Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > કયા દિવસે કયું કામ અચૂક કરવું જોઈએ?

કયા દિવસે કયું કામ અચૂક કરવું જોઈએ?

Published : 07 June, 2026 02:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક દિવસ ચોક્કસ ગ્રહને રિપ્રેઝન્ટ કરે છે એવા સમયે દરેક દિવસે અહીં દર્શાવ્યાં એ મુજબનાં કામ ભૂલ્યા વિના કરવાં જોઈએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શુક્ર-શનિ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


થોડા સમય પહેલાં આપણે વાત કરી હતી કે અઠવાડિયા દરમ્યાન ચોક્કસ દિવસે કયાં કામ કરવાનું ટાળવું જોઈએ. આજે આપણે વાત કરવાની છે કે અઠવાડિયા દરમ્યાન ચોક્કસ દિવસે કયું કામ અચૂક કરવું જોઈએ. દરેક વારને ગ્રહ સાથે સીધો સંબંધ છે, જેને લીધે ગ્રહઆધારિત જો કામ એ દિવસે કરવામાં આવે તો એ સારી રીતે પાર પડે છે અને સાથોસાથ એ ગ્રહની પણ કર્મ દ્વારા સાધના થાય છે.

રોજબરોજના જીવનમાં સફળતા, માનસિક શાંતિ, પ્રગતિ અને ઘરના વાતાવરણને સકારાત્મક રાખવા માટે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વ્યાવહારિક આદતો જણાવવામાં આવી છે. આ કાર્યો સીધાં ધાર્મિક વિધિ-વિધાન સાથે નથી જોડાયેલાં, પરંતુ તમારા ગ્રહો અને ઘરની ઊર્જાને સુધારવાનું કામ કરે છે.



સોમવાર


આમ તો પાણીની બચત હંમેશાં કરવી જોઈએ, પણ સોમવારના દિવસે પાણીનો બગાડ બિલકુલ કરવો જોઈએ નહીં અને સાથોસાથ ઘરેથી કામ માટે બહાર નીકળો ત્યારે માતા કે પછી પરિવારમાં જે માતા સમાન મહિલા હોય તેના આશીર્વાદ લઈને નીકળવું જોઈએ. ધારો કે એવું કોઈ સભ્ય ઘરમાં ન હોય તો કુળદેવીના આશીર્વાદ લઈને નીકળવું જોઈએ.

સોમવાર ચંદ્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને ચંદ્ર મન અને પાણીનો કારક છે. આ દિવસે પાણી બચાવવાથી અને માના આશીર્વાદ લેવાથી માનસિક તનાવ દૂર થાય છે અને નિર્ણયો લેવાની ક્ષમતા વધે છે.


મંગળવાર

ફરીથી એ જ કહેવાનું કે દરેક સંબંધમાં લાગણી અને પ્રેમ અકબંધ રહેવાં જોઈએ, પણ મંગળવારના દિવસે ભાઈ-બહેનો અને મિત્રો સાથે અચૂક સારો વ્યવહાર રાખવો જોઈએ અને શક્ય હોય તો તેમને લાલ રંગનું કોઈ ફળ કે પછી મીઠાઈ ખવડાવવી જોઈએ. મંગળવારના દિવસે શક્ય હોય તો લોન કે કરજ લેવાનું ટાળવું જોઈએ.

મંગળ ગ્રહ ભાઈઓ અને સાહસનો કારક છે. આ સંબંધો સારા રાખવાથી મંગળ લાભદાયી બને છે તો સાથોસાથ પ્રૉપર્ટીનાં કામોમાં સફળતા મળે છે અને કોર્ટ-કચેરીના મામલાઓથી બચાવવાનું પણ કામ કરે છે.

બુધવાર

ઑફિસ કે વેપારમાં તમારાં અકાઉન્ટ્સને વ્યવસ્થિત કરવાનું કામ આજના દિવસે ભૂલ્યા વિના કરવું જોઈએ તો જો ડાયરી લખવાની આદત કેળવવી હોય તો એની શરૂઆત બુધવારથી થવી જોઈએ. વીકમાં બે દિવસ એવા છે જ્યારે તમે આખા વીકનું પ્લાનિંગ કરી શકો. આ બે દિવસોમાંથી એક દિવસ છે બુધવાર. બુધવારના દિવસે પ્લાન્ટેશન કરવું કે પછી પ્લાન્ટને પાણી પીવડાવવું પણ ખૂબ લાભદાયી બને છે.

ગ્રહ બુધ બુદ્ધિ, વેપાર અને વાણીનો સ્વામી છે. બુધવારે હિસાબ ક્લિયર રાખવાથી અને છોડની સંભાળ રાખવાથી વ્યાપારિક બુદ્ધિ ખીલે છે અને કમ્યુનિકેશન મજબૂત બને છે.

ગુરુવાર

વીકમાં જો કોઈ એક દિવસ અત્યંત આદરણીય હોય તો એ ગુરુવાર છે. ગુરુવારના દિવસે ગુરુ, શિક્ષક કે વડીલો સાથે વાત કરવાનો નિયમ બનાવવો જોઈએ તો સાથોસાથ ગુરુવારના દિવસે ઑફિસ કે ઘરમાં સ્ટડી-ટેબલ અને પુસ્તકોના કબાટની સાફસફાઈ કરવી જોઈએ. આ દિવસે શક્ય હોય તો શેવિંગ કરવાનું કે વાળ કાપવાનું ટાળવું.

ગુરુ જ્ઞાન અને સમૃદ્ધિનો કારક છે. ગુરુ, શિક્ષક કે વડીલો સાથે વાત કરવાથી અને તેમના અનુભવની ચર્ચા કરવાથી સીધો લાભ કરીઅરને મળે છે અને કરીઅરમાં ખોટા નિર્ણયો લેવાતાં અટકે છે. ઉપરાંત સ્ટડી-ટેબલ અને પુસ્તકોના કબાટ કે અલમારીની સાફસફાઈથી મનમાં રહેલા જ્ઞાનને નવી ચમક મળે છે.

શુક્રવાર

આ દિવસે વૉર્ડરોબ અને પર્સને વ્યવસ્થિત કરવાનું કામ કરવું જોઈએ તો સાથોસાથ સરસ અત્તર કે પરફ્યુમનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જીવનસાથી કે ઘરની મહિલાઓને કોઈ નાની ભેટ આપવી પણ હિતાવહ છે. શુક્રવારે શક્ય હોય તો જીવનસાથી ખુશ થાય એવી ઍક્ટિવિટી પણ કરવી જોઈએ અને તેમને ખુશ રાખવા જોઈએ.

શુક્ર ભૌતિક સુખ અને આકર્ષણનો ગ્રહ છે. આ દિવસે વસ્ત્રો અને ઘરને સુગંધિત તથા વ્યવસ્થિત રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને વૈવાહિક જીવન મધુર બને છે.

શનિવાર

શનિવારના દિવસે ઘરમાંથી નકામો ભંગાર, જૂનાં પગરખાં કે ઇલેક્ટ્રૉનિક્સની વસ્તુઓ બહાર કાઢવી. હાથ નીચે કામ કરતા કર્મચારીઓ, નોકરો કે સફાઈ-કામદારોને ખુશ રાખવાની દરેક પ્રક્રિયા આજના દિવસે શનિને ખુશ કરવાનું કામ કરે છે.

શનિ ગ્રહ કર્મનું પ્રતીક છે તો સાથોસાથ એ શ્રમિક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. સફાઈ-કામદારો પ્રત્યે સહાનુભૂતિ રાખવાથી નસીબ સાથ આપે છે અને નોકરી-ધંધામાં આવતી અણધારી મુશ્કેલીઓ અટકે છે.

રવિવાર

આજના દિવસે પિતા કે પિતાતુલ્ય વ્યક્તિ સાથે સમય વિતાવવો જોઈએ અને તેમને ખુશ રાખવા જોઈએ. આ ઉપરાંત આખા વીકનું પ્લાનિંગ કરવા માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ છે. રવિવારના દિવસે સીધો સૂર્યપ્રકાશ લેવો પણ હિતાવહ છે.

પિતા, સરકારી કામો અને લીડરશિપનો કારક ગ્રહ સૂર્ય છે. રવિવારે કરેલું આગોતરું આયોજન તમને આખું અઠવાડિયું ડિસિપ્લિનમાં રાખે છે અને પિતા સાથેના સારા સંબંધોથી સરકારી કે વહીવટી કામો સરળ બને છે.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK