અંધેરીમાં રહેતા ૧૧ વર્ષના નીલ સોલંકીએ ૨૦૧ ગણેશ પંડાલમાં દર્શન કરવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો, પણ ૨૧૫ પંડાલનાં દર્શનનો આંકડો પાર કરી લીધો હતો
નીલ સોલંકી
ગણપતિબાપ્પાના ભક્તોની ભરમાર છે, પરંતુ અમુક એવા ભક્તો પણ હોય છે જેમના વિશે સાંભળીને અચરજ થયા વગર ન રહે. આવો જ એક ભક્ત અંધેરીમાં રહે છે જેની ઉંમર હજી માત્ર ૧૧ વર્ષની જ છે, પરંતુ તેની ગણપતિબાપ્પા પ્રત્યેની ભક્તિ કંઈક અનેરી જ છે. અંધેરીમાં રહેતો નીલ સોલંકી ગણેશોત્સવ દરમ્યાન છેલ્લાં ૩ વર્ષથી ગણપતિ પંડાલનાં દર્શન કરવામાં પોતાનો જ વિક્રમ તોડી રહ્યો છે. ૨૦૨૪માં તેણે ૧૨૧ ગણપતિ પંડાલનાં દર્શન કર્યાં હતાં, ૨૦૨૫માં તેણે ૧૫૧ પંડાલનાં દર્શન કર્યાં હતાં; જ્યારે આ વર્ષે તેણે ૨૦૧ પંડાલનાં દર્શન કરવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો અને ગઈ કાલ સુધીમાં તેણે ૨૧૫ પંડાલનાં દર્શન કરી લીધાં હતાં.
નીલનાં મમ્મી બિનલ સોલંકી આ વિશે વધુ જાણકારી આપતાં કહે છે, ‘મારો દીકરો પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને ગણપતિ પંડાલોમાં જવાનું અને ત્યાં જઈ બાપ્પાનાં દર્શન કરવાનું ખૂબ ગમે છે. તે રોજેરોજ અલગ-અલગ પંડાલમાં જાય છે એટલે અમે તે ક્યાં-ક્યાં જાય છે એ લખવાનું શરૂ કર્યું તો જાણ્યું કે તે તો દર વર્ષે ૧૦૦ જેટલા પંડાલમાં જાય છે. આ જાણ્યા બાદ તેના ઉત્સાહમાં વધારો થયો હતો અને તેણે દર વર્ષે પંડાલમાં જવાનો ટાર્ગેટ મૂકવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લાં ૩ વર્ષથી તે દર વર્ષે ગણપતિ પંડાલનાં દર્શને જવાનો ટાર્ગેટ વધારી રહ્યો છે. આ વર્ષ માટે તેણે ૨૦૧ પંડાલોમાં જવાનો ટાર્ગેટ મૂક્યો હતો. એમાં તે પહેલા દિવસે જ ૬૦ પંડાલમાં જઈ આવ્યો હતો. એવું નથી કે તે નજીકના વિસ્તારમાં કે પછી આરામથી દર્શન થઈ જાય એવા પંડાલમાં જ જાય છે. લાંબી-લાંબી લાઇન હોય અને દૂર સુધી ચાલીને જવાનું હોય એવા પંડાલોમાં પણ તે જાય છે. વરસાદ હોય કે પછી તડકો, તે બધા દિવસ દર્શન કરવા જાય એટલે જાય. તે નાનો હોવાથી એકલો નથી જઈ શકતો એટલે અમે તેની સાથે જઈએ છીએ. તે તો તેના મિત્રો અને કઝિનને પણ દર્શન કરવા માટે પ્રોત્સાહિત કરતો રહેતો હોય છે. આ વર્ષે તો તે પહેલા દિવસે તેના કઝિનને પણ લઈ ગયો હતો. તે જરાય થાકતો પણ નથી. આજ સુધીમાં તે પરેલના લાલબાગ એરિયાના, ખેતવાડી, અંધેરી, વિલે પાર્લે, જોગેશ્વરી, માટુંગા, કફ પરેડ, ફોર્ટ એરિયાના જે પણ ગણપતિ છે એમાંના મોટા ભાગના ગણપતિનાં દર્શન કરી આવ્યો છે. હું અને મારા હસબન્ડ બન્ને વર્કિંગ છીએ એટલે અમે ટાઇમ ઍડ્જસ્ટ કરીને તેને બધે લઈ જઈએ છીએ. પહેલા દિવસે અમને બન્નેને રજા હતી એટલે અમે વહેલી સવારે જ આખા દિવસ માટેની ટૅક્સી કરીને નીકળી ગયાં હતાં. રાત સુધીમાં તો ૬૦ ગણપતિનાં દર્શન એક જ દિવસમાં થઈ ગયાં હતાં. બીજા દિવસે અમે રજા લીધી હતી એટલે એ દિવસે ૪૦ પંડાલનાં દર્શન થઈ ગયાં હતાં. બાકીના દિવસોમાં અમે જૉબથી આવીને તેને સાંજ પછી બધે લઈ જતાં હતાં. આમ અમે ૨૧૫ પંડાલનાં દર્શન કરી નાખ્યાં હતાં.’
- દર્શિની વશી
