મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ પર શુક્રવારે સવારે બનેલા એક અકસ્માતમાં મીરા રોડ-ઈસ્ટમાં રહેતા ૭ વર્ષના પરમ પંચાલનું મૃત્યુ થયું હતું
અકસ્માતમાં મૃત્યુ પામેલો પરમ પંચાલ અને અકસ્માત પછી ટેમ્પો ટ્રાવેલર.
મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ પર શુક્રવારે સવારે બનેલા એક અકસ્માતમાં મીરા રોડ-ઈસ્ટમાં રહેતા ૭ વર્ષના પરમ પંચાલનું મૃત્યુ થયું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે કસારા પોલીસે ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મીરા રોડમાં રહેતો મૂળ સાબરકાંઠાના ઈડર તાલુકાના વસાઈ ગામનો પંચાલ પરિવાર પોતાનાં સગાંસંબંધીઓ સાથે ટેમ્પો ટ્રાવેલર દ્વારા નાશિક, ત્ર્યંબકેશ્વર, શિર્ડી અને શનિ-શિંગણાપુરનાં દર્શને નીકળ્યો હતો. આ પ્રવાસ દરમ્યાન ઇગતપુરી બોગદા પાસે તેમનો ટેમ્પો ટ્રાવેલર આગળ ચાલી રહેલા એક ભારે કન્ટેનર પાછળ ધડાકાભેર અથડાયો હતો. હાલમાં પરમના પિતા હાર્દિક, તેના નાના અને મામા નાશિકની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
કસારા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ ગાવિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ટેમ્પો ટ્રાવેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પ્રાથમિક માહિતીના આધારે પંચાલ પરિવાર જે ટેમ્પો ટ્રાવેલરમાં પ્રવાસ કરી રહ્યો હતો એના ડ્રાઇવરે ખોટી રીતે ઓવરટેક કરીને આગળ જવાની કોશિશ કરી હતી એ સમયે અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’
