વિક્રમ સંવત ૨૦૮૨ વૃશ્ચિક (ન, ય)નું કેવું જશે એ વાંચો અહીં
વૃશ્ચિક
વૃશ્ચિક (ન, ય)
शशधरे हि सरीसृपगे नरो नृपदुरोदरजातधनक्षयः ।
कलिरुचिर्विबलः खलमानसः कृशमनाः शमनापहतो भवेत् ।।
ADVERTISEMENT
વૃશ્ચિક રાશિસ્થિત ચંદ્રમાં જન્મ લેવાવાળો જાતક રાજા, જુગારથી ધનને નષ્ટ કરવાવાળો, કંકાસપ્રિય, કપટી, નબળા મનનો, નિર્ણયશક્તિના અભાવવાળો અને અશાંત મનવાળો હોય છે.
નવા શરૂ થયેલા વિક્રમ સંવતની આપને ખૂબ જ શુભેચ્છાઓ અને આપનું તેમ જ આપના પરિવારનું જીવન સુખ, સમૃદ્ધિ, સંપન્નતા અને સારા સ્વાસ્થ્યમાં પસાર થાય એવી શુભેચ્છાઓ. આ વર્ષ તમારા જીવન માટે પ્રગતિ અને સમર્થન સાથે ઉત્તમ રહી શકે છે. આ વર્ષનું ફળકથન સૂચવે છે કે તમે નવા પ્રયોગ કરવા ઇચ્છો છો અને એ તમારા પક્ષમાં જશે. નવાં કાર્યો અજમાવવાની ક્ષમતા ઉદાર લોકોનો એક ખાસ ગુણ છે અને તેઓ જાણે છે કે તેને કેવી રીતે સંતુલિત કરવું અને ગણતરીપૂર્વકનું જોખમ કેવી રીતે લેવું. આનાથી વિકાસના નવા રસ્તાઓ ખૂલે છે કારણ કે એ તમને એક વ્યક્તિ તરીકે ઓળખ આપે છે તેમ જ વ્યાવસાયિક રીતે વિકાસ કરી શકે છે. તમે આ વર્ષે જીવનનાં વિવિધ ક્ષેત્રો વચ્ચે સંતુલન જાળવી શકશો અને આખરે તમારા ભૂતકાળના પ્રયત્નોનાં કેટલાંક સારાં ફળ મેળવશો. તમારા જીવનસાથી સાથે સમય વિતાવવો તમારા માટે એક યાદગાર અનુભવ રહેશે. એવી યાદો બનાવો જે આવનારા સમયમાં તમારા ચહેરા પર સ્મિત લાવે. કોઈ પણ પ્રકારની જૂની વાતોને સંબંધો વચ્ચે રેખા દોરવા ન દેવી. તમારી તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ આ વર્ષે વધુ ફળદાયી પરિણામો આપી શકે છે. આ ક્ષમતાઓનો જેટલો વધુ ઉપયોગ કરવામાં આવશે તેટલા વધુ સ્પષ્ટ રીતે તમે લાભ જોશો. તમે તમારાં લક્ષ્યોને વધુ સરળતાથી પ્રાપ્ત કરશો અને આમ કરવાથી તમને સંતોષ અને ઇચ્છા પૂર્ણ થવાનો આનંદ મળશે. તમે ફક્ત તમારી જાત અને તમારા લોકો પ્રત્યેની જવાબદારીઓ જ નહીં નિભાવો, પરંતુ અન્ય લોકો માટે પણ મદદનો હાથ લંબાવશો. તમે પરોપકારી ગુણોથી સંપન્ન થશો. નક્ષત્રોનો પ્રભાવ આ વર્ષે વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે વૃદ્ધિનું વચન આપે છે. નાણાકીય પરિસ્થિતિ અનુકૂળ રહેવાની છે. મિલકત ખરીદી હોય કે વાહન ખરીદી, બધું જ શક્ય બનશે. બાંધકામ કાર્ય અને નવીનીકરણ સંબંધિત કાર્યો પણ આ વર્ષે થશે. તમે તમારા સ્વપ્નનું ઘર તૈયાર કરી શકો છો અથવા તમે લાંબા સમયથી શોધી રહ્યા હતા એ ઑફિસ મેળવી શકો છો. આનો અર્થ એ છે કે તમારી પોતાની ઑફિસ બનાવવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. તમે લોકોને નોકરી પર રાખશો. વર્ષની શરૂઆતમાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું કારણ કે જો તમે વર્ષની શરૂઆતમાં તમારો રસ્તો ભૂલી જાઓ છો તો તમને ટેકો આપવા માટે કોઈ નહીં હોય. તમારા ઉદ્દેશ્યો પૂરા કરવા માટે લોકોનો ઉપયોગ ન કરવો પરંતુ તેમનો ટેકો માગવો તમારા માટે સારું રહેશે. તમારી દરેક ખુશીમાં તમને તમારા ભાઈઓ અને મિત્રોનો ટેકો સ્પષ્ટપણે દેખાશે.
પ્રણય અને સંબંધો
તમારા પરિવાર સાથેના સંબંધો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું કારણ કે વર્ષના પહેલા ભાગમાં તમારા પરિવારનું વાતાવરણ તનાવપૂર્ણ રહેશે. તમે તમારા પ્રિયથી પણ અસંતુષ્ટતા અનુભવશો. તમારાં બાળકો પણ ક્યારેક તમારા વર્તનથી નાખુશ રહેશે. તેમની સાથે એના વિશે વાત કરવાનો પ્રયાસ કરવો. તેમને બહાર લઈ જાઓ અને તેમની ધારણાઓ સમજવા અને તેમની લાગણીઓને સમજવા માટે થોડો સમય પસાર કરો. જે લોકો અપરિણીત છે એ લોકો આ વર્ષે લગ્ન કરી શકે છે પરંતુ તમારે તમારા સંબંધોને તૂટતા અટકાવવા પડશે. પ્રેમસંબંધો આ વર્ષે તમને ઘણી ખુશીઓ આપી શકે છે પરંતુ વર્ષની શરૂઆતમાં મોટા ઝઘડા પણ થશે. વાત એટલી મોટી ન હોય પરંતુ ઝઘડા મોટા બની શકે છે. તમારે સંબંધની જવાબદારી લેવી જોઈએ.
નાણાકીય બાબતો
આ વર્ષે નાણાંની દૃષ્ટિએ વૃદ્ધિની કોઈ મર્યાદા નથી. તમે જે ઇચ્છો એ પ્રાપ્ત કરવા માટે તૈયાર રહેશો અને જીવન તમને જે જોઈએ છે એ આપવા માટે તૈયાર રહેશે. વર્ષની શરૂઆત થોડી ધીમી હોઈ શકે છે. તમને કોઈ અણધારી રીતે નાણાં મળી શકે છે. તમારું નાણાકીય જીવન સ્થિર રહેવાના કારણે આ વર્ષ ફળદાયી રહેશે. તમે મર્યાદા સુધી લઈ ગયા પછી ખર્ચ કરવાનું બંધ કરશો. આનો ફાયદો એ થશે કે તમે આર્થિક રીતે મજબૂત રહેશો અને નાણાં તમારા હાથમાં રહેશે અને જ્યારે તમારી પાસે નાણાં રહેશે ત્યારે તમે જે ઇચ્છો એ કરી શકશો. આ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમને પરિવારના કોઈ સભ્ય પાસેથી મિલકત મળી શકે છે.
નોકરી અને વ્યવસાય
તમને એક નવું લક્ષ્ય અથવા કાર્ય સોંપવામાં આવશે. આ વર્ષે તમારા ભાગ્યમાં નવી જવાબદારીઓ અથવા નવી નોકરી પણ સામેલ થઈ શકે છે. તમને તમારા સ્વપ્નની નોકરી પણ મળી શકે છે. વર્ષનો પહેલો ભાગ તમને વિજ્ઞાન અને ટેક્નૉલૉજી તરફ દોરી જશે. તમને સંશોધન અને વિશ્લેષણ કરવામાં નવી રુચિ કેળવવામાં આવશે. ભાગીદારી તમારા માટે નસીબદાર રહેશે પરંતુ યાદ રાખો કે ઉતાવળમાં કરવામાં આવેલું કોઈ પણ કાર્ય બગડતાં વાર નહીં લાગે અને તમને ઇચ્છિત પરિણામ આપી શકશે નહીં. નવા વ્યવસાયિક પ્રોજેક્ટ્સ નફાકારક રહેશે અને તમારે તમારાં કાર્યો પસંદ કરવામાં સાવચેત રહેવું જોઈએ કારણ કે તમારી પાસે સમયનો અભાવ હશે. યોગ્ય પ્રકારનું કાર્ય પસંદ કરવું, જે કાર્ય તમે હંમેશાં કરવા ઇચ્છતા હતા, જે કાર્ય તમે કરવાનું સ્વપ્ન જુઓ છો અને જે કાર્યમાં તમે તમારાં શ્રેષ્ઠ પરિણામો આપી શકો છો.
અભ્યાસ
નક્ષત્રો વિદ્યાર્થીઓને સૂચવે છે કે સખત મહેનત વિના જીવનમાં કંઈ પ્રાપ્ત થતું નથી, તેથી કામ કરતા રહો. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે કંઈક સારું થવાની સંભાવના છે. તમે જેટલું વધુ સંશોધન અને વિશ્લેષણ કરશો તેટલા વધુ સફળ થશો, જે તમને ઉચ્ચ શિક્ષણમાં મોટી સફળતા આપી શકે છે. વર્ષના શરૂઆતના ત્રણથી ચાર મહિનામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા છે. તમારે જવાબદારીઓથી ભાગવાની જરૂર નથી પરંતુ અભ્યાસ તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે આ સમજો છો તો આપમેળે અભ્યાસમાં તમારી રુચિ વધશે. ધ્યાન અને આધ્યાત્મિકતાના વિષયો પણ તમને તેમની તરફ ખેંચશે. પરંપરાગત વિદ્યાર્થીઓ આ વર્ષે સારાં પરિણામો મળવાના સંકેતો જોઈ રહ્યા છે. તમારા અભ્યાસને નિયમિત બનાવો, વર્ષના મધ્યમાં તમને સારાં પરિણામો મળશે.
સ્વાસ્થ્ય
આ વર્ષે તમે સક્રિય, સ્વસ્થ અને ખુશ રહેશો. વૃશ્ચિક રાશિના જાતકો ઊર્જાથી ભરપૂર હોય છે તેથી તમે તમારા મિત્રો સાથે ટ્રિપ પર જવા, ખરીદી કરવા, ટ્રેકિંગ કરવા અથવા કોઈ નવી સાહસિક રમતોમાં ભાગ લેવા ઇચ્છતા હશો. જો તમે આવા કાર્યક્રમોમાં જાઓ છો તો તમને તાપ અને ગરમી સંબંધિત બીમારી અથવા ડીહાઇડ્રેશન થવાની શક્યતા રહેશે. તમારો માથાનો દુખાવો તમને વારંવાર વ્યથિત કરી શકે છે તેથી શક્ય એટલું એને ટાળવાનો પ્રયાસ કરવો અને વધુપડતો તનાવ લેવાનું પણ ટાળવું. જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો એનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો. જો કોઈ કામ તમને વ્યથિત કરી રહ્યું છે તો બીજાની મદદ લઈને એને પૂર્ણ કરવું.

