Aastha Nu Address: આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.
આજનું આસ્થાનું એડ્રેસ છે બાન્દ્રામાં આવેલું રાધાકૃષ્ણ મંદિર
Aastha Nu Address: માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
આજે આપણે બાંદ્રામાં આવેલા એક જૂના અને અનોખા મંદિરના એડ્રેસ (Aastha Nu Address) પણ જવું છે. કોઈપણ મંદિર સાથે કોઈ એક ચોક્કસ સમાજની જ આસ્થા જોડાયેલી હોય એવું હોતું નથી. ભલે એ મંદિરનું નિર્માણ કોઈ એક ચોક્કસ સમાજ કે વ્યક્તિ દ્વારા કરાયું હોય. પણ પાછળથી તે સૌનું બની જતું હોય છે. બાંદ્રાના આ રાધાકૃષ્ણ મંદિરનો ઇતિહાસ પણ કૈંક એવો જ રોચક છે. આ મંદિરનો પાયો ૧૯૦૮માં ખટિક સમાજના જ એક વ્યક્તિ દુર્ગાપ્રસાદ ગૌડ દ્વારા નાખવામાં આવ્યો હતો. તેઓ પરિવારને લઈ મુંબઈમાં ધંધાર્થે આવ્યા હતા ત્યારે તેઓએ અહીં નાનકડું આસ્થાનું ઝુંપડું ઊભું કર્યું હતું. તે સમયે મંદિર કાચું હતું. માથે પતરાં હતાં. દુર્ગાપ્રસાદ ગૌડે અહીં એક શિવલિંગની સ્થાપના કરી હતી. ધીમે ધીમે રાજસ્થાન અને હરિયાણાના ખટિક સમાજનાં લોકો જે અહીં રહેતા હતા તેઓએ ભંડોળ ભેગું કરીને આ મંદિરને પાકું કર્યું. મળતી માહિતી અનુસાર વર્ષ ૧૯૭૦માં આ મંદિર પાકું કરાયું હતું.
ADVERTISEMENT
મોટેભાગે આ ખટિક શરૂઆતમાં મુંબઈમાં મજૂરીકામ કરતો હતો. ધીમેધીમે તેઓ બિલ્ડિંગના કોન્ટ્રેક્ટદાર બન્યા. ૨૦ ટકા લોકો ગવર્નમેન્ટ જોબ પણ કરે છે. શરૂઆતમાં તો રાજસ્થાન અને હરિયાણાથી મુંબઈમાં સ્થાયી થયેલા ખટિક સમાજ પાસે પૈસા પણ નહોતા. એટલે ઝૂંપડીમાં પિત્તળની કૃષ્ણ-રાધાની મૂર્તિ બેસાડવામાં આવી હતી. વર્ષ ૧૯૧૪માં સંગેમરમરમાંથી નિર્મિત કદમાં મોટી મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી.
ગર્ભગૃહમાં જ્યાં રાધા-કૃષ્ણ બિરાજમાન છે
મળતી માહિતી અનુસાર ૨૦૧૬માં આ મંદિર (Aastha Nu Address)નો જીર્ણોદ્ધાર કરાયો છે. મંદિરની કાયાપલટ કરવામાં આવી છે. મંદિરમાં દુર્ગાદેવી, હનુમાનજી સહિતની અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે છે. આગળ રોડ હોવાથી પ્રાંગણ સામાન્ય છે. પણ મંદિરની અંદર મૂર્તિઓ સમક્ષ બેસવાની જગ્યા મળી રહે છે. સવારે આરતી કરવામાં આવે છે. બપોરે ૧૨ વાગ્યે મંદિર બંધ થાય છે. ફરી સાંજે ચાર વાગ્યે ખૂલે છે. જે પછી રાત્રે ૯ વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ રહે છે.
આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.
પાછળથી રાધા-કૃષ્ણની સંગેમરમરમાંથી બનેલી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી તે
શ્રીકૃષ્ણ શર્માએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું કે, "મંદિરનું વ્યવસ્થાપન ખટિક સમાજ દ્વારા જ કરવામાં આવે છે. અહીં પગારધોરણે કોઈ પૂજારી નથી. અમારા જ પરિવારના પૂજારીઓ હોય છે. મંદિર (Aastha Nu Address)માં જે કંઇ ચઢાવો આવે છે, એ થકી જ નિર્ભર હોઈએ છીએ. ખટિક સમાજનાં લગ્નપ્રસંગો, જ્યોતિષ જોવાના કામ કરીએ છીએ."
ખટિક સમાજની આ મંદિર સાથે અનન્ય આસ્થા જોડાયેલી છે. સમાજના કોઈ ઘરમાં બાળક જન્મે તો તેનું નામકરણ પણ આ જ મંદિરના પૂજારી દ્વારા જ કરવામાં આવે છે. વિવાહ હોય કે કોઈની મરણવિધિ હોય બધુ જ આ મંદિરના પૂજારી જ કરે છે.
મંદિરમાં બિરાજેલાં દુર્ગાદેવીની સુંદર પ્રતિમા
પૂજારી શ્રીકૃષ્ણ શર્મા વ્યથા ઠાલવતાં કહે છે કે હાલ ચઢાવો ઓછો થઈ ગયો છે. પહેલા તો આખા વિસ્તારમાં આ એક જ સૌથી જૂનું મંદિર હતું. હવે તો આસપાસ નવાં મંદિરો થયાં છે. ખેરવાડીમાં મોટેભાગે ખટિક સમાજ રહે છે. અન્ય પ્રાંતનાં લોકો તો બહુ જ ઓછા આવે છે. પણ, મંદિરમાં જે કોઈ જાય છે એ નિરાશ થઈને પાછો ફરતો નથી. મંદિરમાં દાન પણ ખટિક સમાજમાંથી જ આવે છે. અત્યારે થોડુંક બહારથી પણ લેવાનું શરૂ કર્યું છે. સમાજની પરવાનગી લઈને અન્ય લોકો પણ મંદિરમાં યથાયોગ્ય દાનધર્મ કરી શકે છે.
મિત્રો, આ મંદિર (Aastha Nu Address) સુધી પહોંચવા ખાર અને બાંદ્રા બંને રેલવે સ્ટેશન નજીક પડે છે. ૧૦-૧૫ મિનિટ ચાલો ત્યાં જ આ મંદિર પહોંચી જવાય છે. તો, આવતા એપિસોડમાં આવા જ કોઈ અન્ય આસ્થાના એડ્રેસ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ.

