વિક્રમ સંવત ૨૦૮૨ મેષ (અ, લ, ઈ)નું કેવું જશે એ વાંચો અહીં
મેષ
મેષ (અ, લ, ઈ)
स्थिरधनो रहितः सुजनैर्नरः सुतयुतः प्रमदाविजितो भवेत् ।
अजगतो द्विजराज इतिरित विभुतयाद् भुतया स्वसुकीर्तिभाक्
ADVERTISEMENT
જન્મના સમયે ચંદ્ર જો મેષ રાશિમાં હોય તો જાતક સ્થિર સંપત્તિ રહિત, સ્વજનોથી યુક્ત, પુત્રવાન, સ્ત્રીઓને જીતનારો, સ્વબળે ઐશ્વર્ય (અધિકાર) યશ પ્રાપ્ત કરનાર હોય છે
નૂતન વર્ષ તમારા જીવનમાં નવો ઉજાસ, નવી આશા, ઊર્જા લાવે અને પ્રગતિનાં દ્વાર ખોલનારું પુરવાર થાય એવી શુભેચ્છા સાથે જો મેષ રાશિના જાતકોના વર્ષફળની શરૂઆત કરીએ તો આ વર્ષે તમારું એકમાત્ર લક્ષ્ય શાંતિ મેળવવાનું રહેશે. ઘર હોય કે કાર્યસ્થળ, મિત્રો સાથે હોય કે રોજિંદાં કાર્યો માટે બહાર જવાનું હોય, તમે શાંત, સંયમિત અને તનાવમુક્ત રહેશો. જો તમે લોકોના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસ કરશો તો ખુશી તમને ઘેરી લેશે. ખુશી મેળવવા માટે અન્ય લોકોને ખુશી આપવાનો પ્રયાસ કરવો. એ માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી, એ ફક્ત તમારો સમય અથવા કોઈ પ્રેમભર્યા શબ્દોથી પણ થઈ શકે છે. આ વર્ષે તમારું જીવન સંઘર્ષ, સખત ખર્ચ, મહેનત, પડકારો અને સફળતાનું મિશ્રણ રહેશે. તમારા માટે એક કઠિન તબક્કો આવી રહ્યો છે પરંતુ એ પછી તમને સુખદ પરિણામો મળશે. તમારે તમારી એકાગ્રતા વધારવાની જરૂર પડશે. નમ્રતા, કૃતજ્ઞતા, સકારાત્મકતા જેવા ગુણો તમને જાગૃત કરી શકે છે. જો તમે નમ્રતાપૂર્વક હાર સ્વીકારો છો તો આ વર્ષ વધુ કઠિન બની શકે છે. પોતાની જાતને પડકાર આપવો અને તમારી સમજણમાં સુધારો કરવો. એવું કંઈ જ નથી જે તમે પ્રાપ્ત કરી શકો નહીં. એક વાત જાણી લેજો કે જ્યારે સમય કઠિન હોય છે ત્યારે તમારી કુશળતાને નિખારવી જેથી જ્યારે સમય અનુકૂળ હોય તમે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો છો. તમે તમારા પરિવારજનો સાથે સમય વિતાવીને ખુશ થશો. તમારા સંબંધીઓ તમારા વર્તન અને પ્રેમથી સંતુષ્ટ થશે અને જ્યારે પણ સમય મળશે ત્યારે તમને મળવા આવશે. તમને તેમના તરફથી આમંત્રણ પણ મળશે. તમારા ઘરે કોઈ શુભ સમારંભનું આયોજન થવાની સંભાવના છે. આ સમારંભ પરિવારમાં ખુશીની લહેર લાવશે. મેષ રાશિના જાતકો માટે વાર્ષિક કુંડળી મુજબ આ વર્ષ પ્રેમ અને ઉત્સાહથી ભરેલું રહેશે. તમારે તમારા લોકો સાથે નિકટતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ વર્ષે વિદેશયાત્રાની મજબૂત તકો છે. જો તમે બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા હો તો કામના સંદર્ભમાં અને જો તમે વ્યવસાય કરતા હો અને આયાત-નિકાસનો વ્યવસાય હોય તો તમારે કામ માટે ઘણી વખત વિદેશયાત્રા કરવી પડશે. આથી તમારા ખર્ચમાં વધારો થવાની સાથે-સાથે કેટલાક શારીરિક પડકારો પણ આવશે. તેથી જ્યારે પણ તમારે મુસાફરી કરવાની જરૂર પડે ત્યારે જરૂર હોય એટલી ઝડપથી તમારાં મહત્ત્વનાં કાર્યો પૂરાં કરીને પાછા આવી જવું અને બિનજરૂરી મુસાફરી ટાળવી. ઘણા અનિયંત્રિત ખર્ચાઓ પણ તમને વ્યથિત કરી શકે છે. સારી ઊંઘ તમને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓથી બચાવી શકે છે.
પ્રણય અને સંબંધો
મેષ રાશિના વાર્ષિક રાશિફળ અનુસાર આ વર્ષ તમારા માટે પ્રેમથી ભરેલું રહેશે પરંતુ ઘણી વખત થોડી વિપરીત લાગણીઓ ઉદ્ભવશે જે તમારી વચ્ચે અન્ય ગેરસમજોને જન્મ આપી શકે છે. એકબીજા પર વિશ્વાસ કરવો ખૂબ કઠિન હશે અને આ તમારા સંબંધોની ચમકને ઝાંખી કરી શકે છે. પ્રેમમાં તમારે બેવફાઈનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમે જેને પ્રેમ કરો છો તે લોકો તમારી સાથે છેતરપિંડી કરી શકે છે અને તમારું દિલ તૂટી શકે છે, તેથી તમારે તમારી આંખો ખુલ્લી રાખવી પડશે અને દિલથી દિલનું કામ કર્યા પછી તમારે મગજનો પણ ઉપયોગ કરવો પડશે. વર્ષના અંતિમ ચરણમાં સંબંધમાં સારો સુધારો થશે. વિવાહિત લોકો પોતાના દામ્પત્યજીવનમાં પ્રેમની નવી વ્યાખ્યા બનાવશે. તમારા પ્રિય સાથે તમારી નિકટતા વધવાની સાથે-સાથે તમારા જીવનના દરેક કાર્યમાં તેમની સહભાગીતા પણ વધશે.
નાણાકીય બાબતો
સારું જીવન જીવવા માટે સમજદારીપૂર્વક ખર્ચ કરવો. પરિવારના કેટલાક વડીલ અને તમારાં ભાઈ-બહેનો તરફથી પણ તમને લાભ મળી શકે છે. તમારી બધી આવકને ખર્ચી નાખવાના બદલે વધારાની આવકની બચત કરવી. નોકરિયાત વર્ગને બોનસ અથવા પ્રોત્સાહન મળવાની શક્યતા છે પરંતુ વધારાના ખર્ચાઓ થવાના હોવાથી તમારી અપેક્ષાઓ વધારે રાખવી નહીં. તમારે પોતાની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જરૂરી હોય એટલો જ ખર્ચ કરવો. વર્ષના મધ્યમાં તમને મહેનતના પ્રમાણમાં ઘણું વધારે વળતર મળશે. આ નાણાં તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરશે તેમ જ અત્યારે કરેલું રોકાણ તમને ભવિષ્યમાં આર્થિક રીતે મજબૂત પણ બનાવશે. પ્રેમજીવન વિતાવી રહેલા લોકો પોતાના પ્રિય માટે કોઈ મોટો ખર્ચ કરશે. જોકે વધુપડતો દેખાડો કરવામાં ખર્ચ કરવો યોગ્ય નથી.
નોકરી અને વ્યવસાય
મેષ રાશિવાળા વ્યવસાય કરનારા લોકોના મનમાં ધંધામાં વિસ્તરણની યોજનાઓ આકાર લેશે. વર્ષના યોગો પરથી લાગી રહ્યું છે કે તમે નાણાં ઉડાવો અથવા તમારો બિન્દાસ સ્વભાવ રહેવાથી કામકાજમાં ઓછું ધ્યાન આપવાથી નફો ઘટે. આ સ્થિતિને ટાળવા માટે શરૂઆતથી જ સતર્ક રહેવું. તમારી સિદ્ધિઓનો દેખાવ કરવાથી તમને મળતા પુરસ્કારમાં ઘટાડો થઈ શકે છે. તમારી સિદ્ધિઓની ઉજવણી કરવી પરંતુ તમારા હરીફો અથવા ખરાબ લોકો તરફથી નકારાત્મકતા ન આવે એ માટે દેખાડો કરવો નહીં. તમારા હરીફો ખૂણામાં છુપાયેલા છે તેથી તેમને તમારી સંપત્તિ અને સમૃદ્ધિની જાણ થાય નહીં એના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવાની એક પણ તક છોડશો નહીં. નોકરીના પ્રશ્નો ધીમે-ધીમે ઉકેલાશે અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને ઘણી વખત વિદેશપ્રવાસ કરવાની તક મળશે. તમારા પર કામનું દબાણ વધશે પરંતુ વર્ષના બીજા ભાગમાં તમને પ્રમોશન મળી શકે છે.
અભ્યાસ
વિદ્યાર્થીઓને નવા વિષયો શીખવા અને સમજવાની તક મળશે. તમે કેટલાક નવા અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ લઈ શકો છો. તમે સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય રહેશો. આ તમારા શિક્ષણને અસર કરી શકે છે પરંતુ ગ્રહોની કૃપા તમારા પક્ષમાં હોવાથી તમારી ઓછી મહેનત પણ તમને સફળતા અપાવી શકે છે. જે લોકો બહાર અભ્યાસ કરે છે તેમને ઘણી સફળતા મળશે. જ્યોતિષ, ગુપ્ત વિજ્ઞાન, ઉપચાર, અવકાશ વિજ્ઞાન વગેરે સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવાની સુવર્ણ તક મળી શકે છે. મિત્રો સાથે મર્યાદા જાળવી રાખો કારણ કે કેટલાક મિત્રોનું વર્તન તમને અભ્યાસથી દૂર લઈ જઈ શકે છે અને તમારી મહત્ત્વાકાંક્ષાઓ અતિશય મહત્ત્વાકાંક્ષામાં ફેરવાતાં લાંબો સમય લાગશે નહીં, જેના કારણે તમને આ વર્ષે શિક્ષણમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્ય
પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય દરેક માટે ચિંતાનો વિષય રહેશે. કોઈ પણ ગંભીર મુશ્કેલીથી બચવા માટે સમયસર ડૉક્ટરનો સંપર્ક કરવો. વર્ષના મધ્યમાં આળસ તમને ઘેરી લેશે અને તમે મોટા ભાગે ઊર્જાનો અભાવ અનુભવશો. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી અને યોગ્ય સલાહ વગર કોઈ પણ દવા લેવી નહીં કારણ કે આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય સાથે રમત થશે અને તમારે એનાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. મોડી રાત સુધી મોબાઇલનો ઉપયોગ કરવાથી અથવા લૅપટૉપ પર લાંબા સમય સુધી કામ કરવાથી આંખોની રોશની પર અસર પડી શકે છે. જો તમે કોઈ રમતગમતની પ્રવૃત્તિ કરો છો તો તમારા પગનું ધ્યાન રાખવું. વર્ષની શરૂઆતમાં ઈજા થવાની શક્યતા છે.

