૉલ પર વાત કરીને તેમનાં બૅન્ક-અકાઉન્ટ વિશેની માહિતી મેળવી તપાસ માટે બૅન્ક-અકાઉન્ટમાં રહેલા પૈસા તાત્કાલિક ટ્રાન્સફર કરવા માટેના નિર્દેશ આપ્યા હતા.
ત્યાર બાદ પીડિતે ડર અને ભારે માનસિક દબાણ હેઠળ પોતાની ૭ બૅન્કમાં જઈને ૨૯ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધીમાં ૧૦ ટ્રાન્ઝૅક્શનમાં કુલ ૨,૦૪,૪૭,૦૪૭ રૂપિયા વિવિધ બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
એ પછી ED અને ઇન્ટરપોલના અધિકારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ વધુ પૈસાની માગણી કરતાં પીડિતને શંકા ઊપજતાં તેમણે બૅન્કમાંથી સીધા મુલુંડ પોલીસ-સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.
મુલુંડ પોલીસ અને સાઇબર વિભાગના અધિકારીઓએ પીડિતે જે બૅન્ક-અકાઉન્ટમાં પૈસા મોકલ્યા હતા એ તમામ અકાઉન્ટ અને લિન્ક ફ્રીઝ કરી દીધાં છે.
૧૦ ટ્રાન્ઝૅક્શનમાં આપ્યા પૈસા : કઈ તારીખે કેટલા?
૨૯-૧૧-૨૫ ૫૦,૦૦,૦૦૦
૦૨-૧૨-૨૫ ૪૩,૦૦,૦૦૦
૦૩-૧૨-૨૫ ૩૨,૦૦,૦૦૦
૦૮-૧૨-૨૫ ૧૦,૦૦,૦૦૦
૦૮-૧૨-૨૫ ૩૫,૭૪,૦૦૦
૦૯-૧૨-૨૫ ૨,૨૫,૦૦૦
૦૯-૧૨-૨૫ ૭,૭૪,૦૦૦
૦૯-૧૨-૨૫ ૨,૦૦,૦૦૦
૧૨-૧૨-૨૫ ૧૦,૦૦,૦૦૦
૧૫-૧૨-૨૫ ૧૧,૭૪,૦૪૭


